અહેવાલ રીતેશ પરમાર
બોપલ હત્યાં કાંડ પોલીસને કલંકિત કરતી ઘટના છે. આ ઘટનાના લીધે ગુજરાત પોલીસને શર્મસાર કરી છે તેમાં કોઈ બે મત નથી. વાહન ધીમે ચલાવવા જેવી ટિપ્પણીને લઈ ખુદ રક્ષક ભક્ષક બની જઈ એક નિર્દોષ વિદ્યાર્થીનો જીવ લઈ લીધો હોવાની ઘટનાના સમગ્ર ગુજરાત સહીત દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ કેસમાં પોલીસ સારી રીતે ઇન્વેસ્ટિગેશન કરી રહી છે. જેના લીધે હત્યારા પોલીસકર્મીના એક પછી એક કારનામા ખુલ્લા પડી રહ્યા છે. આ હત્યારા પોલીસકર્મીની માનસિકતા જ ગુંડાગર્દી કરવાની હોવાનું સામે આવી રહ્યું છે.
હત્યારો પોલીસકર્મી વિરેન્દ્રસિંહ પઢેરીયા અગાઉ વહીવટદાર હતો અને કોલ સેન્ટર ચલાવતા ઝડપાયો હતો..
બોપલ હત્યાં કાંડનો આરોપી વિરેન્દ્રસિંહ પઢેરીયાની પોલીસ દ્વારા આખી જન્મકુંડળી કાઢી નાખી છે. જેમાં હત્યારો પોલીસકર્મી વિરેન્દ્રસિંહ પઢેરીયા અગાઉ અમદાવાદ ગ્રામ્યના એક પોલીસ સ્ટેશનના પીઆઈનો માનીતો વહીવટદાર હોવાનો જાણવા મળી રહ્યું છે. તે દરમ્યાન પોતાની સત્તાનો દુરુપયોગ કરી પોલીસકર્મીએ અમદાવાદ ગ્રામ્યની હદમાં કોલ સેન્ટર શરુ કર્યા હતા. જેમાં આ વિરેન્દ્રસિંહ પઢેરીયાને ઝડપી પડાયો હતો. અને ત્યારબાદ પણ આ કરતુતો ચાલુ રાખી તેમણે અન્ય શહેરો પંજાબ અને રાજસ્થાનમાં કોલ સેન્ટર શરુ કરી બે નંબરી ધંધા યથાવત રાખ્યા હતા.
નારોલ પોલીસ સ્ટેશનમાં વહીવટદાર બની કરી ગુનાહિત પ્રવૃત્તિ..
અગાઉ નારોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પણ પોલીસકર્મી વિરેન્દ્રસિંહ વહીવટદાર તરીકે મુકાતા ત્યાં ચાલતા દારૂ, જુગાર અને અન્ય ગેરકાયદેસર પ્રવૃતિઓને ખુલ્લો દોર આપ્યો હતો. અને બુટલેગરો અને બે નંબરી પ્રવૃતિઓ આચરતા ગુનેગારો પાસેથી લાખો રૂપિયા હપ્તા સ્વરૂપે પડાવ્યા હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. જેમાં નારોલ પોલીસે ઇંગ્લિશ દારૂની 300 પેટીનો કેસ કર્યો હતો. જેમાં વિરેન્દ્રસિંહ અને તેમના સાથીદારોએ તપાસના બહાને પંજાબ જઈ બુટલેગર પાસેથી લાખો રૂપિયાનો તોડ કર્યો હતો. આ કેસ બાબતે પંજાબ પોલીસે અમદાવાદ પોલીસને હકીકત જણાવતા સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીએ વહીવટદાર વિરેન્દ્રસિંહ અને નારોલ પીઆઈનો બરાબરનો ઉધડો લીધો હતો.
