


રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમનો મેળો યોજાય છે. જેમાં આશરે 10 થી 15 લાખ લોકો માતા અંબાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. પરંતુ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો પડ્યો હતો. તેમજ હાલ WHO, વૈજ્ઞાનિકો, અને AIMS દ્વારા ત્રીજી લહેરની આશંકા માટે અવારનવાર ચેતવણીઓ આપવામાં આવી રહી છે. જેથી રાજ્યસરકાર દ્વારા કોરોના ગાઇડલાઇન્સ બહાર પાડી તમામ પ્રકારના ધાર્મિક મેળાવડાઓ, મોટી સભાઓ, રેલીઓ, તહેવારો, તેમજ અન્ય તમામ પ્રકારના એવા પ્રસંગો ઉપર રોક લગાવવામાં આવી છે, જ્યાં વધારે સંખ્યામાં ભીડ ભેગી થતી હોય છે.

આ વખતે ભાદરવી પૂનમના મેળામાં અંબાજી ખાતે દર્શનાર્થીઓની મોટી ભીડ ભેગી ના થાય તેને ધ્યાનમાં રાખી ગતરોજ ગૃહવિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરીને ભાદરવી પૂનમના મેળાને તાત્કાલિક અસરે રદ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. તેમ છતાં આજદિન સુધી અંબાજી મંદિર ભક્તો માટે ચાલુ રખાયો છે. ગૃહવિભાગનો આદેશ છતાં અંબાજી મંદિર કોના હુકમથી ખુલ્લુ મુકાયું છે તે જાણી શકાયું નથી. બીજીતરફ મંદિર અને દર્શનાર્થીઓની સુરક્ષા માટે બંદોબસ્તમાં તૈનાત પોલીસ પણ અવઢવમાં મુકાઈ છે. કારણ કે પરિપત્રમાં આદેશ કરાયો છે કે અંબાજી મંદિર ખાતે દર્શન કરવા આવતા તમામ પગપાળા સંઘો તેમજ મોટી સંખ્યામાં આવતા માઇભક્તો માટે મંદિરના દર્શન બંધ કરી દેવામાં આવે.
તો બીજીતરફ પરિપત્રમાં નીચે વિવાદસ્પદ ઉલ્લેખ કરાયો છે કે, જે કોઈ દર્શનાર્થી બાધા કે આખડી માટે આવે એવા દર્શનાર્થીઓને દર્શન કરવા દેવામાં આવે. એકજ પરિપત્રમાં બે હુકમના કારણે મંદિર સંઘઠન અને બંદોબસ્તમાં ફરજ પર હાજર પોલીસ પ્રશાસન પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે. જો ભાદરવી પૂનમનો મેળો રદ કરાયો છે તથા મંદિરને બંધ કરવાનો આદેશ અપાયો છે, તો પછી બાધા આખડી કરવા આવતા દર્શનાર્થીઓને કેવી રીતે રોકી શકાય. આખરે કોના હુકમથી મંદિર ખુલ્લો મુકવો કે બંધ રાખવો એ પ્રશ્ન ઉદભવ્યો છે.
ઉલ્લેખનીય છે કે હાલ અંબાજી મંદિર રાબેતા મુજબ ખુલ્લુ રખાતા ગૃહવિભાગના હુકમનો અનાદર કહી શકાય. તો બાધા આખડીના નામે અંબાજી મંદિરના દર્શન કરવા આવતા માઈ ભક્તોની સંખ્યામાં વધારો થશે તો પછી કોરોનાની ત્રીજી લહેરની સંભાવના ખુબજ વધી જશે.