સુરત જિલ્લામાં બે હજારથી વધુ દારૂના અડ્ડાઓ! માદક પદાર્થોનું ખુલ્લેઆમ સેવન અને વેચાણ, હત્યાં, દુષ્કર્મ, લૂંટફાટ થી જનતા પરેશાન, સારા પોલીસ અધિકારીઓની સુરત જિલ્લાને જરૂર, હર્ષ સંઘવી સાહેબ કસૂરવારો સામે કાયદાકીય પગલા ભરો : દર્શન નાયક નેતા કોંગ્રેસ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી તેમજ દક્ષિણ ગુજરાતના સહકારી ખેડૂત આગેવાન શ્રી દર્શન નાયકે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબને પત્ર લખ્યો છે. આ પત્રમાં દર્શન નાયકે સુરત જિલ્લાની વર્તમાન પરિસ્થિતિને ખુબજ ગંભીર ગણાવી છે. કારણકે છેલ્લા ઘણા સમયથી સુરત ગ્રામ્ય વિસ્તારોમાં દેશી વિદેશી દારૂની બે રોકટોક હેરાફેરી, ખુલ્લેઆમ વેચાણ તેમજ માદક પદાર્થોનું વધતું વ્યસન, વેચાણ અને તેના કારણે વધતી ગુનાખોરીના કારણે નિર્દોષ ગરીબ અને મધ્યમ વર્ગીય નાગરીકોનું જીવન બરબાદી તરફ ધકેલાઈ રહ્યું છે. એટલુંજ નહી પરંતુ રોજ-બરોજ બનતી દુષ્કર્મ, હત્યાં,લૂંટ, ચોરી અને અન્ય પ્રકારની બનતી ઘટનાઓ ચાડી ખાઈ રહી છે કે, ગુનાખોરો અને બુટલેગરોને કાયદા કે પોલીસતંત્રનો કોઈ ડર રહ્યોજ નથી. ગુનેગારોના માથે કોઈ રાજકીય માણસો તેમજ અમુક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓનો હાથ હોઈ શકે તેમ કોંગ્રેસના લડાયક નેતા દર્શન નાયકને આશંકા છે. સુરત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરે તેમજ રાજ્ય સરકારના દારૂબંધીના જે દાવા છે તે પણ જળવાઈ રહે તેને ધ્યાનમાં રાખી દર્શન નાયક દ્વારા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ તેમજ ગુજરાત પોલીસના DGP શ્રી વિકાસ સહાયને પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં તેમણે ખુબજ ગંભીર આક્ષેપો કરી કસૂરવારો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે.
વાંચો સમગ્ર અહેવાલ અને પત્રમાં કઈ કઈ ગંભીર બાબતોને લઈ રજુઆત કરાઈ..
સુરત જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વધી રહેલ ગંભીર ગુનાઓ જેવા કે દારૂ ઉત્પાદન અને વેચાણ, બળાત્કાર, હત્યા તેમજ અન્ય નશાયુક્ત પદાર્થોનું વેચાણ જેવા ગંભીર ગુનાઓ પ્રત્યે બેદરકારી દાખવતાં અધિકારીઓ તેમજ જવાબદાર ગુનેગારો અને બુટલેગરો સામે તાત્કાલિક અસરથી કડક પગલાં લઈ જાહેરહિતમાં તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા બાબત..
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ખેડૂતોના સહકારી આગેવાન નેતા શ્રી દર્શન નાયકે જણાવ્યું હતું કે, સ્થાનિક રહીશો પાસેથી મળેલ માહિતી મુજબ સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં આવેલા માખીંગા ગામ ખાતે એક અનુસૂચિત જાતિની રાઠોડ પરિવારની નવ વર્ષીય બાળકીને ઘર પાસેથી નજીકમાં કામ કરતો આરોપી કે જે મધ્ય પ્રદેશનો વતની છે તેના દ્વારા ઉપાડી જઈને ૨૦૦ મીટર દૂર ખેતરમાં તેની સાથે પાશવી બળાત્કાર કરી છોકરીને તરછોડી ફરાર થઈ જવાની ચોકાવનારી ઘટના બનેલ છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના પોલીસ તંત્ર દ્વારા બળાત્કાર કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવેલ હતી. તેમજ સુરત જિલ્લામાં બાર વર્ષના ટ્યુશનથી ઘરે જતાં એક બાળકને ખંડણી માટે અપહરણ કરીને તેની નિર્મમ હત્યા કરી દેવામાં આવેલ હતી. આવી ઘટનાઓ બનતા સુરત જિલ્લા અને સભ્ય સમાજ માટે ખૂબ જ દુ:ખદ છે. આમ, આવી ઘટનાઓ બનવી ન જોઈએ.