વહીવટદારો કેમ રાખે છે કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડી? સૂત્રો

જયારે વાત વહીવટદારોની કરવામાં આવે તો હાલ અમદાવાદના વધુ પડતા વહીવટદાર પોલીસકર્મીઓ પોતાની ગાડીમા કાળા કાચ અને નંબર પ્લેટ નથી રાખતા હોવાનું જાણવા મળી રહ્યું છે. જો સૂત્રોની વાત કરીએ તો મોટાભાગના વહીવટદારો પોતાની માલિકીની ગાડી નથી રાખતા. કેમ કે બે નંબરી કામકાજ માટે વહીવટદારો આખા દિવસમાં એક વખત સ્થાનિક વિસ્તારમાં આંટો ફેરો મારતા હોય છે. તેઓ કાળા કલરના કાચ અને નંબર પ્લેટ વગરની ગાડીમાં એટલા માટે ફરતા હોય છે કે, હાલ તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવેલા હોય છે. જેથી કોઈ કેમેરા માં તેમનો ચિત્ર કેદ ના થઈ જાય. કારણ કે વધુ પડતા વહીવટદારો તો અન્ય પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા હોય છે. પરંતુ પોતાના પોલીસ અધિકારીઓની હાજી હજૂરી કરી યેન કેન પ્રકારે પોલીસ સ્ટેશનમાં વહીવટદાર બની જતા હોય છે.જેથી પોતાની ઓળખ છુપાવવા પોતે કાળા કલરના કાચ અને નંબર પ્લેટ વગરની ગાડીઓમાં ફરતા હોય છે.
પોલીસતંત્ર જાગૃત બની લે કડક પગલા તો આવી ઘટનાનું પુનરાવર્તન નહી થાય? સૂત્રો..
બીજીતરફ બોપલમાં એક નિર્દોષ વિદ્યાર્થીની હત્યાંમાં પોલીસકર્મીની ધરપકડ કરી તેની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જેમાં એક ચોકાવનારો ખુલાસો થયો છે. હત્યારો પોલીસકર્મી પોતાની ગાડીમાં ચાકુ, છરી, બેઝબોલનો દંડો અને હોકી સ્ટિક રાખતો હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. જેથી કહી શકાય કે આ પોલીસકર્મી ગુંડાગર્દી કરવાની ટેવ ધરાવતો હતો. આ હત્યારા પોલીસકર્મીની કારમાં પણ બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ હતી નહી. આ ઘટના થી એવુ પ્રતીક થાય છે કે અમુક પોલીસકર્મીઓ જયારે વહીવટદાર બની ગુનેગારો અને બુટલેગરોના સંપર્કમા આવતા હોય છે ત્યારે તેમની માનસિક વૃત્તિમાં પણ ગુનાહિત પ્રવૃતિઓ ઘર કરી જતી હશે. જેથી જ આવા બનાવો સામે આવી રહ્યા છે. પોલીસ પ્રજાની રક્ષક છે નહી કે ભક્ષક, તો પછી આ પોલીસકર્મીને પોતાની ગાડીમાં છરી, હોકી અને બેઝબોલનો દંડો રાખવાની શુ જરૂર પડી હશે. આ ખુબજ ગંભીર પ્રશ્ન છે. પરંતુ આ ઘટનાથી પોલીસ તંત્ર જાગૃત બની આવી કોઈ બીજી ઘટના ફરી ના બને તેના માટે કોઈ જરૂરી પગલા ભરે તેવું લોકોનું માનવું છે. અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાં વહીવટદારો કાળા કલરના કાચ અને નંબર પ્લેટ વગરની ગાડીઓમાં ફરતા હોય છે, ક્યાંક કોઈ વહીવટદાર પોલીસકર્મી પોતાની ગાડીમાં કોઈ વાંધાજનક ચીજ વસ્તુઓ તો નથી રાખી રહ્યા ને જેની પોલીસ યોગ્ય તપાસ હાથ ધરે તો આવી ઘટનાઓનું પુનરાવર્તન રોકી શકાય તેવું સૂત્રો જણાવી રહ્યા છે.