અહેવાલ – રીતેશ પરમાર
અમદાવાદ શહેરના પૂર્વમાં આવેલ સરદારનગર પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ પોતાના પતિ સાથે ચાલતા ઝગડા બાબતની ફરિયાદ આપવા પોતાના પુત્ર અને પરિવારના સભ્યો સાથે પોલીસ સ્ટેશન આવ્યા હતા.જે સંદર્ભમાં પોલીસ ફરિયાદ વિભાગ રૂમમાં ફરિયાદી મહિલાના પુત્રએ કોઈનો વિડીયો ઉતાર્યો હતો.જેથી પોલીસે તેમને વિડીયો ઉતારવાની ના પાડી તેમની પાસેથી મોબાઈલ લઈ લીધો હતો. આ મામલે પોલીસ અને ફરિયાદી મહિલા અને તેના પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.તે બાદ બંને પક્ષો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા.
જુઓ વિડીયો
તમને જણાવી દઈએ કે ફરિયાદી મહિલા અને તેમના પતિ સાથે ઘર બાબતની કંકાસને લઈને મહિલા સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવા પહોંચ્યા હતા. ત્યાં વિડીયો ઉતારવા બાબતે પોલીસ અને ફરિયાદી વચ્ચે રકઝક થતાં મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. મહિલાએ સરદારનગર પોલીસ ઉપર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ફરિયાદ વિભાગમાં હાજર પોલીસે મહિલાને ધક્કા માર્યા હતા તો એક પોલીસકર્મીએ મહિલાને લાત મારી હતી. મહિલાના પુત્રને પણ પોલીસે માથાના ભાગે મૂઢ માર માર્યો છે. જેથી મહિલાએ પોલીસ સ્ટેશનની અંદરથી જ 108 એમ્બયુલન્સ તેમજ 181 મહિલા અભયમને ફોન કરી બોલાવી લીધી હતી.
તો બીજીતરફ સરદારનગર પોલીસ તરફથી પણ ફરિયાદી મહિલા અને તેમના પુત્ર સામે પોલીસ ઉપર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.મહિલા અને તેમના પરિવારજનોએ પોલીસ સાથે ઝપાઝપી કરી પોલીસકર્મીનો શર્ટ ફાડી નાખ્યો હોવાનો આક્ષેપ સરદારનગર પોલીસે કર્યો હતો.જો કે, ફરીયાદીના પરિવારજનોની વાત કરીએ તો તેમનું કહેવું છે કે 108 અને 181 મહિલા પોલીસને બોલાવી હોવા છતાં પોલીસ અમારી ફરિયાદ લેતી નથી. અને મહિલા અને તેના પુત્રને માર મારવાથી ઈજા થઈ હોવા છતાં એમને સારવાર લેવા માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં નથી આવી રહ્યા છે. તો બીજીતરફ પોલીસ પણ મહિલા ફરિયાદી અને તેમના પુત્ર તેમજ તેમના પરિવારજનો સામે પોલીસ ઉપર હુમલો કરી કાયદો હાથમાં લેવા બદલની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી હતી.
હાલ આ મામલે વધુ મળતી માહિતી અનુસાર મહિલા તરફ થી વકીલ દ્વારા રજુઆત કરતા મહિલા અને તેના પુત્રને સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા. હવે આ ઘટનામાં બંને પક્ષો તરફથી ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. પરંતુ હવે જોવાનું રહ્યું કે સરદારનગર પોલીસ અને ફરિયાદ કરવા આવેલ પક્ષ વચ્ચે થયેલ મારામારીની ઘટનામાં કેવા પગલા ભરવામાં આવશે.
Good story
Ritesh sir