અહેવાલ – રીતેશ પરમાર
અમદાવાદમાં અસામાજિક તત્વો જાણે બેફામ બન્યા હોય અને કાયદાનો કોઈ ડર ન હોય તેવા બનાવો સામે આવી રહ્યા છે. તેવામાં જ અમદાવાદના કુખ્યાત બુટલેગરના પુત્રનું અપહરણ કરીને માર મારવામાં આવ્યો છે તો બીજી તરફ હુમલો કરનાર કુખ્યાત આરોપી ધમા બારડનું નામ ફરી એક વખત પોલીસ ચોપડે નોંધાયું છે.
આ કોઈ પહેલી ઘટના નથી કે જેને કારણે સ્થાનિક રહીશોમાં ફફડાટ ફેલાયો હોય. આવા બનાવો તો અમદાવાદ પૂર્વમાં આવતા પોલીસ સ્ટેશનોમાં રોજ બરોજ નોંધાઈ રહ્યા છે. કૃષ્ણનગર, નરોડા, સરદારનગરમાં નિકોલ, મેઘાણીનગરમાં લુખ્ખા તત્વો બેખોફ બન્યા છે. આવા તત્વો વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ વધારવા અને લોકો ઉપર ધાક જમાવવા ખુલ્લેઆમ તલવારબાજી, બેઝબોલના દંડા, પાઇપો, છરી અને અન્ય ધારધાર હથિયારો લઈને ગુંડાગર્દી કરી રહ્યા હોવાના બનાવો સામે આવી રહ્યા છે. ક્યાંક હત્યાં તો ક્યાંક અસામાજિક તત્વોનો આતંક, ગુંડાગર્દી, ખંડણી, વ્યાજખોરોનો દુષણ, ચોરી, લૂંટ વિથ મર્ડર દેશી વિદેશી દારૂના અડ્ડાઓ, માદક પદાર્થોનું ધૂમ વેચાણ અને ખુદ પોલીસ ઉપર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે.પરંતુ પોલીસ ઠોસ કાર્યવાહી નથી કરી રહી હોવાનું આક્ષેપ સ્થાનિક રહીશો કરી રહ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, અમદાવાદ પૂર્વના કૃષ્ણનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી લુખ્ખા તત્વો બેફામ બન્યા છે. જેમાં ધમા બારડ નામના અસામાજિક તત્વનું નામ મોખરે છે. અગાઉ પણ ધમા બારડ ઉપર અમદાવાદના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં, અનેક પ્રકારના ગંભીર ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચુક્યા છે. પરંતુ પોલીસની નિષ્ક્રિયતા, ઢીલી નીતિના કારણે આ અસામાજિક તત્વ બેખોફ બની વિસ્તારમાં આતંક મચાવી રહ્યો છે. તેના લીધે સ્થાનિક લોકોમાં ધમા બારડના નામનો ડર પેદા થયો છે. પરંતુ પોલીસ તંત્ર ક્યારે કોઈ ઠોસ કદમ ઉઠાવશે એ કોઈને ખબર નથી.
બીજીતરફ અમદાવાદના કુખ્યાત બુટલેગર કિશોર લંગડા કે જેમના ઉપર ભૂતકાળમાં પ્રોહીબીશન, મારામારી અને અન્ય ગુનાઓ નોંધાયેલા છે. તેના પુત્ર અજીત ઉર્ફે ડોલર રાઠોડ અને ધમા બારડ ગેંગ વચ્ચે ગાડીનું ડિપર મારવા જેવી બાબત ઉપર ગેંગવોર જેવી ઘટના સામે આવી છે. જેમાં ધમા બારડ અને તેના સાગરીતો કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પુત્રનું કારમાં અપહરણ કરી ઢોર માર માર્યો હોવાનો તેમજ ગાડીમાં પણ તોડફોડ કરી નુકસાન કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. કિશોર લંગડાએ પણ પોતાનું પાવર બતાવવા પોતાની ગેંગ ભેગી કરી ધમાબારડ અને તેમની ગાડીઓના કાંચ અને દરવાજા બારીઓ તોડી ભારે નુકશાન પહોંચાડ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના જોતા એવુ સ્પષ્ટ થાય છે કે, આ મારામારીની ઘટના ડિપર મારવા જેવી સામાન્ય બાબતે નહી પણ પૂર્વ વિસ્તારમાં ધાક જમાવવા અને વર્ચસ્વ માટેની લડાઈ બાબતની હોય તેવું સ્થાનિક સૂત્રોનું માનવું છે.
આ બનાવ બાદ પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠવા પામ્યા છે. તો ઘટના સ્થળે પોલીસ પીસીઆર વાન હાજર હોવા છતાં લુખ્ખા તત્વોએ ધમાલ મચાવી આખા વિસ્તારમાં દહેશત ફેલાવી હતી. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડતા અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જી એસ મલિક સાહેબે તાત્કાલિક અસરે ડીસીપી ઝોન 4 અને એસીપી નો સંપર્ક કરી ઘટનામાં કસૂરવાર તમામ અસામાજિક તત્વોને ઝડપી પાડવા સૂચના આપી હતી.હાલ આ બનાવ સંદર્ભમાં કૃષ્ણનગર અને નરોડા પોલીસે 6 લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.