


સતારા મહારાષ્ટ્ર
સપ્ટેમ્બર 11, 2023
સોશિયલ મીડિયા પર “વાંધાજનક” પોસ્ટને પગલે મહારાષ્ટ્રના સતારા જિલ્લાના એક ગામમાં બે સમુદાયના સભ્યો વચ્ચે અથડામણ થતાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. બે સમુદાયોની અથડામણે ગંભીર સ્વરૂપ લેતા પોલીસતંત્રને ઈન્ટરનેટ સુવિધા બંધ કરવાની ફરજ પડી હતી.
રવિવારે રાત્રે ખટાઓ તહસીલના પુસેસાવલી ગામમાં બનેલી આ ઘટનાને પગલે બે સમુદાયો વચ્ચે તણાવ સર્જાયો હતો, જેના પગલે પોલીસ વહીવટીતંત્રે સાવચેતીના પગલા તરીકે જિલ્લામાં ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દીધી હતી, એમ તેઓએ જણાવ્યું હતું.
જિલ્લા વહીવટી તંત્રના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર આ ઘટનામાં કેટલાક મકાનોને પણ નુકસાન થયું હતું.
પોલીસે જણાવ્યું કે તેઓએ કેટલાક લોકોની અટકાયત કરી છે.
સતારાના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને હાલમાં તેની સારવાર ચાલી રહી છે.
અધિકારીએ જણાવ્યું હતું કે, “એક સમુદાયના કેટલાક યુવાનો દ્વારા વાંધાજનક પોસ્ટથી બે સમુદાયો વચ્ચે તણાવ ઉભો થયો હતો, જેના કારણે સાંપ્રદાયિક અથડામણો અને કાયદો અને વ્યવસ્થામાં ખલેલ પડી હતી.
પોલીસને ઘટનાની જાણ થતા તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી. અને પરિસ્થિતિ હાલ તેમના નિયંત્રણમાં છે તેવું સ્થાનિક પોલીસ જણાવી રહી છે. ઘટના વિશે એક અધિકારી સાથે વાત કરતા
તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે સાવચેતીના પગલા તરીકે અમે જિલ્લામાં ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દીધી છે અને અમે લોકોને વિનંતી કરીએ છીએ કે તેઓ કોઈપણ અફવાઓનો શિકાર ન બને.”
આ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે, એમ પોલીસે જણાવ્યું હતું.