
અહેવાલ – રીતેશ પરમાર
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક એવુ મલાઈદાર પોલીસ સ્ટેશન છે કે જ્યાં અધિકારીઓ અને નાના પોલીસકર્મીઓ નોકરી મેળવવા માટે લાખો રૂપિયા ખર્ચો કરી નાખવા તૈયાર હોય છે. આ વાત ત્યાંના સ્થાનિક સૂત્રો જણાવી રહ્યા છે. આ પોલીસ સ્ટેશનની નાની મોટી ગલિયો વિસ્તારોમાં ઠેર ઠેર દેશી -ઇંગલિશ દારૂ, જુગાર, સટ્ટા તેમજ દરેક પ્રકારના માદક પદાર્થોના અડ્ડાઓ ધમ ધમે છે. જયારે અમદાવાદમાં આ તમામ વસ્તુઓ ના મળતી હોય ત્યારે પણ આ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મધરાતે પણ તમને આ તમામ ગેરકાયદેસર વસ્તુઓ મળી શકે છે. પોલીસ માટે આ પોલીસ સ્ટેશન ક્રીમ ગણવામાં આવતો હોય છે. ત્યારે ત્યાંના સ્થાનિક સૂત્રો દ્વારા એક એવી માહિતી મળી રહી છે કે જેમણે સાંભળી આપને પણ જરૂરથી આશ્ચર્ય થશે. એકાદ વર્ષ પહેલા આ મલાઈદાર પોલીસ સ્ટેશનમાં વહીવટદાર તરીકે ફરજ બજાવતા પોલીસકર્મીને PSI તરીકે આ જ પોલીસ સ્ટેશનમાં મુકાતા સ્થાનિક લોકો અને ખુદ પોલીસ પણ જાણે આશ્ચર્યમાં મુકાઈ છે.
અમદાવાદ શહેરના પૂર્વમાં ગેરકાયદેસર પ્રવૃતિઓ માટે એક જાણીતા પોલીસ સ્ટેશનમાં અગાઉ વિવાદિત વહીવટદાર તરીકે ફરજ બજાવી ચૂકેલા પોલીસકર્મીને રાતોરાત જાણે લોટરી લાગી હોય તેમ અચાનક પૂર્વના એજ ક્રીમ પોલીસ સ્ટેશનમાં ડીસ્ટાફ PSI તરીકે મુકાતા સોને પે સુહાગા જેવો ઘાટ ઘડાયો છે. જે તે સમયે જયારે આ PSI પોલીસકર્મી તરીકે ફરજ બજાવતા હતા ત્યારે ક્રીમ પોલીસ સ્ટેશનનાં પીઆઈ એ આ પોલીસકર્મીને વહીવટદાર બનાવી દેતા અસંખ્ય કુખ્યાત બુટલેગરોને મોજ પડી ગઈ હતી. અને ત્યારબાદ આ વહીવટદારે પોલીસ ઇન્સ્પેક્ટરના રાજમાં મસમોટા હપ્તાઓ લઈ ખુલ્લેઆમ વિદેશી દારૂની ગાડીઓ ઉતારવાની પરમિશન આપી હતી. એટલુંજ નહી પણ ઠેર ઠેર જુગારના અડ્ડાઓ ચલાવવાની પરવાનગી પણ આપી હતી. પરિણામ સ્વરૂપે SMC, PCB જેવી ઈમાનદાર એજન્સીઓ દ્વારા ઉપરા છાપરી રેડો કરી સ્થાનિક પોલીસની બુટલેગરો અને જુગારના અડ્ડાઓ ચલાવતા અસામાજિક તત્વોની મિલીભગતની પોલ ખોલી નાખી હતી. જે તે સમયના પોલીસ કમિશ્નરને આ તમામ ગેરકાયદેસર ચાલતી પ્રવૃતિઓની હકીકત જાણવા મળતા તેમણે તાત્કાલિક પૂર્વના મલાઈદાર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી જિલ્લા બહાર કરી હતી.
