
ગાંધીનગર ના ડભોડા પાસે આવેલા પ્રાંતિયા ગામની સીમમાંથી વિદેશી દારૂની કટીંગ કરતા ત્રણ બુટલેગરોને ચાલુ કટીંગ દરમિયાન જ ડભોડા પોલીસે દબોચી લીધા હતા. ત્રણેય ઈસમોના કબજા માંથી 88 હજારની કિંમતનો વિદેશી દારૂ તથા બે વાહનો મળીને કુલ રૂ.4.53 લાખનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો. ઈડર તથા ડભોડા ના ત્રણ ઈસમોએ વિદેશી દારૂ રાજસ્થાનથી મંગાવ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.

ડભોડા ના પી.એસ.આઇ અનિલ વછેટાએ વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગ તેમજ બિટોના જમાદારોને વિસ્તારમાં દેશી વિદેશી દારૂની હેરાફેરી રોકવાની કડક સૂચનાઓ આપતા પોલીસ પેટ્રોલિંગમાં હતી. હેડ.કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ નાથુભાઈ તથા હે. કો. અશ્વિનભાઈ ને પ્રાતીયામાં સીમમાં ઝાલા ફાર્મથી થઈને લવારપુર બીડ બાજુ જતા નાળિયામાં કેટલાક ઇસમો એક ગાડી માંથી બીજી ગાડીમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા હોવાની સંયુક્ત બાતમી મળી હતી. પોલીસે હકીકતના આધારે પ્રાંતિયાની સીમમાં ઉપરોક્ત સ્થળે રેડ કરીને ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. રેડ કરી ત્યારે બુટલેગરો એકબીજા વાહનોમાં પોલીસને જોઈ ફફડી ઉઠેલા અને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે તેમને પકડી પાડ્યા હતા.

ઝડપાયેલા ઇસમોના નામ પૂછતા નરેશજી ગિરધરજી સોલંકી (રહે. ઓડા.તારાવાળો વાસ ઇડર) અક્ષય વિનુજી ઠાકોર (રહે. બુટાકિયા મહાકાલીનો વાસ ડભોડા ) તથા આકાશ ભરતજી ઠાકોર (રહે. બુટાકિયા મહાકાલીનો વાસ ડભોડા ) હોવાનું જાણવા મળ્યું હતું.સ્થળ ઉપરથી 88,740 કિંમતની 396 ઇંગ્લિશ દારૂની બોટલો એક ગાડી તથા એક કાર સહીત કુલ 4.53 લાખનો મુદ્દામાલ ડભોડા પોલીસે કબ્જે કરી પ્રસંશનીય કામગીરી કરી હતી. ઝડપાયેલા ત્રણેય ઈસમો વિરૃદ્ધ પ્રોહીબીશન મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.







Total Users : 12989
Total views : 15213
Who's Online : 0