
સુરત શહેરમાં જીવ લેવાની ઘટનાઓ અને ધારદાર વસ્તુ વડે પ્રહાર કરવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. સતત આવી ઘટનાઓ વધતા હવે એવું લાગી રહ્યું છે કે લુખ્ખા તત્વોને પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર રહ્યો નથી. ત્યારે સુરતના વેડરોડ વિસ્તારમાં બનેલી એક ચોકાવનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે.
જેમાં 3 લુખ્ખા તત્વો આવીને સોસાયટીમાં ઉભેલા એક વ્યક્તિ ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કરીને વ્યક્તિનો જીવ લેવાનો પ્રયાસ કરે છે.
આ ઘટના સુરતના વેડરોડ વિસ્તારમાં આવેલી સોસાયટી વિજયનગર-2 ખાતે બની હતી. સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
ઘટનાના સીસીટીવી ફૂટેજ માં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ બાઈક પાસે ઉભેલા જોવા મળી રહ્યા છે. ત્યારે એક અજાણ્યો યુવક ત્યાં પોતાના હાથમાં ધારદાર વસ્તુ લઈને પહોંચે છે અને અચાનક જ પાછળથી બાઈક પાસે ઉભેલા વ્યક્તિના પગના અને શરીરના ભાગે ધારદાર વસ્તુ વડે પ્રહાર કરે છે.
આ અજાણ્યા યુવકની સાથે અન્ય બે યુવકો પણ હોય છે. ત્યારબાદ તમામ ઘટના સ્થળેથી ફરાર થઈ જાય છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને ચોક બજાર પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.અને સીસીટીવી ફૂટેજ ના આધારે આરોપીઓ ની શોધખોળ શરૂ કરી દીધી છે.
સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, સુરત વેડરોડ વિસ્તારમાં આવેલ વિજયનગર-2 સોસાયટીમાં પિયુષભાઈ ડાભી નામના વ્યક્તિ પોતાના ઘરની નીચે ઉભા હતા. ત્યારે 3 અજાણ્યા યુવકો ત્યાં પોતાના હાથમાં ધારદાર વસ્તુ લઈને પહોંચે છે.
જેમાંથી એક યુવક ધારદાર વસ્તુ વડે પિયુષભાઈ પર પ્રહાર કરે છે અને ઘટના સ્થળેથી રફુચક્કર થઈ જાય છે. આ ઘટનામાં પિયુષભાઈના પગના ભાગે ગંભીર ઇજા પહોંચી છે. સમગ્ર ઘટના બન્યા બાદ તેમને સારવાર માટે પ્રાણનાથ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
હાલમાં સમગ્ર ઘટનાને લઈને ચોક બજાર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પિયુષભાઈ પર કયા કારણોસર પ્રહાર કરવામાં આવ્યા તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા વ્યક્તિઓની શોધખોળ શરૂ કરી દીધી છે.