
પાટણ શહેરમાં આજે સવારે ખૂની ખેલ ખેલાયો છે. એક વર્ષથી ચાલતા સગા મામા-ફોઇના છોકરાઓના ઝઘડાઓ અંત મોતથી આવ્યો છે. સગા મામાના છોકરાએ ફોઇના છોકરાને બજાર વચ્ચે રહેસી નાખ્યો છે. આ વિસ્તારમાં માહોલ વધારે ન બગડે તે માટે પુરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રીક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા પ્રકાશ પટણીનો છેલ્લા એકાદ વર્ષથી તેના મામાના છોકરા સાથે ઝઘડો ચાલતો હતો.
આજ રોજ દરરોજની જેમ પ્રકાશ પટણી રીક્ષા લઈને ઘરેથી નિકળ્યો હતો. આ દરમિયાન વેરાઈ ચકલા વિસ્તારમાં તેને મામાનો છોકરો મળ્યો હતો અને બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. જે બાદ આ બોલાચાલીએ ઉગ્ર સ્વરુપ ધારણ કર્યું હતું અને ઉશ્કેરાયેલા મામાના છોકરાએ પ્રકાશને ભરબજારે તીક્ષ્ણ હથિયારથી રહેસી નાખ્યો હતો.
જે બાદ પ્રકાશને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવને પગલે મૃતકના પરિવારજનોમાં હૈયાફાટ આક્રંદથી માહોલમાં ગમગીની છવાઇ છે.
આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ બનાવ સ્થળે દોડી આવી છે, અને આ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.







Total Users : 13078
Total views : 15315
Who's Online : 0