આ ઘટનાના ૨૪ કલાકની અંદર જ બીજી એક ઘટના પલસાણા તાલુકાના માખીગા ગામે એક ખેત મજૂર રાઠોડ પરિવારની નવ વર્ષની બાળકી પોતાના ઘર પાસે સૂતી હતી ત્યારે નજીકમાં કન્સ્ટ્રક્શન સાઈડ નું કામ ચાલતું હતું ત્યાં રહેતા મજૂરે બાળકી પર દાનત બગાડી હતી અને તેને મોડી રાતે ઉપાડી જઈને નજીકના ઘરથી ૨૦૦ મીટરના અંતરે તેને લઈ જઈ ખેતરમાં બળાત્કાર ગુજારેલ હતો. અને ત્યારબાદ ફરાર થઈ ગયેલ હતો. ત્યારબાદ છોકરી ઘરે આ બાબતની જાણ માતા-પિતાને કરતા જ તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. અને હોસ્પિટલમાં લઈ જતા ડોક્ટર દ્વારા આ બનાવ સંદર્ભે પલસાણા પોલીસને જાણ કરેલ હતી જેના આધારે પલસાણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવેલ હતો. આવી ઘટનાઓ બનવા પાછળ જો કોઇ મુખ્ય પરિબળ હોય તો તે નશાનું દૂષણ છે .
સુરત જિલ્લામાં આશરે દેશી અને વિદેશી દારૂના બે હજાર થી વધુ અડ્ડાઓ ગેરકાયદેસર રીતે ચાલે છે. અને આ અડ્ડાઓ છેલ્લા ઘણા વર્ષોથી વારંવાર પોલીસ દ્વાર ધરપકડ કરવામાં આવતા બુટલેગરો દ્વારા જ ચલાવવામાં આવી રહ્યા છે. જેના પરથી પ્રાથમિક દ્રષ્ટિએ એવું સાબિત થાય છે કે આ બુટલેગરોને પોલીસતંત્રના અધિકારીઓ દ્વારા જ મૂક સમર્થન મળી રહેલ છે. અને કોઈપણ પ્રકારની રોકટોક ના હોય તેવું પ્રતીત થાય છે. હાલમાં, સુરત જિલ્લામાં બુટલેગરો ખૂબ જ બેફામ બન્યા છે અને ગુનો કરતા તેમને કાયદો અને વ્યવસ્થાનો ડર રહ્યો નથી. તેમજ પોલીસ તંત્રના અધિકારીઓ દ્વારા આડકતરી રીતે આવા બુટલેગરોને મૂક સમર્થન આપવામાં આવી રહેલ છે. અમારા દ્વારા ગૃહ વિભાગમાં વારંવાર લેખીત રજૂઆતો કરવામાં આવી રહેલ છે તેમ છતાં રાજકીય દબાણમાં આજદિન સુધી જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવી રહ્યા નથી. જેને કારણે આવા બુટલેગરો અને વહીવટદારોનું મનોબળ ખૂબ જ મજબૂત બની રહેલ છે. સુરત જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં અને શહેરી વિસ્તારોમાં જ્યારે પોલીસ દ્વારા રેડ પાડવામાં આવે છે ત્યારે હંમેશા દેશી તથા વિદેશી દારૂ પકડાય છે. ગુજરાત સરકાર દ્વારા દારૂ ઉત્પાદન અને વેચાણ રોકવા માટે સમયે સમયે પરિપત્રો બહાર પાડવામાં આવેલ છે. તેમ છતાં સરકારનાં પરિપત્રોનું ઉલ્લંઘન કરી અધિકારીઓ ને બચાવવામાં આવી રહેલ છે. અને આવા ગંભીર ગુનાઓ કરતાં ગુનેગારોનું મનોબળ મજબુત દિન પ્રતિદિન વધી રહેલ છે.
