Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

🛑 પત્રકારત્વના નામે કલંક: કઠલાલમાં અનાજના વેપારીને ધમકાવી રૂ. ૪૦,૦૦૦ ની ખંડણી માંગતી ‘બોગસ પત્રકારો’ની ટોળકી ઝડપાઈ!

🛑 પત્રકારત્વના નામે કલંક: કઠલાલમાં અનાજના વેપારીને ધમકાવી રૂ. ૪૦,૦૦૦ ની ખંડણી માંગતી ‘બોગસ પત્રકારો’ની ટોળકી ઝડપાઈ!

Our Visitor

013745
Total Users : 13745
Total views : 16120
Who's Online : 0

🛑 પત્રકારત્વના નામે કલંક: કઠલાલમાં અનાજના વેપારીને ધમકાવી રૂ. ૪૦,૦૦૦ ની ખંડણી માંગતી ‘બોગસ પત્રકારો’ની ટોળકી ઝડપાઈ!

અહેવાલ-રીતેશ પરમાર(સિનિયર જર્નાલિસ્ટ)

ખેડા-કઠલાલ:
લોકશાહીની ચોથી જાગીર ગણાતા પત્રકારત્વને કલંકિત કરતી અને સમગ્ર પત્રકાર જગતને લાલબત્તી સમાન એક ચોંકાવનારી ઘટના ખેડાના કઠલાલમાંથી સામે આવી છે. ન્યૂઝ ચેનલ કે અખબારના નામે સોશિયલ મીડિયામાં રોફ જમાવી, વેપારીઓને ડરાવી-ધમકાવી તોડબાજી કરતી એક શાતિર ટોળકીનો કઠલાલ પોલીસે પર્દાફાશ કર્યો છે. પત્રકાર તરીકેની ખોટી ઓળખ આપી અનાજના વેપારી પાસે રૂ. ૪૦,૦૦૦ ની જબરદસ્તીથી ખંડણી માંગવાના અને વેપારી પર જીવલેણ હુમલો કરવાના ગુનામાં પોલીસે એક મહિલા સહિત બે બોગસ પત્રકારોની ધરપકડ કરી છે, જ્યારે સાત જેટલા ગુનાહિત ઇતિહાસ ધરાવતો મુખ્ય સૂત્રધાર હાલ પોલીસ પકડથી દૂર ભાગતો ફરે છે.

🎥 વીડિયો વાઇરલ કરવાની ધમકી અને વેપારી પર હુમલો

આ ઘટના કોઈ સામાન્ય ગુનો નથી, પરંતુ પત્રકારત્વના ઓઠા હેઠળ ધમકાવીને પૈસા પડાવવાની એક સુનિયોજિત ગુનાહિત ઢબ (Modus Operandi) છે. કઠલાલના મોજે પીઠાઇ ખાતે આવેલી ‘ધ્રુવ ટ્રેડર્સ’ નામની અનાજની દુકાને આ ટોળકી વાદળી રંગની વૈભવી ફિયાટ કારમાં સવાર થઈને આવી પહોંચી હતી. વેપારીને ડરાવવા માટે આરોપીઓએ પોતાની ઓળખ પ્રેસ મીડિયા તરીકે આપી હતી અને ધમકીભર્યા સૂરે જણાવ્યું હતું કે, “તમે ગોડાઉનમાં સરકારી અનાજનો ગેરકાયદેસર વેપાર કરો છો અને તેનો વીડિયો અમારી પાસે છે.”

આ નકલી પત્રકારોએ વેપારીને ખુલ્લી ધમકી આપી હતી કે જો રૂ. ૪૦,૦૦૦ રોકડા નહીં મળે, તો આ વીડિયો વાઇરલ કરી સમાજમાં તેને બદનામ કરી નાખશે અને સમાચાર છાપી દેશે. વેપારીએ જ્યારે આ તોડબાજીનો વિરોધ કર્યો, ત્યારે પત્રકારત્વની ગરિમાને નેવે મૂકીને ત્રણેય આરોપીઓએ વેપારીને લાતો મારી ઢોર માર માર્યો હતો અને શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.

🚔 સ્માર્ટ પોલીસિંગ: ૧૧૨ ની સતર્કતા અને કઠલાલ પોલીસની કડક કાર્યવાહી

ઇજાગ્રસ્ત વેપારીએ તાત્કાલિક ‘૧૧૨ જન રક્ષક પોલીસ વાન’નો સંપર્ક સાધતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. કઠલાલ પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.કે.ગોહીલ અને તેમની ટીમે ઘટનાની ગંભીરતા જોઈ તુરંત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ખેડા-નડીયાદના પોલીસ અધિક્ષક વિજય પટેલ અને નાયબ પોલીસ અધિક્ષક વી.એન.સોલંકીના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ ની કડક કલમો ૧૧૯(૧), ૩૦૮(૨), ૩૫૧(૨) અને ૫૪ હેઠળ ગુનો નોંધી આરોપીઓ પર સકંજો કસ્યો હતો.

