


રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે યુક્રેને એક મોટી ભૂલ કરી, જેનો તેને હવે પસ્તાવો થઈ રહ્યો છે. યુક્રેને હિંદુ ધર્મની પૂજનીય માતા કાલીનો વાંધાજનક ફોટો શેર કર્યો હતો, જેના પર ભારતીય યુઝર્સ ભડક્યા હતા. આના કારણે યુક્રેનને પોતાની ભૂલનો અહેસાસ થયો, ત્યારપછી યુક્રેને પોતાની ભૂલ સ્વીકારી લીધી અને મા કાલીનો વાંધાજનક ફોટો હટાવી દીધો છે.યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી મા કાલીનો વાંધાજનક ફોટો ટ્વીટ કર્યો હતો. આના પર ભારતીય યુઝર્સે જોરદાર નિશાન સાધ્યું હતું. ભારતીયોએ યુક્રેનના આ કૃત્ય માટે દેશના વિદેશ મંત્રી એસ. જયશંકર પાસે કાર્યવાહીની માંગ પણ કરી હતી. યુઝર્સે યૂક્રેનના આ હેન્ડલ વિરુદ્ધ ટ્વિટરના માલિક ઈલોન મસ્ક પાસેથી કાર્યવાહીની માંગ કરવાનું શરૂ કર્યું. ટ્વિટર પર આ મામલો ગરમાયો હતો. આ પછી, યુક્રેનના સંરક્ષણ મંત્રાલયને તેની ભૂલનો અહેસાસ થયો. યુક્રેને મા કાલીનો વાંધાજનક ફોટો તાત્કાલિક અસરથી ડિલીટ કર્યો.
30 એપ્રિલના રોજ, યુક્રેનના સંરક્ષણ મંત્રાલયના સત્તાવાર ટ્વિટર હેન્ડલ @DefenceU દ્વારા મા કાલીનો એક ફોટો શેર કરવામાં આવ્યો હતો, જેમાં મા કાલી અભદ્ર સ્વરૂપમાં બતાવવામાં આવ્યા હતા. જો કે, આ ટ્વીટનો હેતુ શું હતો તે સમજની બહાર છે. કારણ કે મા કાલીનો ફોટો રશિયા સાથે કોઈ લેવાદેવા નથી. આવી સ્થિતિમાં યુક્રેને આ ઘૃણાસ્પદ કૃત્ય કેમ કર્યું, તેની પાછળ યુઝર્સ પોતપોતાની દલીલો આપી રહ્યા છે.
કેટલાક યુઝર્સનું માનવું છે કે યુક્રેન ભારતથી નારાજ છે કારણ કે ભારતે રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધમાં હજુ સુધી તેની મદદ કરી નથી. કેટલાક યુઝર્સનું માનવું છે કે ભારત અને રશિયાના સારા સંબંધો યુક્રેનને નુકસાન પહોંચાડી રહ્યા છે. આવી સ્થિતિમાં તેણે ગુસ્સામાં આ ભૂલ કરી હતી.