અહેવાલ – રીતેશ પરમાર
આણંદ : પેટલાદમાં મહિલા બુટલેગર પાસેથી પ્રોહિબીશનના કેસની પતાવટ માટે રૂ.૪૫ હજારની લાંચ માંગનાર એએસઆઈ અને ત્રણ કોન્સ્ટેબલો મળી કુલ ચાર પોલીસ કર્મચારીઓને નડિયાદ એસીબીએ ઝડપી પાડયા હતા. ચારેય કર્મીઓને નડિયાદની કચેરી ખાતે લઈ જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પેટલાદ પોલીસ સ્ટેશનના એએસઆઈ અને કોન્સ્ટેબલોએ વિદેશી દારૂના કેસની પતાવટ માટે મહિલા બુટલેગર પાસેથી રૂ. ૪૫ હજારની લાંચ માંગી હતી. મહિલા બુટલેગરે આ અંગે નડિયાદ એસીબીનો સંપર્ક કર્યો હતો.
જેથી એસીબીએ પેટલાદ શહેરની સ્ટેશન ચોકીએ છટકું ગોઠવી એએસઆઈ રામભાઈ વેલાભાઈ, કોન્સ્ટેબલ હિતેશભાઈ દિપસંગભાઈ, કોન્સ્ટેબલ હિતેશભાઈ દોલુભાઈ અને કોન્સ્ટેબલ વનરાજસિંહ કેસરીસિંહને ઝડપી પાડયા હતા. ત્યારબાદ ચારેય પોલીસ કર્મીઓને નડિયાદ એસીબીની કચેરી ખાતે લઈ જવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.