અહેવાલ -રીતેશ પરમાર
ગણેશ વિસર્જન અને ઈદ સમયે પોલીસ એલર્ટ રહેશે: DGP વિકાસ સહાયે રાજયભરના અધિકારીઓ સાથે વર્ચ્યુલ બેઠક કરી
♦ રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરાના પોલીસ કમિશ્નરો ઉપરાંત તમામ જિલ્લાના એસપી બેઠકમાં જોડાયા: તહેવારો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે સતત ફીલ્ડમાં રહેવા સૂચના
દેશભરમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે છેલ્લા બે દિવસમાં સુરત અને ખેડાના કઠલાલમાં અનિચ્છનીય ઘટનાઓ ઘટી છે. આ ઘટનાઓના સંદર્ભમાં રાજયના પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશ્નર, રેન્જ આઈજીપી અને ડીએસપી સાથે વીડીયો કોન્ફરન્સ કરીને તેની માહિતી મેળવી હતી.
આગામી ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના તહેવારોમાં કોઈ અનીચ્છનીય ઘટના ન ઘટે તેની તકેદારી માટે સૂચન કર્યા હતા. આ ઉપરાંત રાજયમાં એસઆરપીની 30 કંપની તૈનાત કરવામાં આવી છે. સુરતમાં વધારાની એસઆરપી પણ રવાના કરવામાં આવી છે.
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના અને ખેડાના કઠલાલમાં પણ ગણેશ ઉત્સવની ઉજવણી વખતે થયેલી તકરારને લઈને પોલીસ એલર્ટ છે. લાંબા સમય બાદ રાજયમાં ગણેશ ઉત્સવમાં અથડામણ કે પથ્થરમારાની ઘટના નોંધાઈ છે જેની ડીજીપીએ ગંભીર નોંધ લીધી છે. ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું હતું કે રાજયભરની પોલીસ ગણેશ ઉત્સવ અને ગણેશ વિસર્જનની તૈયારીમાં લાગી ગઈ છે.
રાજયમાં કુલ 93 હજારથી વધુ ગણેશ પ્રતિમાઓનું સ્થાપન કરાયું છે. જે પૈકી 73 હજાર પ્રતિમાનું વિસર્જન તા.17મીએ કરાશે. આ માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઉપરાંત, ઈદે મિલાદમાં પણ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું હતું કે સુરતવાળી ઘટનામાં છ બાળકોએ પથ્થરમારો કર્યો હોવાનું ખુલ્યું છે. તેમની સામે કાયદાની મર્યાદામાં રહીને પગલા લેવાયા છે. આ ઉપરાંત આ બન્ને અનિચ્છનીય ઘટનાઓમાં કુલ 28 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
સુરતમાં પથ્થરમારાની ઘટનાને લઈને પોલીસ કમિશ્નર તરત જ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને સમગ્ર પરિસ્થિતિ થાળે પાડી હતી. ગુનેગારોને ઝડપી લેવામાં આવ્યા છે.
રાત્રે 12 વાગ્યે પણ કંટ્રોલ રૂમમાંથી ACP-PIના લોકેશન માંગવામાં આવશે..
ગણેશ ઉત્સવની શહેરમાં શાંતીપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થાય તે માટે પોલીસ કમિશ્નરે એકશન પ્લાન ઘડયો છે જેમાં તહેવાર સંપન્ન થાય નહીં ત્યાં સુધી પોલીસ ઈન્સ. અને ઉપરી અધિકારીઓએ પોતાનું કાર્યક્ષેત્ર છોડવાનું રહેશે નહીં. ગણેશ પંડાલમાં રાત્રે પૂજા અને અર્ચના કરવામાં આવતી હોવાથી પોલીસ કંટ્રોલરૂપ દ્વારા શહેરના તમામ પોલીસ ઈન્સ. અને એસીપીના રાત્રે 12 વાગ્યાના લોકેશન મેળવવામાં આવશે.
તમામ અધિકારીઓએ પોતાના વિસ્તારમાં સાંજે સાતતી રાત્રે 7 સુધી સતત પેટ્રોલીંગ કરવાનું રહેશે ટીમ ગણેશ પંડાલની સતત વિઝીટ લેતી રહેશે હોમગાર્ડસ પણ તૈનાત કરાશે. આ ઉપરાંત તમામ મંડપ આજુબાજુના સીસીટીવી કેમેરા એકટીવ રખાશે. જયાં સીસીટીવી કેમેરા ન હોય ત્યાં વીડિયોગ્રાફી અને ડ્રોનની મદદથી વીડિયોગ્રાફી કરાશે.
દરેક ડીસીપી અને એસીપી કક્ષાના અધિકારીઓ શાંતિ માટે લેવાયેલી મીટીંગ્સની વિગતો રજૂ કરવાની રહેશે. આ ઉપરાંત કોઈપણ અનિચ્છનીય બનાવોના વીડીયો તથા અફવા સોશીયલ મીડીયા પર વાયરલ થાય નહીં તેની તકેદારી રખાશે.”