


ગાંધીનગર: ગુજરાત પોલીસ અકાદમી કરાઇ ખાતે અલગ-અલગ સંવર્ગના પોલીસ અધિકારીઓની તાલીમ ચાલુ છે. આ તાલીમ લઇ રહેલ તાલીમાર્થીઓની રહેવાની બેરેકોમાં રૂટીંગ પ્રક્રિયાના ભાગરૂપે સમયાંતરે કરાઇ પોલીસ અધિકારી દ્વારા સ્વચ્છતા અને શિસ્ત રાખવા બાબતે ચેકીંગ કરવામાં આવે છે. આજરોજ ચેકીંગ દરમિયાન બેરેકની એક રૂમમાંથી વિદેશી દારૂની એક બોટલ મળી આવી હતી. કોઇ તાલીમ લઇ રહેલ તાલીમાર્થીની હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે પોલીસ અકાદમી કરાઇના ઉપરી અધિકારીને જાણ કરવામાં આવી હતી. હાલમાં તાલીમ વિભાગનો વધારાનો ચાર્જ પણ પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય પાસે હોવાથી આ સમગ્ર મામલાની જાણ DGPને કરવામાં આવી હતી. DGP વિકાસ સહાયે તાત્કાલિક સંબંધિત કરાઇ ખાતેના તાલીમી PI વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપી હતી.

પોલીસ અકાદમી કરાઇ જેવા તાલીમ કેન્દ્રમાંથી ખુદ પોલીસ અધિકારી પાસેથી દારૂ પકડાય તે બાબતને DGPએ ખુબ જ ગંભીરતાથી લઇ તાત્કાલિક ફરીયાદ દાખલ કરવા સુચના આપતાં ડભોડા પોલીસ સ્ટેશન દ્વારા સંબંધિત તાલીમાર્થી પી.આઇ વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ફરીયાદ દાખલ કરી ધરપકડ સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.