
રીતેશ પરમાર
દેશની રાજધાની દિલ્હીથી વડોદરાને જોડતો 1,380 કિમી લાંબો એકસપ્રેસ વેનો વડોદરાથી અંકલેશ્વરનો બેલ્ટ તૈયાર થવામાં છે અને એપ્રલ મહિનાથી વાહનચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવે તેવી સંભાવના છે. આ આખો એક્સપ્રેસ વે માર્ચ 2024 સુધીમાં પૂરો થશે, પરંતુ વડોદરા-મુંબઈ વચ્ચેનો એકસપ્રેસ વે આ વર્ષના અંત સુધીમાં ખુલ્લો મુકાશે, તેમ અધિકારીએ જણાવ્યું હતું.
એકવાર આ આખો એક્સપ્રેસ વે તૈયાર થઈ જશે તે બાદ દિલ્હીથી વડોદરા 24 કલાકને બદલે 12 કે 13 કલાકમાં પહોંચી શકાશે. 98,233 કરોડના ખર્ચે 2018માં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનું શિલારોપણ કરવામાં આવ્યું હતું. ગુજરાતના દાહોદ નજીકના ભાગને બાદ કરતા લગભગ આખો માર્ગ ડિસેમ્બર સુધી તૈયાર થાય તેવી સંભાવના એક અધિકારીએ વ્યક્ત કરી હતી.
દિલ્હીથી વડોદરાનો અંદાજે 903 કિમીનો પટ્ટો સમયસર પૂરો થવાની પૂરી સંભાવના છે, પરંતુ દિલ્હીના ડીએનડી અને ગુજરાતના કીમ તરફના ચાર રસ્તાનું કામ ધીમું ચાલી રહ્યું છે અને તે દહોદ સાથે જોડાયેલા છે.કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે એક્સપ્રેસ વેનો 90 ટકા ભાગ ડિસેમ્બર મહિનામાં તૈયાર થઈ જશે.
આ એકસપ્રેસ વે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર એમ છ રાજ્યમાંથી પસાર થશે, જેથી છ રાજ્યો સાથે જોડાયેલા તમામ ફાયનાન્સિયલ હબને પણ જોડશે અને રાજ્યો વચ્ચે ધંધો-વેપાર સરળ બનશે.








Total Users : 12987
Total views : 15210
Who's Online : 1