
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ હોવાના કારણે વી વી આઈ પી મુવમેન્ટ વધુ હોય છે. આ વિસ્તારમાં અવારનવાર નેતા અભિનેતાઓ અને વિદેશથી આવતી મોટી હસ્તીઓની વારંવાર અવરજવર હોતી હોય છે. જેના લીધે એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળતું હોય છે. તેમ છતાં આ વિસ્તારમાં સ્થાનિક પોલીસ અને વહીવટદારો પોતાના આર્થિક લાભ માટે થઈને બુટલેગરો સાથે મીલીભગત કરીને ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃતિઓને આચરવાનું પ્રોત્સાહન આપી રહ્યા છે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. તેની સાથે સાથે છુપી રીતે અને બંધ બારણે જુગારના સંચાલકોને પણ જુગારના અડ્ડાઓ ચલાવવાની છૂટ આપી રહ્યા છે. તો બીજીતરફ કે જે યુવાનો ઉપર આવનાર સમયમાં પોતાના પરીવારની પોતાના રાજ્યની અને દેશની જવાબદારી છે તેવા યુવાધનને ગાંજા, ચરસ, અને એમડી જેવા માદક પદાર્થોની લતે ચઢાવી તેમનું જીવન બરબાદ કરવાના માધક પદાર્થોના નશાના સોદાગરો સાથે સાંઠ-ગાંઠ કરીને મસમોટા હપ્તાઓ લઈ આવી તમામ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ચલાવવા માટેની ખુલ્લી છૂટ આપી રહ્યા હોવાનું પણ સ્થાનિક સૂત્રો જણાવી રહ્યા છે. એરપોર્ટ રનવે દિવાલ ની બાજુમાં રામદેવપીરના છાપરા સામે ખુલ્લેઆમ ગાંજો વેચાઈ રહ્યો છે. તેમજ આ વિસ્તારના એક કિલોમીટરની અંદર જ દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂની ઠેર ઠેર હાટડીયો વહીવટદારોના પાપે ધમધમી રહી છે.

આપને જણાવી દઈએ કે અગાઉ પણ આ એરપોર્ટ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પીસીબી અને એસએમસી દ્વારા દેશી દારૂ અને ઇંગલિશ દારૂની હાટડીઓ ઉપર સફળ રેડો કરવામાં આવી છે. તેમ છતાં ત્યાંના પોલીસ અધિકારીઓ અને તેમના કમાઉ દીકરા વહીવટદારોને જાણે કે કોઈ કાયદાનો કે પોતાની ફરજમાં ગેરશિષ્ત ના બદલે નોકરીથી ફરજ મુકત થઈ જવાનો ડર રહ્યો નથી. બસ આ તમામ પોલીસ કર્મીઓ અને વહીવટદારોને અને પોલીસના અધિકારીઓને નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા રાખ્યા વગર પૈસા કમાઈ લેવાની લાલસા વધારે છે. એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રમેશદત્ત કોલોની પાસે એક માથાભારે મહિલા બુટલેગર દેશી દારૂ તેમજ જુગારનો ખુલ્લેઆમ વેપાર કરે છે. તો બીજી તરફ ભદ્રેશ્વર ટર્નિંગ ખાતેના ડ્રેનેજ પંપીંગ ની પાસે એક મહિલા બુટલેગર વહીવટદાર અને એરપોર્ટના સ્થાનિક પોલીસ કર્મીઓના આશીર્વાદથી યુવાધનને બરબાદ કરવા માટેનો મોતનો સામાન એટલે કે ગાંજા અને દેશી દારૂનો ખુલ્લેઆમ વેચાણ કરી રહી છે. એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોતરપુરના છાપરા, રામદેવપીરના છાપરા, જોગણી માતાના મંદિરની સામે નો વિસ્તાર, રમેશદત્ત કોલોની, ભદ્રેશ્વર હાઉસિંગ સોસાયટી તેમજ તેમની આસપાસની ઘણી બધી જગ્યાઓ કે જ્યાં ખુલ્લેઆમ ખરાબ ક્વોલિટીના દેશી દારૂનો વેચાણ થઈ રહ્યો છે.
આપ તમામને યાદ હશે કે થોડા સમય અગાઉ જ બોટાદમાં દેશી દારૂથી લઠ્ઠા કાંડ થયો હતો. જેને કેમિકલ કાંડનું નામ અપાયું હતું. આ લઠ્ઠાકાંડમાં 55 થી વધુ નિર્દોષ લોકોના મોત નીપજ્યા હતા. જેમાં વધારે પડતી ગરીબ મહિલાઓ વિધવા બની હતી. કેટલી માતાઓ પોતાના દીકરાને ખોઈને નીસહાય બની હતી. નાના ભૂલકાઓ નાની ઉંમરમાં જ પોતાના પિતાનો સાયો ગુમાવ્યો હતો. બોટાદના આ લઠ્ઠાકાંડની અંદર કેટલાય પોલીસકર્મી અને પોલીસના અધિકારીઓને સસ્પેન્ડ થવાનો વારો આવ્યો હતો. જેની યાદો અત્યાર સુધી ભૂલી શકાતી નથી. ઉલ્લેખનીય છે કે અમદાવાદ પૂર્વના એરપોર્ટ વિસ્તારમાં પણ વહીવટદારોના ખુલ્લા આશીર્વાદથી ખરાબ ક્વોલિટીનો દેશીદારૂનો ધૂમ વેચાણ થઈ રહ્યો છે. ત્યારે આ વાત કહેવામાં નવાઈ નથી કે અહીંયા પણ આવનાર સમયમાં લઠ્ઠા કાંડ જેવી સ્થિતિ સર્જાય તો નવાઈ નહીં. આ સમગ્ર બાબતે એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર દારૂ અને માદક પદાર્થોના ધંધા બાબતે ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી છે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. તેમ છતાં આજ દિન સુધી એરપોર્ટ પોલીસ સ્ટેશન હદ વિસ્તાર ને લગતા કોઈપણ ઉચ્ચ અધિકારીએ આ તમામ બાબતે કોઈ નક્કર પગલા લીધેલ નથી. જેથી સ્પષ્ટ કહી શકાય કે એરપોર્ટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ધંધાઓની તમામ જાણકારી હોવા છતાં ત્યાંના ઉચ્ચ અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે આ બાબતે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર શ્રી જી એસ મલિક સાહેબને જાણ કરવામાં આવે તો કોઈ કાયદેસર પગલા ભરી આ તમામ અસામાજિક પ્રવૃતિઓ ઉપર અસરકારક કાર્યવાહી થાય તેવું વિશ્વસનીય સૂત્રો જણાવી રહ્યા છે.






Total Users : 9747
Total views : 11410
Who's Online : 0