
અહેવાલ-રીતેશ પરમાર (સિનિયર જર્નાલિસ્ટ)
જ્યારે રક્ષક જ ભક્ષક બની જાય, ત્યારે લોકશાહીના પાયા હચમચી જાય છે. વેજલપુર પોલીસ સ્ટેશનની કાળી કોટડીમાં ૬૪ વર્ષના બુઝુર્ગ જહીરુદ્દીન શેખ સાથે જે બરબર્તા અને અમાનુષી ક્રૂરતા આચરવામાં આવી, તે કોઈ સામાન્ય ગુનો નથી પણ ખાખી વર્દીના ઓઠા હેઠળ થયેલું સુનિયોજિત ‘કસ્ટોડિયલ મર્ડર’ છે. તેવો આક્ષેપ તેમના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે.કાયદાનું પાલન કરાવવાની જેમના શિરે જવાબદારી હતી, તેમણે જ કાયદાના ધજાગરા ઉડાવી, સત્તાનો દુરુપયોગ કરીને એક પરિવારને કાયમ માટે અનાથ કરી દીધો.
પરંતુ, આ દેશમાં કાયદાથી ઉપર કોઈ નથી! ગુજરાત હાઈકોર્ટમાંથી નિરાશા મળ્યા બાદ પણ પીડિત પરિવારે ન્યાયની આશા ન છોડી. આખરે દેશની સર્વોચ્ચ અદાલતે (Supreme Court) જે કાળઝાળ પ્રહાર કર્યો છે, તે આગામી સમયમાં કોઈપણ પોલીસ અધિકારી કે કર્મચારી માટે કાયદો હાથમાં લેતા પહેલાં સો વખત વિચારવા મજબૂર કરી દેશે.
ખાખીના આતંક અને સુપ્રીમ કોર્ટના કડક સકંજાની આ સંપૂર્ણ ઇનસાઇડ સ્ટોરી, જે દરેક સત્તાધીશ માટે એક ખુલ્લી ચેતવણી છે:
કાયદાના રક્ષક કે કસાઈ? સરકારી ગાડીના બોનેટ પર માનવતાને પીંખી નાખી!
આ સનસનાટીભર્યા પાપની શરૂઆત ગત મે મહિનામાં થઈ હતી. વેજલપુર પોલીસે ગેરકાયદે પશુ કતલની આશંકાએ એક દરોડો પાડ્યો હતો. કોઈપણ નાગરિક જો ગુનેગાર હોય, તો તેને કોર્ટ સમક્ષ રજૂ કરવાનો કાયદો છે. પરંતુ અહીં તો સબ-ઇન્સ્પેક્ટર (PSI) અને બે કોન્સ્ટેબલો ખુદ જ જજ અને કસાઈ બની બેઠાના આક્ષેપ થયાં
તાલિબાની અત્યાચાર: પોલીસે ત્રણ નાગરિકોને પકડીને ધોળા દિવસે, જાહેર રસ્તા પર પોલીસ જીપના બોનેટ સાથે પશુઓની જેમ દોરડાથી બાંધી દીધા.
ખાખીનો આતંક: હજારો લોકોની હાજરીમાં આ ત્રણેય નાગરિકો પર લાકડીઓ વડે અંધાધૂંધ ફટકા મારવામાં આવ્યા. જાણે કાયદો અને બંધારણ જેવું આ દેશમાં કંઈ અસ્તિત્વ જ ન હોય!
કેમેરાએ ખોલી પોલ: આ પાશવી આતંક જોઈને જહીરુદ્દીન શેખના પુત્રએ હિંમત બતાવી આ સમગ્ર દ્રશ્ય પોતાના મોબાઈલમાં કેદ કરી લીધું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ વેજલપુર પોલીસનો અસલી અને ક્રૂર ચહેરો દુનિયા સામે બેનકાબ થઈ ગયો.
🔒 બદલાની આગમાં અંધ બનેલી પોલીસ: દાઢી ખેંચી, ગુપ્ત ભાગો પર લાતો મારી!
પોતાની કાળી કરતૂતનો વીડિયો વાયરલ થતાં જ વેજલપુર પોલીસ લાલચોળ થઈ ગઈ. કાયદાનો દુરુપયોગ કરીને તેમણે બદલો લેવાનું નકસીખ આયોજન કર્યું. ૬૪ વર્ષના વૃદ્ધ જહીરુદ્દીન શેખને ઉપાડીને લોકઅપની અંધારી કોટડીમાં પૂરી દેવાયા. જ્યાં કોઈ કેમેરો નહોતો, ત્યાં ખાખીધારી નરાધમોએ હેવાનિયતની તમામ હદો વટાવી દીધી.
મૃત્યુ શય્યા પરથી સત્ય: હોસ્પિટલના બિછાનેથી રડતા રડતા જહીરુદ્દીન શેખે વીડિયોમાં આપેલા આખરી નિવેદન મુજબ, પોલીસે તેમની દાઢી ખેંચીને ભયાનક અપમાન કર્યું હતું. વધુ માર ન મારવા માટે રૂપિયા ૩૦,૦૦૦ ની લાંચ માંગવામાં આવી હતી.
