
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )
ગુજરાતમાં દારુબંધીના કાયદાનો અમલ થતો હોવાના કારણે દારુનું સેવન કે દારુનું વેચાણ કરવું તે ગુનો બને છે. પણ રાજ્યમાં અવાર નવાર પોલીસના હાથે લાખો રૂપિયાનો દારુ પકડાય છે. તો કેટલીક વખત સ્થાનિક લોકોએ દારુના અડ્ડા પર જનતારેડ કરી હોવાના પણ કિસ્સાઓ સામે આવ્યા છે.
તો કેટલીક વખત સ્થાનિક પોલીસની મિલીભગતથી બુટલેગરો દારુનું વેચાણ કરતા હોય તેવા પણ કિસ્સાઓ સામે આવ્યા છે.
ત્યારે આવી જ એક ઘટના અમદાવાદમાં સામે આવી છે. અમદાવાદમાં જેમ રેશનકાર્ડની દુકાન પર અનાજ લેવા માટે લોકોની લાઈન થાય તે પ્રકારે લોકો દેશી દારૂ લેવા માટે લાઈન લગાવીને ઉભા હોય તેવા ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

રિપોર્ટ અનુસાર અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારમાં આવેલા સિંધવાઈ માતાના મંદિરે AEC બ્રીજ નીચેથી ગુરુકુળ તરફ જતા રસ્તા પર લોકો એક જગ્યા પર ટોળે વાળીને દેશી દારુ લેવા માટે એકઠા થયા હતા. આ જગ્યા પર દારુબંધીનો નિયમ હોવા છતાં પણ બુટલેગર દેશી દારુનું વેચાણ કરી રહ્યો હતો. લોકો પણ રોકડા રૂપિયા આપીને દારૂની ખરીદી કરી રહ્યા હતા.
જે જગ્યા પર દારુની વેચાણ આ પ્રકારે થઇ રહ્યું હતું તે જગ્યાથી 200 મીટર દૂર જ ગર્લ્સ હોસ્ટેલ આવેલી છે. એવી પણ માહિતી સામે આવી રહી છે કે, અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા ઠાકોરવાસમાં પણ આ પ્રકારે દારુનું વેચાણ થાય છે. વિક્રમ નામના વ્યક્તિએ દારુનું વેચાણ કરવાનો પરવાનો બુટલેગરને આપ્યો છે.

તો આ ઘટનાને લઇને ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના PIને જ્યારે આ બાબતે બેફામ થતા દારૂના વેચાણ બાબતે પૂછતાં તેમને કહ્યું હતું કે, તેમને આ બાબતે કોઈ માહિતી મળી નથી. એક તરફ સરકાર ગુજરાતમાં દારુબંધીના કાયદાનો ચૂસ્તપણે અમલ થતો હોવાની વાત કરે છે અને બીજી તરફ આ પ્રકારે બેફામ દારુનું વેચાણ થતું હોવાના કિસ્સાઓ સામે આવે છે.
તો કેટલીક વખત વિપક્ષ દ્વારા દારૂબંધીની નીતિને લઇને પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. તો કેટલીક વખત રાજ્યમાં દારૂબંધીના કાયદાના અમલ કરાવતા પોલીસકર્મીઓ જ દારુની હેરાફેરી કરતા પકડાયા છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે, પોલીસ ઉચ્ચ અધિકારીઓ જવાબદાર પોલીસકર્મીઓ સામે કોઈ કાર્યવાહી કરશે નહીં?






Total Users : 13141
Total views : 15381
Who's Online : 5