
અહેવાલ-રીતેશ પરમાર સિનિયર જર્નાલિસ્ટ)
અમદાવાદ:
ગુજરાત પોલીસ તંત્ર અને તેની પાંખોમાં લાંચ અને હપ્તાખોરીનું દૂષણ જાણે એક કેન્સરની જેમ ફેલાઈ રહ્યું છે, જે પાયાના સુરક્ષા કર્મચારીઓથી લઈને ઉચ્ચ દરજ્જાના અધિકારીઓ સુધી પહોંચી ગયું છે.
તાજેતરમાં અમદાવાદના રખિયાલ-ગોમતીપુર E-ડિવિઝન હોમગાર્ડ યુનિટમાં સામે આવેલા લાંચકાંડે હોમગાર્ડ વિભાગની અંદર ચાલતી ગંભીર ગેરરીતિઓનો પર્દાફાશ કર્યો છે. ટ્રાફિક પોઈન્ટ પર ડ્યૂટી ફાળવવા જેવી પ્રાથમિક બાબતોમાં પણ કર્મચારીઓ પાસેથી જે રીતે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે, તે અત્યંત ચિંતાજનક બાબત છે.
📌 ટ્રાફિક પોઈન્ટની ડ્યૂટી માટે હપ્તાખોરી: બે હોમગાર્ડ ઝડપાયા, ચાર સામે ફરિયાદ:-
અમદાવાદના રખિયાલ-ગોમતીપુર E-ડિવિઝન હોમગાર્ડ યુનિટમાં ટ્રાફિક પોઇન્ટ પર પોતાની ફરજ ચાલુ રાખવા માટે ફરિયાદી હોમગાર્ડ પાસે દર મહિને રૂ. ૧,૦૦૦ લેખે બે મહિનાના રૂ. ૨,૦૦૦ ની લાંચની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદી લાંચ આપવા ન માંગતા હોવાથી તેમણે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) નો સંપર્ક કર્યો હતો.
ACB એ છટકું ગોઠવીને હોમગાર્ડ જવાન હર્ષમય જશવંતભાઈ સૂર્યવંશી અને તુષાર હસમુખ લેઉવાને રૂ. ૨,૦૦૦ ની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ સમગ્ર કાવતરામાં ડિવિઝન કમાન્ડર વિજયભાઈ બી. જાદવ અને પંકજભાઈ લલ્લુભાઈ પરમાર પણ સામેલ હતા, જેના પગલે ગુનાહિત કાવતરા અંતર્ગત કુલ ચાર લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
🔴 મહિલા હોમગાર્ડ્સના શોષણ અને વસૂલાતની ગૂંજ:-
આ કેસ બાદ હોમગાર્ડ વિભાગમાં ચાલી રહેલી આંતરિક હપ્તાખોરીની વરવી વાસ્તવિકતા સામે આવી છે. વિભાગની અંદર એવી પણ વ્યાપક બૂમો ઉઠી રહી છે કે ઇન્ચાર્જ કે બીટ કમાન્ડરો દ્વારા માત્ર પુરુષો જ નહીં, પરંતુ મહિલા હોમગાર્ડસ કર્મચારીઓને પણ નોકરી કે સારા પોઇન્ટ ફાળવવાના બહાને નાણાકીય રીતે હેરાન કરવામાં આવે છે. જો જવાનો આવા કમાન્ડરોની નાણાકીય માંગણીઓ પૂરી ન કરે, તો તેમને ફરજ પરથી દૂર કરવાની કે લાંબી રજા પર ઉતારી દેવાની ધમકીઓ અપાતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે.
🚨 ક્લાસ-૨ અધિકારી પણ ફસાયા: ફેક્ટરી ચાલુ રાખવા PI એ માગ્યું હતું AC અને ₹૪૦,૦૦૦ રોકડા!
પોલીસ તંત્રમાં લાંચની આ બીમારી માત્ર હોમગાર્ડ પૂરતી સીમિત નથી, પરંતુ પીઆઈ (Police Inspector) કક્ષાના અધિકારીઓ પણ તેમાં ગળાડૂબ છે. તાજેતરમાં જ આણંદ જિલ્લાના આંકલાવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ક્લાસ-૨ પોલીસ ઇન્સ્પેક્ટર રાજદીપસિંહ ભગવતસિંહ વનાર ₹૪૦,૦૦૦ની લાંચ લેતા એસીબીના ફંદામાં આવી ગયા હતા.
- શું હતો સમગ્ર મામલો?
એક ફેક્ટરીમાં પ્રદૂષણ ફેલાવવાની ફરિયાદના આધારે PI રાજદીપસિંહ વનારે ફેક્ટરી બંધ કરાવી દેવાની ધમકી આપી હતી. કેસ રફેદફે કરવા માટે તેમણે પહેલા ફરિયાદી પાસે ૧.૫ ટનનું એર કન્ડિશનર (AC) માંગ્યું હતું. ફરિયાદીએ AC આપવાની ના પાડતા, તેમણે અવેજ પેટે ₹૪૦,૦૦૦ રોકડાની માંગણી કરી હતી. ફરિયાદીની અરજીના આધારે આણંદ ACB ની ટીમે પોલીસ સ્ટેશનની અંદર જ PI ની ચેમ્બરમાં ટ્રેપ ગોઠવીને તેમને રંગેહાથ દબોચી લીધા હતા.
📌 ન્યુઝ એનાલિસિસ: રક્ષક જ ભક્ષક બને ત્યારે…
ટ્રાફિક પોઈન્ટ પર ઊભા રહેતા હોમગાર્ડ જવાનથી લઈને પોલીસ સ્ટેશનના વડા એવા PI કક્ષાના અધિકારીઓ સુધી ફેલાયેલું આ ભ્રષ્ટાચારનું નેટવર્ક એ બાબત સાબિત કરે છે કે કાયદાના રક્ષકો જ હવે કાયદાના ભક્ષક બની રહ્યા છે. સામાન્ય જનતા હોય કે પોતાના જ વિભાગના કર્મચારીઓ, દરેક પાસેથી હપ્તા વસૂલવાની માનસિકતા પોલીસ પ્રશાસનની છબીને ધૂળધાણી કરી રહી છે.
ગુજરાત ACB દ્વારા કરવામાં આવી રહેલી આ આકરી કાર્યવાહી સરાહનીય છે, પરંતુ લાંચના આ ‘કેન્સર’ ને મૂળમાંથી નાબૂદ કરવા માટે સમગ્ર પોલીસ પ્રશાસનમાં વ્યાપક સુધારા અને આંતરિક પારદર્શિતા લાવવી અત્યંત અનિવાર્ય બની ગઈ છે.







Total Users : 15971
Total views : 18750
Who's Online : 4