
ખાસ અહેવાલ:રીતેશ પરમાર (સિનિયર જર્નાલિસ્ટ)
સમાજમાં કાયદો, વ્યવસ્થા અને સામાન્ય નાગરિકોની રક્ષા જેમના શિરે હોય છે, તે જ જ્યારે રક્ષક મટીને ભક્ષક બને ત્યારે સમગ્ર વ્યવસ્થા પરથી જનતાનો ભરોસો ડગી જાય છે. કંઈક આવો જ કિસ્સો આણંદ જિલ્લાના આંકલાવ પોલીસ સ્ટેશનમાં સામે આવ્યો છે, જ્યાં ક્લાસ-૨ (Class-2) કક્ષાના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) રાજદીપસિંહ વનાર ₹40,000 ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા છે. આ ઘટના માત્ર એક પોલીસ અધિકારીની ધરપકડ નથી, પરંતુ રાતોરાત અમીર બની જવાની લાલસામાં પોતાનું ઝમીર વેચી દેનારા ભ્રષ્ટ તત્વો માટે એક સણસણતો પાઠ છે.
એસીબી (ACB) ના અધિકારીઓનો સપાટો:-
આ સમગ્ર ભ્રષ્ટાચારના ખેલનો પર્દાફાશ કરવા માટે આણંદ એસીબીના ખુબજ નિષ્ઠાવાન અને નીડર પી.આઈ. શ્રી આર. એન. વિરાણી અને તેમની જાંબાઝ ટીમ દ્વારા એક સુનિયોજિત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સમગ્ર રેડનું સુપરવિઝન એસીબી ફિલ્ડ ડાયરેક્ટર (ગાંધીનગર/અમદાવાદ ઝોન) ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. એસીબીની આ ટીમે અત્યંત ગુપ્તતા જાળવીને પોલીસ મથકની અંદર જ જાળ બિછાવી અને લાંચિયા પી.આઈ. વનારને નાગરિક પાસેથી નક્કી કરેલી રકમ સ્વીકારતા રંગેહાથ દબોચી લીધા.
શું હતી સમગ્ર ઘટના?
અહેવાલો મુજબ, આંકલાવ પોલીસ મથકના પી.આઈ. રાજદીપસિંહ વનારે એક સ્થાનિક નાગરિકને હેરાન-પરેશાન ન કરવા અને તેની ફેક્ટરી બંધ ન કરવાની ધમકી આપીને રૂપિયા 40 હજારની લાંચની માંગણી કરી હતી. જોકે, નાગરિકે ઝૂકવાને બદલે હિંમત બતાવી અને એન્ટી કરપ્શન બ્યુરો (ACB) નો સંપર્ક કર્યો. ફરિયાદીની વિગતોના આધારે પી.આઈ. આર. એન. વિરાણી (આણંદ એસીબી) એ ટ્રેપનું આયોજન કર્યું અને લાંચખોર અધિકારી પોતાના જ પોલીસ સ્ટેશનમાં કાયદાના સકંજામાં આવી ગયો.
સરકારી પગાર અને વૈભવ પણ ઓછો પડ્યો?
એક પોલીસ ઇન્સ્પેક્ટરનો સરકારી પગાર, મળતા ભથ્થાં અને સમાજમાં તેમનો જે મોભો હોય છે, તે કોઈપણ પરિવારનું ગુજરાન અત્યંત ઈજ્જત અને વૈભવ સાથે ચલાવવા માટે પૂરતો હોય છે. તેમ છતાં, પ્રામાણિકતા અને નિષ્ઠાના પંથે ચાલવાને બદલે રાતોરાત કરોડો રૂપિયા કમાઈ લેવાની અંધારી લોભ-લાલસાએ આ અધિકારીની બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખી. પોતાની સત્તાનો દુરુપયોગ કરીને ગણતરીની મિનિટોમાં કમાઈ લેવાની આ બેઈમાનીનું પરિણામ એ આવ્યું કે, જેમના હાથે ગુનેગારોને હાથકડી પહેરાવવામાં આવતી હતી, આજે એ જ હાથોમાં કાયદાની હાથકડી આવી ગઈ છે.
મુઠ્ઠીભર લાંચિયાઓના કારણે આખું તંત્ર શરમીંદું:-
આ કોઈ સામાન્ય લાંચનો કેસ નથી. જ્યારે પોલીસ સ્ટેશનનો વડો જ ગુનેગાર સાબિત થાય, ત્યારે ખાખી વર્દી પર કાળો ડાઘ લાગે છે. પોલીસ તંત્રમાં એવા અસંખ્ય પ્રામાણિક અધિકારીઓ અને જવાનો છે જે રાત-દિવસ જોયા વગર, તહેવારો છોડીને જનતાની સુરક્ષા માટે ખડેપગે રહે છે. પરંતુ મુઠ્ઠીભર લોભિયા અને પૈસાના ભૂખ્યા અમુક અધિકારીઓના કારણે સમગ્ર પોલીસ તંત્રને સમાજ સામે શરમમાં મુકાવવાનો વારો આવે છે.
ભ્રષ્ટ અધિકારીઓ માટે મોટી શીખ:-
આ કેસ તે તમામ સરકારી બાબુઓ અને અધિકારીઓ માટે ખુલ્લી ચેતવણી છે જેઓ એવું માને છે કે તેમની ખુરશી અને પાવર તેમને કાયદાથી ઉપર રાખે છે. રાતોરાત મેળવેલી કાળી કમાણી ક્યારેય સુખ આપી શકતી નથી, ઉલટાનું વર્ષોથી કમાયેલી ઈજ્જત, પ્રતિષ્ઠા અને આખી જિંદગીની નોકરી એક ક્ષણમાં ધૂળમાં મળી જાય છે. આંકલાવના પી.આઈ.નો આ અંજામ દરેક ભ્રષ્ટ કર્મચારી માટે મોટો પાઠ છે કે કાયદાના હાથ લાંબા છે અને પાપનો ઘડો એક દિવસ ચોક્કસ ફૂટે જ છે.








Total Users : 15239
Total views : 17901
Who's Online : 1