બેરહેમ થર્ડ ડિગ્રી: વૃદ્ધાવસ્થાની કે માનવતાની સહેજ પણ દયા રાખ્યા વિના, નિર્દય બનેલા પોલીસકર્મીઓએ જહીરુદ્દીનના ગુપ્ત ભાગો (પ્રાઈવેટ પાર્ટ્સ) પર બૂટની લાતો મારી હતી, જેના કારણે તેઓ લોકઅપમાં જ અધમૂઆ થઈને ઢળી પડ્યા હતા.
💊 પાપ છુપાવવા રચાયું પ્લાનિંગ?પરિવારજનોનો આક્ષેપ બળજબરીથી આપ્યો ઝેરનો ઓવરડોઝ!
જ્યારે લોકઅપમાં સતત ઢોર માર મારવાના કારણે વૃદ્ધ જહીરુદ્દીનની તબિયત અત્યંત લથડી ગઈ, ત્યારે આરોપી પોલીસ અધિકારીઓ ફફડી ગયા. જો આ હાલતમાં તેમને સિવિલ હોસ્પિટલ લઈ જવાય, તો શરીરે વાગેલા મારના નિશાનો મેડિકલ રિપોર્ટમાં પકડાઈ જાય અને વર્દી કાયમ માટે ઉતરી જાય તેમ હતી.
કાવતરાની પરાકાષ્ઠા: પોતાનું પાપ છુપાવવા પોલીસે લોકઅપની અંદર જ એક ખૌફનાક ષડયંત્ર રચ્યું. આરોપ છે કે તેમણે જહીરુદ્દીનને બળજબરીથી અજાણી ગોળીઓ અને દવાઓનો ભારે ઓવરડોઝ (ઝેર) ગળાવી દીધો.
આત્મહત્યાનું નાટક બનાવવાનો પ્રયાસ: પોલીસ આ મોતને “બીમારી” અથવા “આત્મહત્યા” નું રૂપ આપીને ફાઈલ બંધ કરવા માંગતી હતી. સારવાર દરમિયાન જહીરુદ્દીને દમ તોડી દીધો, પરંતુ જતા જતા તેઓ ખાખીના અત્યાચારની આખી પોલ ખોલતો વીડિયો પુરાવા તરીકે છોડતા ગયા, જે આજે પોલીસ માટે ફાંસીનો ફંદો બન્યો છે.
⚖️ સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક કોરડો: હવે વર્દીધારી ગુંડાઓ જેલના સળિયા ગણશે!
જ્યારે સ્થાનિક સ્તરે અને ગુજરાત હાઈકોર્ટમાંથી પીડિત પરિવારને ન્યાય ન મળ્યો, ત્યારે મામલો દેશની સર્વોચ્ચ અદાલત (Supreme Court) માં પહોંચ્યો. સુપ્રીમ કોર્ટે જ્યારે કેસની ફાઈલો અને વાયરલ વીડિયો જોયા, ત્યારે ન્યાયમૂર્તિઓનો પારો સાતમા આસમાને પહોંચી ગયો. કોર્ટે સ્પષ્ટ સંભળાવી દીધું કે, “પોલીસ કસ્ટડીમાં કાયદાના નામે થતો આવો આતંક અને અકુદરતી મોત લોકશાહી દેશમાં સહેજ પણ સહન કરી શકાય નહીં.”
સર્વોચ્ચ અદાલતે આપેલા ૪ ઐતિહાસિક હુકમો – જે દરેક પોલીસકર્મી માટે કાળ સમાન છે:
1.સીધો હત્યાનો ગુનો: સુપ્રીમ કોર્ટે કોઈ પણ શેહશરમ રાખ્યા વિના જવાબદાર તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ તાત્કાલિક અસરથી હત્યા (Murder – BNS) અને ગુનાની દુષ્પ્રેરણાની કલમો હેઠળ FIR દાખલ કરવાનો આદેશ કર્યો.
2.લોકલ પોલીસ સસ્પેન્ડ, SIT મેદાનમાં:
અમદાવાદ પોલીસ પોતાના જ સાથીદારોને બચાવવા તપાસમાં લીપાપોતી ન કરે તે માટે સુપ્રીમ કોર્ટે અમદાવાદ જિલ્લાની બહારના પ્રામાણિક અધિકારીઓની ૩ સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) બનાવી દીધી. જેનું સુકાન CID ક્રાઈમના એસપી (SP) રોહન આનંદને સોંપાયું છે.
3.૬૦ દિવસનું અલ્ટીમેટમ: આ SIT ને આદેશ કરાયો છે કે આગામી બે મહિનાની અંદર જ આ કસ્ટોડિયલ મર્ડરની સંપૂર્ણ નિષ્પક્ષ તપાસ પૂરી કરી કોર્ટ સમક્ષ ફાઈનલ રિપોર્ટ રજૂ કરવામાં આવે.
4.પીડિત પરિવારને પ્રોટેક્શન: પોલીસ કમિશનરને આદેશ અપાયો છે કે કેસ પાછો ખેંચવા માટે પીડિત પરિવાર પર પોલીસ તરફથી કોઈ ધાક-ધમકી કે દબાણ ન આવે તે માટે તેમને ચોવીસ કલાક સ્પેશિયલ પોલીસ પ્રોટેક્શન પૂરું પાડવામાં આવે.






Total Users : 8528
Total views : 9986
Who's Online : 0