તપાસ દરમિયાન ભોપાળું છતું થયું હતું કે પત્રકાર હોવાનો દાવો કરનારા આ આરોપીઓ પાસે સરકાર માન્ય કોઈ જ આઇ.ડી. કાર્ડ નહોતા! પોલીસે ગુનામાં વપરાયેલી ફિયાટ કાર (GJ-01-RF-2913), ૩ મોબાઇલ ફોન, નકલી પ્રેસ આઇડી કાર્ડ અને પ્રેસનું માઇક (બૂમ) સહિત કુલ રૂ. ૨,૧૫,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

👥 મહિલા પત્રકારની સંડોવણી અને ફરાર મુખ્ય આરોપીનો કાળો ઇતિહાસ

આ તોડબાજીના રેકેટમાં અમદાવાદના વસ્ત્રાલ ખાતે રહેતી ૪૨ વર્ષીય મહિલા આરોપી મધુબેન રાજારામ કુરીલ અને ૨૪ વર્ષીય સંજય ઇન્દ્રકેશ પાંડે ની ધરપકડ કરી લેવામાં આવી છે.

પરંતુ, આ સમગ્ર ઘટનાનો સૌથી ચોંકાવનારો પાસું એ છે કે આ ટોળકીનો ત્રીજો સાગરીત અને હાલ ફરાર આરોપી અંકિત મહેશભાઈ વ્યાસ (રહે. નિકોલ, અમદાવાદ) એક રીઢો ગુનેગાર છે. પત્રકારના સ્વાંગમાં ફરતા અંકિત વ્યાસ વિરુદ્ધ ગુજરાતના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં અગાઉથી જ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે:

  • સાંતેજ (ગાંધીનગર) અને કૃષ્ણનગર (અમદાવાદ): પત્રકારના નામે ખંડણી વસૂલવાના ગુના.
  • બોપલ, આનંદનગર, સેટેલાઇટ અને વેજલપુર: અમદાવાદના પોશ વિસ્તારોમાં અગાઉ આચરેલી ૫ જેટલી ચોરીના ગુના.

જ્યારે બીજા પકડાયેલા આરોપી સંજય પાંડે વિરુદ્ધ પણ સાંતેજમાં ખંડણીનો ગુનો નોંધાયેલો છે. આ ગુનાહિત ઇતિહાસ જ સાબિત કરે છે કે આ કોઈ પત્રકારો નથી, પરંતુ મીડિયાના નામે બ્લેકમેઇલિંગનું મોટું નેટવર્ક ચલાવતા રીઢા ગુનેગારો છે.

⚖️ પત્રકાર જગત માટે ચિંતાનો વિષય

આ ઘટના સમાજમાં સચ્ચાઈનો અવાજ ઉઠાવતા સાચા અને પ્રમાણિક પત્રકારો માટે અત્યંત આઘાતજનક અને ચિંતાજનક છે. ચાર ચોપડી ભણીને કે હાથમાં નકલી માઇક પકડીને વેપારીઓને લૂંટવા નીકળતા આવા તત્વો પત્રકારત્વના પવિત્ર વ્યવસાયને કલંક લગાડી રહ્યા છે. હાલ તો કઠલાલ પોલીસે બે આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે અને ફરાર અંકિત વ્યાસને પાતાળમાંથી પણ શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે.


🛑 પત્રકારત્વના નામે કલંક: કઠલાલમાં અનાજના વેપારીને ધમકાવી રૂ. ૪૦,૦૦૦ ની ખંડણી માંગતી ‘બોગસ પત્રકારો’ની ટોળકી ઝડપાઈ!

Related posts

ગુજરાત પોલીસ માટે દુઃખદ સમાચાર, વડોદરામાં બાઈક ઉપર જઈ રહેલા PSI ને અજાણ્યા વાહને ટક્કર મારવાનો મામલો! PSI નું મોત, મૃતક PSI ના પત્ની પણ વડોદરામાં ASI તરીકે ફરજ બજાવે છે

Ritesh Parmar

દિલ્હી -મુંબઈ હવે દુર નથી, એક્સપ્રેસ હાઈવે તૈયાર થવાની કગાર ઉપર, વડોદરાથી દિલ્હી 24 કલાકની જગ્યાએ 12 કલાકમાં પહોંચાશે, વડોદરા અંકલેશ્વર એક્સપ્રેસ વે એપ્રિલમાં શરુ થશે

Ritesh Parmar

ભરૂચ ACB એ છટકુ ગોઠવી વધુ એક લાંચિયા પોલીસને રંગેહાથ ઝડપી પાડ્યો, શહેરમાં એન્ટ્રી ફી ના નામે પૈસા ઉઘરાવતો હતો

Ritesh Parmar

Leave a Comment