
ઇસનપુર વિસ્તારમાં ગુમ થયેલી બાળકીઓ અને મહિલાઓ સહિત 13 જેટલી વ્યક્તિઓને માત્ર એક માસમાં પોલીસે શોધી પ્રશંસનીય કામગીરી કરી છે. અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક અને ઝોન 6 ના ડીસીપી રવિ મોહન સૈનીએ આ અંગે ખાસ સૂચનાઓ આપી હતી. જેને લઇ ઇસનપુર પોલીસે એક ઉમદા કામગીરી કરીને એક જ માસમાં ગુમ થયેલી બાળકી અને મહિલા સહિત 13 વ્યક્તિઓને શોધી કાઢ્યા છે.
વિગતો એવી છે કે ઈસનપુર વિસ્તારમાંથી જુદી જુદી જગ્યાઓ ખાતેથી છેલ્લા 10 માસ જેટલા સમયમાં બાળાઓ/મહિલાઓ/પુરુષો ગુમ થવાની ઘટનાઓ બની હતી. જે પૈકી અમુક ઘટનાઓમાં ગુમ થનાર ઘર છોડી જતા રહ્યા હતા, જ્યારે અમુક પ્રેમ સંબંધ હોવાથી કોઈની સાથે જતા રહેતા, ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે 08 જેટલા કિસ્સાઓમાં ગુમ જાણવા જોગ દાખલ થયેલ હતી જ્યારે 04 જેટલા કિસ્સાઓમાં અપહરણની ફરિયાદો નોંધવામાં આવેલ હતી.
અમદાવાદ શહેરના નાયબ પોલીસ કમિશ્નર રવિ મોહન સૈની તથા જે ડિવિઝનના એસીપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક ઈસનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ બી.એસ.જાડેજા ઇસનપુર વિસ્તારમાંથી ગુમ બાળકીઓ અને મહિલાઓને શોધી કાઢવા સૂચના આપી હતી.
સુચનાના આધારે પોલીસ ટીમ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલી બાળાઓ/મહિલાઓને શોધવાની કામગીરીમાં જહેમત ઉઠાવી, માત્ર એક જ માસ (માર્ચ મહિનામાં) કુલ 13 બાળાઓ અને મહિલાઓ તેમજ એક પુરુષને શોધી કાઢી, તેમના પરિવારજનો સાથે મુલાકાત કરાવી હતી.