અહેવાલ -રીતેશ પરમાર
અમદાવાદ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં દેશી વિદેશી દારૂની પ્રોહિબિશનની બદ્દી નાબૂદ કરવા માટે અલગ અલગ ગુન્હાના કામે, પકડાયેલ આરોપીઓની પાસા ધારા મુજબ દરખાસ્ત કરવા માટે અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર શ્રી જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા તમામ પોલીસ ઇન્સ્પેક્ટરોને સૂચનાઓ કરવામાં આવેલ તેમજ તટસ્થ અને ઝડપી કાર્યવાહી કરવા કડક આદેશ કરવામાં આવેલ હતો.
જે સૂચના આધારે દેશી વિદેશી દારૂની બદ્દી નાબૂદ કરવાની ઝુંબેશ ના ભાગરૂપે અમદાવાદ શહેર ઇન્ચાર્જ સેક્ટર 02 નાં સંયુક્ત પોલીસ કમિશ્નર શ્રી નીરજ બડગુજર, ઝોન 06 નાં નાયબ પોલીસ કમિશ્નર શ્રી રવિ મોહન સૈની તથા જે ડિવિઝનના એસીપી શ્રી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશન ખાતે તાજેતરમાં વિદેશી દારૂના માતબર રકમના કેસોમાં પકડાયેલ ત્રણ આરોપીઓ (1) નીરજ ઉર્ફે ચપ્પલ કિશોરભાઈ કરમચંદાની ઉવ. 24 રહે. ડાયમંડ ફ્લેટ, સરદાર નગર, અમદાવાદ, (2) સોહનસિંહ હરિસિંહ રાજપૂત ઉવ. 40 રહે. મુડવાસ ગામ જી. ઉદયપુર રાજસ્થાન તથા (3) ઓડાનસિંહ હિંમતસિંહ રાજપૂત ઉવ. 30 રહે. ચરમર ગામ જી. ઉદયપુર રાજસ્થાન વિરુદ્ધમાં જીઆઈડીસી વટવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. એન.ડી.નકુમ તથા સ્ટાફ દ્વારા પાસા ધારા મુજબ અટકાયત કરવા માટે દરખાસ્ત તૈયાર કરી, પોલીસ કમિશનર કચેરી ખાતે મોકલી આપવામાં આવેલ હતી.
જેથી અમદાવાદ શહેરનાં પોલીસ કમિશનર શ્રી જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા વિદેશી દારૂના માતબર રકમના ગુન્હામાં પકડાયેલ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પાસા ધારા મુજબનું વોરંટ ઇસ્યુ કરી ત્રણેય આરોપીઓને ભુજ ખાસ પાલરા જેલ ખાતે મોકલી આપવા હુકમ કરતાં ત્રણેય આરોપીઓની પાસા ધારા મુજબ અટકાયત કરી પાલરા ખાસ જેલ ભુજ ખાતે જાપ્તા સાથે મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રી જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા દેશી વિદેશી દારૂના ધંધાર્થીઓ ઉપર આંકરા પગલાં લેવાનું શરૂ કરવામાં આવતા, ગેર કાયદેસર દેશી વિદેશી દારૂના ધંધા કરતા પ્રોહિબિશન બુટલેગરોમાં રીતસરનો ફફડાટ ફેલાયો હતો.