
અહેવાલ- રીતેશ પરમાર (સિનિયર જર્નાલિસ્ટ)
મહીસાગર:કાયદો અને વ્યવસ્થાની રક્ષા કરવાની જેમના શિરે જવાબદારી છે, તેવા જ એક જવાબદાર પોલીસ અધિકારી ખાખીને દાગ લગાડતા એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ના સકંજામાં આવી ગયા છે. મહીસાગર જિલ્લાના કોઠંબા પોલીસ સ્ટેશન હેઠળની વરધરી આઉટ પોસ્ટના બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) કેસરસિંહ રતુજી ચાવડા રૂ. ૧,૦૦,૦૦૦ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ જતા પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઇ છે.
અકસ્માતના કેસમાં જામીન આપવા અને માર ન મારવા માંગી હતી લાંચ:-
આ સમગ્ર મામલાની વિગત એવી છે કે, એક જાગૃત નાગરિકની ગાડીના ડ્રાઇવર દ્વારા ફેટલ (જીવલેણ) અકસ્માત થયો હતો. આ ગુનાના કામે ડ્રાઇવરને પોલીસ સ્ટેશનમાંથી જામીન આપવા તેમજ લોકઅપમાં માર ન મારવા માટે PSI કેસરસિંહ ચાવડાએ રૂા. ૨,૦૦,૦૦૦/- ની મસમોટી લાંચની માંગણી કરી હતી.
જાગૃત નાગરિકે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો:-
ફરિયાદી નાગરિક લાંચના નાણાં આપવા માંગતા ન હોવાથી, તેમણે હિંમત દાખવીને તાત્કાલિક દાહોદ એ.સી.બી. પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર ઘટના અંગે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.
એ.સી.બી.એ ગોઠવ્યું સફળ છટકું:-
ફરિયાદના આધારે દાહોદ ACBના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એમ.પઠાણ અને તેમની ટીમે આજ રોજ એટલે કે તા. ૦૫/૦૯/૨૦૨૬ના રોજ વરધરી આઉટ પોસ્ટ ખાતે જ લાંચનું છટકું (ટ્રેપ) ગોઠવ્યું હતું. આયોજન મુજબ જ્યારે ફરિયાદી લાંચના હપ્તા પેટે રૂા. ૧,૦૦,૦૦૦/- આપવા ગયા, ત્યારે PSI કેસરસિંહ ચાવડાએ આ રકમ સ્વીકારતા જ ACBની ટીમે તેમને સ્થળ પર જ દબોચી લીધા હતા.
ACB દ્વારા લાંચની પૂરેપૂરી રકમ રૂ. ૧,૦૦,૦૦૦/- રીકવર કરી લેવામાં આવી છે અને ભ્રષ્ટ PSI વિરૂદ્ધ કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.






Total Users : 11139
Total views : 13039
Who's Online : 2