અહેવાલ – રીતેશ પરમાર
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ગુનાખોરી એટલી હદે વધી છે કે ખુદ પોલીસ પણ તેમાં કલંકિત થઈ રહી હોવાના બનાવો સામે આવી રહ્યા છે. હાલમાં જ શાહીબાગ વિસ્તારમાં ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ દારૂનો મોટો જથ્થો અમદાવાદ પૂર્વના નામચીન અને કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પુત્ર દિલીપસિંહ રાઠોડનું હોવાનું સામે આવ્યું હતું. આટલુંજ નહી પણ SMC એ જયારે બાતમીના આધારે જે સ્થળે રેડ પાડી ત્યાં શાહીબાગના વહીવટદાર વિજયસિંહ પણ હાજર હોવાની માહિતી SMC ને મળી હતી. પરંતુ વહીવટદાર વિજયસિંહ રેડ પડવાની ભાળ મળતા ત્યાંથી રફુ ચક્કર થઈ ગયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે તો સ્ટેટ મોનીટરિંગ ની ટીમ પણ જણાવી રહી છે.થોડા દિવસ અગાઉ પણ અમદાવાદ ક્રાઈમબ્રાન્ચ પોલીસે શાહીબાગ વિસ્તારમાં રેડ પાડી જુગાર ઝડપી પાડ્યો હતો.
અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં લુખ્ખા તત્વો અને બુટલેગરોએ ત્રાસ મચાવ્યો છે. દારૂબંધીની અમલવારી કરાવવામાં પોલીસની પકડ કમજોર સાબિત થતી દેખાઈ આવે છે. કારણ કે પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટરો દ્વારા મુકાયેલા વહીવટદારો પોતાના અધિકારીઓના ખિસ્સા ગરમ કરવા કોઈપણ હદ વટાવી રહ્યા છે. જેમાં બુટલેગરોને ખુલ્લેઆમ દેશી વિદેશી દારૂનો ધંધો કરવાની ખુલ્લી છૂટ, તો જુગારના અડ્ડાઓ ચલાવવા મસમોટા હપ્તા લઈ છડે ચોક કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે. જયારે શાહીબાગના બનાવમાં તો દારૂનો જથ્થો જ્યાં મુકવામાં આવ્યો હતો ત્યાં ખુદ વહીવટદાર બુટલેગર સાથે હાજર હોવાની બાતમી સ્ટેટ મોનીટરીંગને હાથ લાગી હતી. જો પૈસા કમાઈ લેવા માટે ખુદ પોલીસ બુટલેગરો સાથે ભાગીદારી કરે તો પછી દારૂબંધીની કડક અમલવારી કોણ કરશે એવા સવાલો લોકોના મનમાં ઉપસ્થિત થયાં છે.
હાલ શાહીબાગમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કરવામાં આવેલ રેડ દરમ્યાન કુખ્યાત બુટલેગર દિલીપસિંહના અસારવા ખાતેના મકાનમાં થી ઇંગલિશ દારૂની 1308 બોટલ, એક વાહન તેમજ અન્ય ચીજ વસ્તુઓ સહીત કુલ 2,17,071 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ સમગ્ર મામલે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા 2 લોકોની ધરપકડ કરી હતી. તેમજ આ કેસમાં મુખ્ય આરોપી દિલીપસિંહ કિશોરસિંહ રાઠોડને વોન્ટેડ જાહેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા શાહીબાગના વહીવટદાર વિજયસિંહની શંકાસ્પદ ભૂમિકાને લઈને તેમની સામે ઉચ્ચ અધિકારીઓને રિપોર્ટ કરી આગળની તપાસ હાથ ધરી છે.