
ડભોઈ રેલવે પોલીસના મહિલા PSI એકતાબેન પંડ્યા ACBના છટકામાં રંગેહાથ ઝડપાયા; પ્રજાની રક્ષા કરવાની ખાખી પહેરીને ફરજ સાથે કરી ગદ્દારી
ડભોઈ/વડોદરા:
સમાજમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા સામાન્ય નાગરિકોની સુરક્ષા માટે જેમના પર સૌથી વધુ ભરોસો મૂકવામાં આવે છે, તેવી ખાખી વર્દીને ફરી એકવાર લાંચનું લાંછન લાગ્યું છે. વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે રેલવે પોલીસમાં ફરજ બજાવતા મહિલા PSI એકતાબેન પંડ્યાને લાંચ રુશવત વિરોધી બ્યુરો (ACB) એ ₹૨૦,૦૦૦ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, અરજદારનો જપ્ત કરાયેલો મોબાઈલ ફોન પરત આપવા માટે મહિલા PSI એકતાબેન પંડ્યાએ ₹૨૦,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. લાંચ આપવા ન માંગતા જાગૃત નાગરિકે ACBનો સંપર્ક કર્યો હતો. જેના આધારે ACBની ટીમે છટકું ગોઠવ્યું હતું અને PSI એકતાબેન પંડ્યાને ₹૨૦ હજારની લાંચ સ્વીકારતા રંગેહાથ દબોચી લીધા હતા. ACBએ સ્થળ પરથી લાંચની સંપૂર્ણ રકમ રિકવર કરી, તેમની સામે લાંચ રૂશ્વત ધારા હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વર્ષોની મહેનત અને માતા-પિતાના સપના રોળાયા:-
એક સામાન્ય પરિવારમાંથી આવીને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) બનવું એ કોઈ રમત વાત નથી. આ પદ સુધી પહોંચવા માટે વર્ષોની રાત-દિવસની અથાગ મહેનત, શારીરિક કસોટી અને અભ્યાસનું તપ કરવું પડે છે. જ્યારે દીકરીના ખભા પર સ્ટાર લાગે છે, ત્યારે માતા-પિતાની છાતી ગર્વથી ફૂલી જાય છે. પરંતુ, માત્ર ₹૨૦ હજાર જેવી નજીવી રકમની લાલચમાં આ મહિલા અધિકારીએ પોતાનું ઈમાન વેચી દીધું. વર્ષોની મહેનતથી મેળવેલી પ્રતિષ્ઠા અને માતા-પિતાના સપનાઓને એક જ ઝાટકે ચકનાચૂર કરી દીધા.
ફરજ સાથે ગદ્દારી અને જેલના સળિયા:-
રાજ્યમાં દરરોજ ACB દ્વારા લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. છતાં, આ ઘટનાઓમાંથી કોઈ બોધપાઠ લેવાના બદલે કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ રિશ્વતખોરીના રવાડે ચડી રહ્યા છે. જે ખાખી વર્દી પ્રજાની સેવા અને ન્યાય અપાવવા માટે મળી હતી, તે જ વર્દીની આડમાં ભ્રષ્ટાચાર આચરીને પોતાની ફરજ અને નિષ્ઠા સાથે ગદ્દારી કરવામાં આવી. જેનું પરિણામ આજે એ આવ્યું કે જે ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલવાની તેમની જવાબદારી હતી, આજે તેઓ પોતે જ કાયદાના સકંજામાં આવીને જેલના સળિયા ગણવા મજબૂર બન્યા છે.
આવનારી પોલીસ પેઢી માટે લાલબત્તી સમાન કિસ્સો:-
આ ઘટના હાલમાં પોલીસ બેડામાં ફરજ બજાવતા અને ભવિષ્યમાં પોલીસ બનવાનું સપનું જોતા યુવાનો માટે એક મોટો બોધપાઠ છે.
- લાંચ એ વિનાશનો માર્ગ છે: તમે જે લાંચ લો છો, તે માત્ર પૈસા નથી હોતા, પરંતુ તમારી કારકિર્દી, પરિવારની આબરૂ અને ભવિષ્યની બરબાદીનો સોદો હોય છે.
- પ્રજાની સેવા એ જ સાચો ધર્મ: સરકાર અને જનતા તમને પગાર અને સત્તા પ્રજાના આંસુ લૂછવા અને તેમની સેવા કરવા માટે આપે છે, તેમને લૂંટવા માટે નહીં.
- ઈમાનદારી જ સાચી ઓળખ: ભ્રષ્ટાચારની કમાણી ક્યારેય ફળતી નથી. ઈમાનદારી અને ફરજનિષ્ઠાથી કરેલી કામગીરી જ તમને સમાજમાં સાચું સન્માન અપાવે છે.
ડભોઈની આ ઘટનાએ ફરી સાબિત કર્યું છે કે ભ્રષ્ટાચારનો અંત હંમેશા અપમાન અને જેલ જ હોય છે.
હવે જોવાનું એ રહેશે કે આવા કિસ્સાઓમાંથી અન્ય અધિકારીઓ કોઈ શીખ લે છે કે કેમ!







Total Users : 17837
Total views : 20994
Who's Online : 0