ત્યારબાદ એક શાંત સ્વભાવના પોલીસ ઈન્સ્પેક્ટરને આ પોલીસ સ્ટેશનનો હવાલો અપાતા તેમણે પણ આ જુના વહીવટદારને ફરી એક વખત તમામ ગેરકાયદેસર અડ્ડાઓ ચલાવવાની પરમિશન સોંપી હતી.અને ફરી થી બુટલેગરો સાથે મેળાપીપણા કરી સમગ્ર વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવુતિઓ કરવાનો પરવાનો આપ્યો હતો. ઉલ્લેખનિય છે કે આ પોલીસકર્મી વહીવટદારને PSI નો પ્રમોશન મળ્યો અને તેમની બદલી અમદાવાદના અન્ય એક એવાજ પોલીસ સ્ટેશનમાં થઈ જ્યાં દારૂ જુગાર અને માદક પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃતિઓ ચાલતી હતી. ત્યાં એકાદ વર્ષ ફરજ બજાવી અને હાલમાંજ થયેલી બદલીઓમાં આ PSI ની બદલી એવા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી કે જ્યાં તે અનેક વખત પોલીસ સ્ટેશનનો વહીવટ કરી ચુક્યા છે. હવે સૂત્રોની વાત કરીએ તો તેમના દ્વારા જાણવા મળી રહ્યું છે કે PSI એ ચાર્જ સંભાળતાની સાથે જ ડીસ્ટાફમાં ફરજ બજાવતા એક પોલીસકર્મીને પોતાના વહીવટદાર તરીકે રાખી સમગ્ર વિસ્તારમાંથી બુટલેગરો પાસેથી હપ્તાઓ ઉઘરાવવાની જવાબદારી સોંપી હતી. પરંતુ PSI ને જેટલાં પૈસા જોઈએ તેટલા પૈસા ના મળતા તેમણે તાત્કાલિક આ પોલીસકર્મીને હટાવી ટ્રાફિકમાં ફરજ બજાવતા પોલીસકર્મીને વહીવટ કરવાની કામગીરી સોંપી દીધી છે.બીજીતરફ સ્થાનિક સૂત્રો જણાવી રહ્યા છે કે આ PSI જે ચોકીમાં ફરજ બજાવી રહ્યા છે ત્યાં સાંજ પડતા ચોકીની બહાર બુટલેગરો સાથે મિટિંગો કરી માસિક હપ્તો નક્કી કરતા હોવાના દ્રશ્યો પણ જોવા મળતા હોય છે.
PSI એ વહીવટ કરવા ટ્રાફિક પોલીસને કામગીરી સોંપી? સૂત્ર

એક સ્થાનિક RTI એક્ટિવિસ્ટ દ્વારા PSI ની ટ્રાન્સફર રદ કરવા ગૃહ, ડીજીપી અને અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નરને લેખિત અરજી કરી છે. RTI એક્ટિવિસ્ટ દ્વારા કરાયેલી અરજીમાં તેમણે લખ્યું છે કે, આ PSI જયારે પોલીસકર્મી તરીકે તેમના રહેણાંક વિસ્તારના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા ત્યારે પોલીસ સ્ટેશનના વહીવટદાર બની સ્થાનિક કુખ્યાત બુટલેગરો સાથે ઘનિષ્ટ સંબંધો રાખી મસમોટા હપ્તાઓ લઈ દેશી-વિદેશી દારૂ અને જુગારના અડ્ડાઓ ચલાવવાની ખુલ્લેઆમ પરમિશન આપીને અમારા વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃતિઓ ધમ ધમાવી હતી. જેથી RTI એક્ટિવિસ્ટ દ્વારા તેમની વિરુદ્ધ અગાઉ પણ અસંખ્ય અરજીઓ કરેલ છે, તેનો ઉલ્લેખ તેમણે PSI ટ્રાન્સફર રદ કરવાની અરજીમાં પણ કરેલ છે. RTI એક્ટિવિસ્ટનું માનવું છે કે જો આ PSI ને ફરી એક વખત આ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવવાની તક આપવામાં આવશે તો આ વિસ્તારના તમામ કુખ્યાત બુટલેગરો અને જુગારના અડ્ડાઓ ચલાવતા સંચાલકો ફરી સક્રિય થશે. જેથી તાત્કાલિક ધોરણે મારી અરજીને ધ્યાનમાં રાખી PSI ને અન્ય પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર આપવામાં આવે.
હવે જોવાનું રહ્યું કે અમદાવાદ શહેરના ઈમાનદાર પોલીસ કમિશ્નરની છવિ ધરાવનાર પોલીસ કમિશ્નર જી એસ મલિક સાહેબ RTI એક્ટિવિસ્ટે કરેલ અરજીના સંદર્ભમાં કેવી રીતના પગલા ભરશે. પરંતુ હાલ સૂત્રો દ્વારા મળી રહેલ માહિતી અનુસાર જો આ PSI ને ડીસ્ટાફ PSI તરીકે રાખવામાં આવશે તો આ વિસ્તારના જુના જાણીતા અને કુખ્યાત બુટલેગરો ફરી એક વખત મેદાનમાં ઉતરશે અને ગેરકાયદેસર રીતે દેશી વિદેશી દારૂની કટિંગ કરશે. જુગારના અડ્ડાઓ ધમ ધમશે. ફરી એક વખત આ વિસ્તારમાં ગુનાખોરી વધશે જેથી કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ બગડે તેવા સંકેત ઉપસ્થિત થયા છે.





Total Users : 25
Total views : 93
Who's Online : 0