
સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક મંડળી એટલે કે સુમુલ ડેરી એ સુરત અને તાપી જિલ્લાના અઢી લાખ પશુપાલકોની માં સમાન છે. વર્ષો પૂર્વે સ્વ.મનુકાકા, સ્વ. મગનભાઈ જેવા અનેક સહકારી માંધાતાઓએ ખેડૂત-પશુપાલકોનું વિશાળ હિતને ધ્યાનમાં રાખીને સુમુલના પાયામાં મહત્વનું યોગદાન આપ્યું છે. તેઓએ પોતાના મૂલ્યો, સિધ્ધાંતો, સામાજિક, રાજકીય જીવન ને પદ-પ્રતિષ્ઠા ને ભૂલી ને ભોગ આપ્યો હતો. જેના મીઠા ફળ વર્ષોથી ખેડૂતો, પશુપાલકો અને સહકારી સંસ્થા સાથે સંકળાયેલા લોકો ભોગવી રહ્યા છે, પરંતુ જે ઉદ્દેશ સાથે સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. એ ઉદ્દેશ સિદ્ધ થતો જોવા નથી મળી રહ્યો. કોઈ સહકારી કે ખેડૂત આગેવાન અથવા કોઈ સભાસદ ની વિચારધારા અલગ હોય શકે પરંતુ એ વ્યક્તિ કે સભાસદથી સંસ્થાને લાભ થતો હોય તો એ તરફી વિચારીને એ દિશામાં આગળ વધવું જોઈએ. પરંતુ હાલ જે વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે તે સહકારી સંસ્થાઓ માટે મૃત્યુઘંટ સમાન છે. સુમુલ ડેરી, સુરત ની વાત કરીયે તો, ભૂતકાળમાં હાલના વહીવટકર્તાઓએ જ સંસ્થામાં ગેરવહીવટ મુદ્દે ફરિયાદ કરી હતી. આ મુદ્દે વડાપ્રધાન સુધી ફરિયાદ કરીને રૂપિયા 1100 કરોડના કથિત ગેરવહીવટ ની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, આજે એ જ આક્ષેપ કરનાર કહેવાતા આગેવાનોએ વહીવટકર્તાઓ સાથે બેસીને વહીવટ સુપેરે ચાલી રહ્યો હોવાની વાતો કરી રહ્યા છે.
સુમુલના ડિરેક્ટરોએ પણ જમીનની બાબતમાં આક્ષેપ કર્યા હતા. વિવિધ પ્રોજેક્ટોમાં કરોડો રૂપિયાનો કરેલ ખર્ચ, સુમુલ દાણ ખોટમાં હોવા જેવી અનેક બાબતો માં પશુપાલકો અને સહકારી આગેવાનો દ્વારા રજુઆતો કરવામાં આવી છે તેમ છતાં ભાવ વધારો મળતો નથી. સંસ્થાની વહીવટી બાબતોમાં વારંવાર ફરિયાદ અને રજૂઆત કરવા છતાં યોગ્ય જવાબ આપવામાં આવતા નથી. જે જવાબ આપવામાં આવે છે એ રાજકીય રીતે જવાબ આપવામાં આવે છે. સુમુલ એક ખેડૂતોની હિતની વાત કરવા માટેની જગ્યા છે, પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે આપણી સુમુલ આજે રાજકીય પાર્ટીના કાર્યક્રમોનું સ્થળ બની ગઈ છે. જે સાંપ્રત સમયમાં ખતરાની ઘંટી સમાન છે. અમો દ્વારા યોગ્ય મુદ્દે આરટીઆઇ કે અન્ય વહીવટી બાબતોમાં આવેદનપત્ર કે સંસ્થાના ચેરમેન ને અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.

હાલમાં એક સપ્તાહ પૂર્વે જે ઘટના બની છે. જેમાં આદિવાસી પશુપાલકોએ મોટી સંખ્યામાં સુમુલ ડેરીએ પહોંચી વહીવટ સામે સવાલો ઉઠાવ્યા હતા. જેના પરથી સાબિત થાય છે કે, પશુપાલકોને અન્યાય થાય છે.
સંસ્થા સાથે જોડાયેલ પદાધિકારીઓના સગા વ્હાલા અને માનીતા મળતિયા જ હવે કોન્ટ્રાકટર બની ગયા છે. પેકિંગ હોય, બેગ હોય એવી અનેક વસ્તુઓ માં પણ ગુણવત્તા જળવાતી નથી એવી ચર્ચા સભાસદો માં ઉઠી રહી છે. મહત્વની બાબત એ છે કે, સંમેલનો કે જાહેર કાર્યક્રમોમાં ખુલાસા કરવાથી પશુપાલકોની હિત નહીં જળવાય, પશુપાલકો અને સંસ્થાનું હિત ઇચ્છતા લોકોની વચ્ચે જઈને અથવા ખેડૂત કે સહકારી આગેવાનો સાથે સંવાદ કરવો જોઈએ, કે જેનાથી પશુપાલકો કે સંસ્થા ને ફાયદો થાય. વાર્ષિક અહેવાલમાં દૂધ ઉત્પાદન, વ્યાજ ખર્ચ, પ્રોજેક્ટ ની વિવિધ બાબતો અને ખર્ચાઓ જે બતાવવામાં આવે છે એ ઓડિટ રિપોર્ટમાં અલગ આવે છે. ઉપરાંત વાર્ષિક સાધારણ સભામાં તેનું અલગ મૂલ્યાંકન કરવામાં આવે છે. પશુપાલકો અને નાના ખેડૂતોને સુમુલ પ્રત્યે જે વિશ્વાસ છે એ પ્રતિપાદિત કરવો જોઈએ. ફક્ત પોતાના મળતિયા અને લાભકર્તા લોકોને રોજગારી આપવાના બદલે જે ખરેખર પશુપાલકો અને ખેડૂતો હોય તેવા લોકોના શિક્ષિત પુત્રોને નોકરીમાં પ્રાથમિકતા આપવી જોઈએ.

‘વિના સહકાર નહીં ઉદ્ધાર’ ના સૂત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કરવાની હવે તાતી જરૂરિયાત છે. આપણા સૌની માં સમાન આપણી સુમુલ ડેરીને બચાવીશું તો જ પશુપાલકો અને ખેડૂત મિત્રો નું જીવન ગુજરાન ચાલી શકશે. હજુય નહીં જાગીશું તો ક્યારે જાગીશું..?





Total Users : 107
Total views : 206
Who's Online : 0