
રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )
ધ્રોલ તાલુકા મથકે રહેતાં એક યુવાનને દારૂના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી એક કોન્સ્ટેબલ રૂા.20 હજાર પડાવી ગયા બાદ અન્ય પોલીસકર્મીઓ પણ યુવાન તથા તેની પત્નીને માર મારી રૂા.20 હજાર પડાવી લીધાના આક્ષેપ સાથે યુવાને જિલ્લા પોલીસવડાને અરજી કરી ન્યાયની માંગણી કરી છે.
ધ્રોલ તાલુકા મથકે ગાયત્રી પ્લોટ વિસ્તારમાં રહેતાં નાસીર ઓસમાણ મકવાણા નામના યુવાન ગત્ તા.25મીના રોજ પોતાનું નવું મોટરસાઇકલ લઇ સાંઇબાબાના મંદિરે જતો હતો ત્યારે વનરાજ કોળી નામનો પોલીસ કોન્સ્ટેબલ ત્યાં આવ્યો હતો અને રોકાવી લીધો હતો.
નવું મોટરસાઇકલ દારૂના કેસમાં કબ્જે કરવું છે એમ કહી ખોટી રીતે સંડોવી દેવાની ધમકી આપી આ શખ્સે રૂા.20 હજારની માંગણી કરી હતી. હોન્ડા પરત મેળવવા માટે યુવાને ઘરે જઇ કોન્સ્ટેબલને રૂા.20 હજાર આપ્યા હતાં.
ત્યારબાદ અન્ય પોલીસ કર્મીઓ મોરીભાઇ, રોહિતસિંહ, અનિલભાઇ તથા અન્ય એક જમાદાર સહિતના શખ્સોએ ધ્રોલ હાઇવે પર આહિર સમાજ પાસેથી પસાર થતાં આ યુવાન અને તેની પત્નીને આંતરી લઇ ખોટા કેસમાં સંડોવી દેવાની ધમકી આપી હતી અને તેના ખીસ્સામાં રહેલ રૂા.20 હજારની રકમ કાઢી લીધી હતી.
આમ યુવાન પાસેથી ધ્રોલ પોલીસ દફતરના પોલીસ કર્મચારીઓએ રૂા.40 હજાર પડાવી લીધાના આક્ષેપ સાથે યુવાને જિલ્લા પોલીસવડાને અરજી કરી હતી. પોતાને તથા તેની ગર્ભવતી પત્નીને પોલીસે વિનાકારણે માર માર્યો હોવાનો પણ આક્ષેપ અરજીમાં લગાવાયો છે.







Total Users : 12989
Total views : 15213
Who's Online : 0