
અહેવાલ-રીતેશ પરમાર(સિનિયર જર્નાલિસ્ટ)
અમદાવાદ/ગાંધીનગર:
ગાંધીનગર જિલ્લાના સાંતેજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા રાંચરડા ગામના સુપ્રસિદ્ધ ‘મંડળી ગરબા’ (Mandli Garba) ગ્રાઉન્ડની બહાર જે શરમજનક અને હિંસક દ્રશ્યો સર્જાયા, તેણે માત્ર ખેલૈયાઓની સુરક્ષા પર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના કાયદો-વ્યવસ્થા અને પોલીસ તંત્રની આબરૂ પર મસમોટો સવાલ ઊભો કરી દીધો છે. હજારો રૂપિયાના મોંઘાદાટ પાસ ખરીદીને પોતાના પરિવાર સાથે ઉત્સવની ખુશીઓ મનાવવા આવેલા નિર્દોષ ખેલૈયાઓ પર ભાડૂતી અને લુખ્ખા બાઉન્સરો ધોકા, લાકડીઓ અને ખુલ્લી તલવારો લઈને તૂટી પડ્યા હતા. આ ઘટનાએ છ કરોડ ગુજરાતીઓની લાગણીને સખત ઠેસ પહોંચાડી છે અને જનતામાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.
પરિવારો પર લાકડી-તલવારોનો હુમલો: આખા ગુજરાત માટે શરમજનક ઘટના
ખેલૈયાઓ કોઈ ભીખ માંગવા નથી જતા, તેઓ આયોજકોના ખિસ્સા ભરવા માટે પોતાના પરસેવાની કમાણી ખર્ચીને મસમોટી રકમના પાસ ખરીદે છે. આ સાંસ્કૃતિક પર્વમાં જ્યારે પરિવારો ઉત્સવ ઉજવવા પહોંચે, ત્યારે તેમના છોકરાઓ અને મહિલાઓની સામે બાઉન્સરો રોડ પર દોડાવી-દોડાવીને પાઇપ અને લાકડીઓ ફટકારે તે કયા પ્રકારની સિક્યુરિટી છે? ખુલ્લી તલવારો લહેરાવીને જે આતંક મચાવવામાં આવ્યો, તેનાથી ગુજરાતની શાંતિપ્રિય અને સુરક્ષિત રાજ્ય તરીકેની છબી વૈશ્વિક સ્તરે ખરડાઈ છે.
પોલીસની ઘોર નિષ્ક્રિયતા: સોશિયલ મીડિયા પર સિંહ, ગ્રાઉન્ડ પર ગાયબ!
આ દુખદ ઘટના બનવા પાછળ સીધેસીધી જવાબદારી સ્થાનિક પોલીસ તંત્રની છે. નવરાત્રિ શરૂ થતા પહેલા અને શરૂઆતના દિવસોમાં ગુજરાત પોલીસ સોશિયલ મીડિયા પર થ્રી-લેયર સુરક્ષા અને સીસીટીવી ઓડિટની મોટી-મોટી વાતો અને રીલ્સ શેર કરીને વાહવાહી લૂંટતી હતી. પરંતુ જ્યારે હજારોની મેદનીવાળા આટલા મોટા વીઆઈપી ગરબા ગ્રાઉન્ડ પર સુરક્ષા આપવાની પ્રાથમિક જવાબદારી આવી, ત્યારે પોલીસનો એક પણ જવાન કે એજન્સીના માણસો ગેટ પર હાજર નહોતા.
પોલીસના આ જ “ભોપાળા” અને ઘોર બેદરકારીના કારણે લુખ્ખા તત્વોને ખુલ્લો દોર મળી ગયો અને નિર્દોષ જનતાને માર ખાવો પડ્યો. જ્યારે મામલો આખો પૂરો થઈ ગયો અને સોશિયલ મીડિયા પર આતંકનો વિડીયો વાયરલ થયો, ત્યારે જઈને પોલીસ કલાકો પછી માત્ર કાગળ પરની કાર્યવાહી કરવા ઘટનાસ્થળે પહોંચી હતી.
ગુજરાતની જનતાની સ્પષ્ટ અને ઉગ્ર માંગ: “આયોજનો તાત્કાલિક રદ કરો, ગ્રાઉન્ડ લોક કરો”
આ કોઈ સામાન્ય ઝઘડો નથી, આ જનતાની સુરક્ષા સાથે થયેલો બહુ મોટો ખીલવાડ છે. છ કરોડ ગુજરાતીઓની દુભાયેલી લાગણીને ન્યાય આપવા માટે જનતા હવે આરપારની લડાઈના મૂડમાં છે અને નીચે મુજબની કડક માંગણીઓ ઉઠાવી રહી છે:
- બાઉન્સરોને તુરંત જેલ ભેગા કરો: વિડીયો અને સીસીટીવી ફૂટેજમાં દેખાતા તમામ હુમલાખોર બાઉન્સરો સામે તાત્કાલિક કડક કલમો હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવે અને તેમને કોઈ પણ સંજોગોમાં જામીન ન મળે તેવી જેલ હવાલે કરવામાં આવે.
- આયોજકો સામે ગુનાહિત કેસ: નફો કમાઈને ખિસ્સા ગરમ કરનારા ગરબા આયોજકો સામે જનતાની સુરક્ષા જોખમમાં મૂકવા બદલ અને ગુનાહિત બેદરકારી દાખવવા બદલ સખત કાયદાકીય કેસ દાખલ થવો જોઈએ.
- ગરબા રદ કરો અને ગ્રાઉન્ડ લોક કરો: જ્યાં ખેલૈયાઓ અને તેમના પરિવારો લોહીલુહાણ થતા હોય, તે ‘મંડળી ગરબા’ના આજના તમામ આયોજનો તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે અને આ ગ્રાઉન્ડને તાત્કાલિક પોલીસ તંત્ર દ્વારા સીલ (લોક) કરવામાં આવે.
- બેદરકાર પોલીસ અધિકારીઓ સામે પગલાં: ગરબા સ્થળે પૂરતો બંદોબસ્ત ન ફાળવીને નિષ્ક્રિય રહેનારા જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પણ ખાતાકીય તપાસ થવી જોઈએ.
જો ગૃહ વિભાગ અને ગુજરાત પોલીસ આવી લુખ્ખાગીરી અને દાદાગીરી સામે દાખલારૂપ એક્શન નહીં લે, તો આગામી દિવસોમાં ગુજરાતની સંસ્કૃતિ ગુંડા તત્વોના હાથમાં ચાલી જશે. જનતાને હવે સોશિયલ મીડિયાના દાવા નહીં, ગ્રાઉન્ડ પર કડક કાયદાનું શાસન અને આયોજકો-બાઉન્સરોની જેલના સળિયા પાછળ સજા જોઈએ છે.








Total Users : 14857
Total views : 17447
Who's Online : 0