


સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા ખાતે 12 વર્ષના માસુમ બાળકનું અપહરણ કરી 15 લાખની ખંડણી માંગ્યા બાદ તેની નિર્મમ રીતે હત્યાં કરી દેવામાં આવતા સમગ્ર ગુજરાતમાં ચારેકોર આ ઘટનાની નિંદા કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે કડોદરા સ્થાનિક પોલીસની બેદરકારી સામે પણ ઘણા સવાલ ઉઠી રહ્યા હતા. આ મામલે સુરતના રેન્જ આઈજી શ્રી વી ચંદ્રશેખર સાહેબ દ્વારા આ ઘટના સંદર્ભે જિલ્લા એસપી હિતેશ જોયસરને કડક થી કડક અને ઊંડી તપાસ કરી તમામ આરોપીઓને ઝડપી પાડવા તાકીદ કરી હતી. તેમજ આ ઘટનામાં પરિવારજનો અને સુરતવાસીઓ દ્વારા કડોદરા પોલીસ સામે પણ અતિ ગંભીર બેદરકારીના આક્ષેપો કરવામાં આવી રહ્યા હતા. જેથી સુરત રેન્જ આઈજી વી ચંદ્રશેખર સાહેબે તે દિશામાં પણ ગુપ્ત રીતે તપાસ હાથ ધરી હતી. જેથી આઈજીના આદેશ અનુસંધાનમાં સુરત જિલ્લા એસપી શ્રી હિતેશ જોયસર દ્વારા તપાસ હાથ ધરાતા કડોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ રાકેશ પટેલની બેદરકારી સામે આવતા તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

ઘટના વિશે વધુ મળતી માહિતી પ્રમાણે સુરત જિલ્લાના કડોદરા ખાતેના સત્યમ નગર ખાતે રહેતા એક 12 વર્ષના માસુમ બાળક શિવમનું અપહરણ કરી અપહરણ કરતાઓએ 15 લાખની ખંડણીની માંગ કરી હતી. પણ ત્યારબાદ અપહરણકારોને જાણ થઈ ગઈ હતી કે બાળક શિવમના પિતા દ્વારા સમગ્ર બાબતે પોલીસને જાણ કરી દીધી છે. જેથી તેમણે બાળક શિવમની હત્યાં કરી નાખી હતી. અને હત્યા કર્યા બાદ બાળકની લાશને ઝાડીઓમાં ફેંકી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ મામલે બાળકના પિતાએ કડોદરા પોલીસને બાળકના અપહરણની જાણ કરી દીધી હતી. તેમ છતા કડોદરા પોલીસ દ્વારા સમય ઉપર કાર્યવાહી ના કરતા માસુમ બાળકને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. જેથી આજરોજ સુરત રેન્જ આઈજી વી ચંદ્રશેખર સાહેબની સૂચનાથી સુરત જિલ્લા એસપી હિતેશ જોયસર દ્વારા કરવામાં આવેલ તપાસમાં કડોદરાના PI રાકેશ પટેલની બેદરકારી સામે આવતા તેમને તાત્કાલિક અસરે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.