અહેવાલ – રીતેશ પરમાર
આજના સમયમાં જયારે માણસ પોતાના કામના ભારણના કારણે પોતાના પરિવારને પણ સમય નથી આપી શકતો ત્યારે ખોખરાના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન. કે. રબારી પોતાના ખુબજ જવાબદારી ભર્યા તમામ કાર્યોને બાજુમાં મૂકી અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા પોલીસ સ્ટેશનના ઘરે દોડી ગયા હતા. પોતાના પરિવાર સાથે અમદાવાદના પર્યટક સ્થળ કાંકરિયા લેક ફરવા ગયેલા પોલીસ કોન્સ્ટેબલને ઘરે પરત ફરતા સમયે એક બાઈક ચાલકે જોરદાર ટક્કર મારી હતી. જેમાં પોલીસ કોન્સ્ટેબલ ખુબજ ગંભીર રીતે ઘાયલ થતાં તેમને નજીકના હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં હાજર ડૉક્ટર દ્વારા તપાસ કરતા કોન્સ્ટેબલના પગમાં ફ્રેક્ચર હોવાનું જાણવા મળ્યું હતું.
ઘટના વિશે મળતી વધુ માહિતી અનુસાર ખોખરા પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રાજકુમાર ખાનાભાઈ મહેરિયા પોલીસ ખાતામાં હોઈ પોતાની ફરજમાં વ્યસ્ત હોઈ પોતાના પરિવારને વધુ સમય આપી સકતા ન હતા. કારણકે હાલમાં તહેવાર તેમજ જુદા જુદા બંદોબસ્ત, પોલીસ સ્ટેશનમા કામની ફરજ તેમજ અન્ય પોલીસ કામગીરીના કારણે સમય કાઢી સકતા ન હતા. જે દરમ્યાન એકાદ દિવસ પહેલા એક દિવસની રજા મળતા પોલીસ કોન્સ્ટેબલ પોતાની પત્ની અને બાળકો સાથે કાંકરિયા લેક ગયા હતા. જ્યાં પોતાના બાળકો સાથે થોડો સમય પસાર કરી પાછા પોતાના ઘર તરફ જવા નીકળ્યા હતા.ત્યારે ચાર રસ્તા ક્રોસ કરતી વખતે સામેથી એક બાઈક ચાલકે ખુબજ સ્પીડમાં પોલીસ કોન્સ્ટેબલના બાઈકને જોરદાર ટક્કર મારી દેતા પોલીસ કોન્સ્ટેબલ રાજકુમાર મહેરિયા તેમની પત્ની અને બાળકો નીચે જમીન ઉપર પટકાયા હતા. સદનસીબે બાળકો અને કોન્સ્ટેબલની પત્નીને કોઈ ઈજા થઈ ન હતી. પરંતુ પોલીસ કોન્સ્ટેબલના પગના ભાગે ગંભીર ઈજા થતાં તેમને તાત્કાલિક ઓર્થોપેડિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમના પગમાં ફ્રેક્ચર હોવાનું સામે આવ્યું હતું.
ઘટના વિશે ખોખરાના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન. કે.રબારી સાહેબને જાણ થતાં કોઈપણ વિલંબ કર્યા વગર પોતાના પોલીસ સ્ટાફ સાથે તાત્કાલિક પોલીસ કોન્સ્ટેબલ રાજકુમાર મહેરિયાના ઘરે પહોંચી ગયા હતા. પીઆઈ રબારી સાહેબે પોતાના કોન્સ્ટેબલના પગમાં ફ્રેક્ચર જોઈ ખુબજ ચિંતા વ્યક્ત કરી હતી. અને તેમના પરિવાર તેમની પત્ની અને બાળકોને આશ્વાસન આપતાં કહ્યું હતું કે તમારે ચિંતા કરવાની જરાય જરૂર નથી. જ્યાં સુધી સારવાર ચાલશે ત્યાં સુધી હું અને મારો ખોખરા પોલીસ સ્ટાફ પોલીસ કોન્સ્ટેબલ રાજકુમાર મહેરિયાના સારવારનો ખર્ચ કરીશુ. તેમજ કોઈ અન્ય પ્રકારની જરૂરિયાત હશે તો પણ અમે પોલીસ પરિવારને હર સંભવ મદદ કરીશુ. ખોખરાના પોલીસ ઈન્સ્પેક્ટર રબારી આમ તો પોતાની ફરજ દરમ્યાન ખુબજ કડક સ્વભાવ ધરાવે છે. પરંતુ આ ઘટનામાં પીઆઈ નો માનવીય અભિગમ જોઈ તેમજ ઈજાગ્રસ્ત પોલીસ કોન્સ્ટેબલ પ્રત્યે સહાનુભૂતિ તથા પરિવારને તમામ રીતે મદદરૂપ થવા પોલીસ ઇન્સ્પેક્ટર રબારી સાહેબનો અલગ જ સ્વભાવ જોઈને પોલીસ કોન્સ્ટેબલ રાજકુમાર મહેરિયા અને તેમના પરિવારજનોની આંખમાં આંસુ આવી ગયા હતા. ખોખરાના પોલીસ ઇન્સ્પેક્ટર રબારી સાહેબ તેમજ ખોખરા પોલીસ સ્ટાફ દ્વારા મળેલી હૂંફ જોઈ પોલીસ કોન્સ્ટેબલ અને તેમના પરિવાર દ્વારા પીઆઈ રબારી સાહેબ અને સમગ્ર ખોખરા પોલીસનો આભાર પ્રકટ કર્યો હતો.