


પોલીસ પ્રજાની મિત્ર છે શત્રુ નહી તે કહેવતને સાર્થક કરવામાં સુરત ગ્રામ્યના મહુવા પોલીસ સ્ટેશનના નીડર અને ઝૂઝારું પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે. એ. બારોટ ફરજના ભાગ રૂપે સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસર સાહેબશ્રી ની સૂચના અને માર્ગદર્શનથી કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાની સાથે સાથે 100 ગુનેગાર ભલે છૂટી જતા હોય પરંતુ કોઈ નિર્દોષ વ્યક્તિ ખોટી રીતે ફસાઈ ના જાય તેવા ઉદેશ્ય સાથે દરેક ફરિયાદીને ચકાસી ગુનેગારને ગુના અને કાયદાની કલમો અંતર્ગત ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં પોલીસ ઇન્સ્પેક્ટર જે. એ. બારોટ જાણીતા છે. ત્યારે ગુનેગારો માટે કડક અધિકારી તરીકે પ્રતિષ્ઠ પ્રામાણિક વ્યક્તિઓ માટે પ્રજાના રક્ષક તરીકેની ઓળખ આપી રહ્યા છે. ત્યારે તાજેતરમાં જ મહુવા પોલીસ દ્વારા એક 70 વર્ષીય અસ્થિર મગજના વૃદ્ધ મહિલાનું તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવી ખુબજ પ્રસંશનીય કામગીરી કરી હતી.
તમને જણાવી દઈએ કે, સુરત ગ્રામ્યના મહુવા પોલીસ દ્વારા માનવીય અભિગમ અપનાવી એક અસ્થિર મગજની 70 વર્ષીય વૃદ્ધ મહિલાને શોધી કાઢી હતી કે જે, છેલ્લા ત્રણ દિવસ થી સુરતના લીંબાયત ખાતેથી કોઈના કહ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા. મહુવા પોલીસની SHE ટીમ તેમજ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમ્યાન રાત્રીના સાડા અગિયાર વાગ્યાની આસપાસ મહુવરિયા ગામના ખાડી ફળિયામાં એક વૃદ્ધ મહિલા દેખાઈ આવી હતી. જેથી મહિલા પાસે જઈ પોલીસે તેમના નામ અને તેની ઓળખની તપાસ કરવાની કોશિશ કરી હતી. પરંતુ વૃદ્ધ મહિલાના હાવભાવ થી તેઓ અસ્થિર મગજના હોવાનું સામે આવ્યું હતું.
ત્યારબાદ 70 વર્ષીય વૃદ્ધ મહિલા સાથે પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરતા મહિલા ભોજપુરી દેહાતી ભાષા બોલતી હોય મહુવા પોલીસ તેઓને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પોલીસ સ્ટેશન ખાતે મહુવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે. એ. બારોટ દ્વારા માનવીય અભિગમ અપનાવી ભૂખ્યા અને તરસ્યા મહિલાને સૌ પ્રથમ ભોજન કરાવ્યું હતું. ત્યારબાદ મહિલા સાથે વાત કરતા અસ્થિર મગજના હોવાના કારણે તેઓ પોતાનું નામ જણાવી શક્યા ન હતા કે પોતાના કોઈ સગા સબંધીનું નામ ઠેકાણું આપી સકવામાં અસમર્થ દેખાયા હતા. પરંતુ મહિલાની ભાષા ભોજપુરી હોવાના લીધે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે. એ. બારોટે તે દિશામાં તપાસ હાથ ધરી હતી. મહુવા વિસ્તારમાં ચાલતી જુદી જુદી સાઈટો ઉપર કામ કરતા મજૂરો અને વર્કરો પાસે જઈ મહુવા પોલીસે ભોજપુરી ભાષા જાણતા વ્યક્તિની તપાસ કરતા એક વ્યક્તિ ભોજપુરી ભાષા જાણતો હોવાનું માલુમ પડતા તે વ્યક્તિને પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ મહિલા સાથે ભોજપુરી ભાષામાં વાત કરાવી હતી. વૃદ્વ મહિલા સાથે ભોજપુરી ભાષા જાણતા વ્યક્તિએ જયારે તેમની જ ભાષામાં વાત કરી ત્યારે જાણવા મળ્યું કે આ મહિલા બિહારના ભોજપુર જિલ્લાના હસનબજાર પોસ્ટના સરથુઆ ગામની હોવાનું જાણવા મળ્યું હતું.

જેથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે. એ. બારોટે તાત્કાલિક ભોજપુર જિલ્લા કંટ્રોલરૂમમાં ફોન કરી ત્યાંના પીએસઆઇનો નંબર મેળવી સઘળી હકીકત થી વાકેફ કર્યા હતા. અને ત્યારબાદ ભોજપુર ખાતેના પીએસસાઈ એ ગામના સરપંચને વૃદ્ધ મહિલાના ફોટા અને વિડીયો બતાવતા આખરે જાણવા મળ્યું કે આ વૃદ્ધ મહિલાનું નામ નૂરજહાં બહેન ઈલિયાસભાઈ અંસારી છે. અને તે પોતાના પુત્ર અસગર ઈલિયાસ સાથે સુરતના લીંબાયત ખાતે રહે છે. જેથી મહુવા પોલીસના પીઆઈ જે. એ. બારોટે લીંબાયત ખાતે રહેતા મહિલાના પુત્ર અસગર અંસારીનો સંપર્ક કરી મહિલાના ફોટા અને વિડીયો મોકલતા આખરે મહિલાને તેના સ્વજનોએ ઓળખી કાઢી હતી.
વૃદ્વ મહિલાના પુત્ર અસગર અને તેમના પરિવારજનો તાત્કાલિક મહુવા પોલીસ સ્ટેશન પહોંચી જઈ પીઆઈ જે. એ. બારોટને જણાવ્યું હતું કે મારી માતા અસ્થિર મગજના છે અને છેલ્લા 3 દિવસથી લીંબાયત ખાતે થી ગુમ થઈ ગયા હતા. ત્યારબાદ મહુવા પોલીસ દ્વારા વૃદ્ધ મહિલા અને તેમના પુત્રનું મિલન કરાવતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. અને કહેવાય કે મહુવા પોલીસના અથાગ પ્રયત્નો અને માનવીય અભિગમના કારણે એક અસ્થિર મગજના 70 વર્ષીય વૃદ્ધ મહિલાનો તેમના પરિવાર સાથે સુખદ મિલન કરાવતા મહિલાના પરિવારજનો અને તેમના પુત્રમાં ખુશીની લાગણી જોવા મળી હતી. તો બીજીતરફ મહુવા પોલીસની સરાહનીય કામગીરી જોઈ વૃદ્ધ મહિલાના પરિવારજનો દ્વારા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી જે. એ. બારોટ અને મહુવા SHE ટીમ અને સમગ્ર પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.