સારા અધિકારીઓની રાજકીય દબાણમાં બદલી કરી દેવામાં આવે છે : દર્શન નાયક
સુરતનાં જિલ્લામાં દેશી કે વિદેશી દારૂ, જુગાર, બાયો-ડીઝલ, ચોરી, લૂંટ, સરકારી સંપતિની ચોરીઓ દિન પ્રતિદિન વધી રહેલ છે. અને આવા ગુનાઓ સામે જે અધિકારીઓ સારી અને કાયદાકીય કામગીરી કરે છે એવા અધિકારીઓની રાજકીય દબાણ અને ગુનેગારોને રાજકીય પીઠબળને કારણે બદલી કરી દેવામાં આવે છે. અને ગુનેગારોને આડકતરી રીતે પ્રોત્સાહન આપવામાં આવે છે અને મૂક સમર્થન આપવામાં આવી રહેલ છે. જેનો ભોગ સુરત જિલ્લાની સામાન્ય જનતા બની રહેલ છે તેમજ વૃદ્ધો અને નિર્દોષ બાળકો આવા ગુનાઓનો ભોગ બની રહેલ છે. જે રીતે સુરત જિલ્લામાં ક્રાઇમ રેટ વધી રહેલ છે અને અધિકારીઓ ગુનેગારોની સામે લાચાર બની ગયેલ છે. આવા ગુનેગારો સામે કડકમાં કડક પગલાં લઈ શકે એવા નિષ્પક્ષ અધિકારીઓની નિમણૂક કરવી ખૂબ જ જરૂરી છે જેથી લોકોમાં કાયદા અને વ્યવસ્થા પ્રત્યે વિશ્વાસ જળવાઈ રહે.
બહાર રાજ્યોમાંથી સુરતમાં મજૂરી કરવા આવતા શ્રમીકોનું વેરિફિકેશન ખુબજ જરૂરી.. દર્શન નાયક
સુરત જિલ્લામાં ચાલતી કંપનીઓ, ફેક્ટરીઓ અને મિલોમાં કામ કરતાં વધુ પડતાં મજૂર વર્ગના લોકો અન્ય રાજ્યોમાંથી આવે છે અને અહી ફેક્ટરી અને મિલોમાં કામ કરવા માટે તેઓ ભાડૂઆત તરીકે રહે છે. જેથી નિયમો અનુસાર પોલીસ તંત્ર દ્વારા આવા વ્યક્તિઓનું સ્થાનિક પોલીસ દ્વારા વેરિફિકેશન મોટેભાગે કરવામાં આવતું નથી. જેને કારણે ગંભીર ગુનાઓ કરી આવા ઇસમો રાજ્ય છોડીને જતાં રહે છે. જેને કારણે આવા ગુનેગાર ઇસમોને પકડી પાડવું પણ પોલીસ માટે મુશ્કેલ બને છે. તેમ છતાં પોલીસ તંત્ર દ્વારા જિલ્લામાં અન્ય રાજ્યોમાંથી આવતા ઇસમો કે જે ભાડૂઆત તરીકે રહી ફેક્ટરી અને મિલોમાં કામ કરે છે તેઓ અંગે પોલીસ વેરિફિકેશન કરવામાં ગંભીરતા દાખવવામાં આવતી નથી. જેની ઉપર પણ પોલીસ તંત્રએ ધ્યાન આપવાની તાતી જરૂર છે. જેથી સુરત જિલ્લામાં થતાં ગંભીર ગુનાઓ ઉપર અંકુશ લાવી શકાય.
આમ, સ્થાનિક રહીશો પાસેથી વારંવાર મળતી માહિતી, ફરિયાદો અને રજૂઆતોને આધારે અમોએ અગાઉ પણ ઘણી લેખીત ફરિયાદો કરેલ છે. પરંતુ, આજદિન સુધી જવાબદાર અધિકારીઓ અને બુટલેગરો સામે કોઈ યોગ્ય પગલાં ઉચ્ચ કક્ષાએથી પણ લેવામાં આવેલ નથી એવું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ આવે છે. અમારા ઉપર મુજબના મુદ્દાઓને ધ્યાને લઈ બેફામ બની ગયેલા બુટલેગરો અને ગુનેગારો સામે તેમજ તેમને આડકતરી રીતે સમર્થન આપી રહેલ પોલીસ તંત્રના જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી યોગ્ય પગલાં લેવામાં આવે જેથી સુરત જિલ્લામાં વધી રહેલ ક્રાઇમ રેટ ઉપર અંકુશ લાવી શકાય અને સુરત જિલ્લામાં એવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવે કે જે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સક્ષમ હોય. જેથી જાહેર જનતામાં પોલીસ તંત્ર અંગે લોકોમાં વિશ્વાસ બની રહે.
Post Comment