
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )
બુટલેગરો રાજસ્થાનથી ઇંગલિશ દારૂ તથા બીયરની બોટલો ભરી લીમખેડા તરફ જઇ રહ્યા હતા
ઇંગ્લીશ દારૂનો જથ્થો લઇ જવા પાયલોટિંગ કરનાર પોલીસ કોન્સ્ટેબલે i10 ગાડી ને પોલીસની ગાડી આગળ ઉભી કરી દઈ ફરજમાં અડચણ ઉભી કરી હતી
બુટલેગરોએ દારૂ ભરેલી બોલેરો ગાડીને પુરપાટ દોડાવી પોલીસની ગાડીને ટક્કર મારી નુકસાન પહોંચાડ્યું હતું
ઝાલોદ પોલીસે ઇંગ્લિશ દારૂ તથા બિયરની કુલ બોટલો નંગ 596 સહિત બોલેરો ગાડી મળી કુલ રૂપિયા 3 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં નાના-મોટા રસ્તાઓ ઉપરથી નિયમિત પણે પર દારૂની હેરાફેરી કરવામાં આવે છે. જે જગ જાહેર બાબત છે. જે પૈકી કેટલાક બુટલેગરો પોલીસના હાથે ઝડપાય છે. જ્યારે મોટા ભાગનો દારૂ હેમખેમ નિયત જગ્યાએ આસાનીથી પહોંચી પણ જતો હોય છે. ગુજરાતમાં દારૂનું વહન કરતા બુટલેગરો સક્રિય છે તે બાબત પણ જાણીતી છે. પરંતુ જ્યારે બુટલેગરોને ખુદ પોલીસ કોન્સ્ટેબલે દ્વારા સાથ સહકાર આપી પરપ્રાંતીય દારૂ પહોચાડવામાં મદદ કરવામાં આવે તે નવાઇની બાબત છે !
પ્રાપ્ત વિગતો અનુસાર, શનિવારના રોજ ત્રણથી સાત વાગ્યાના અરસામાં ધાવડિયા ચેકપોસ્ટથી ઝાલોદ બાયપાસ થઈ મેલાણીયા આઇ.ટી.આઇ,નાનસલાઈ, સાપોઈ,વરોડ થી સારમારીયા વાળા રસ્તે કરંબા ગામ તરફ નંબર ભુંસેલી એક સફેદ કલરની મહિન્દ્રા બોલેરોમાં દારૂ લઇ જવાતો હોવાની બાતમી પોલીસને મળી હતી. ઝાલોદ પોલીસે બાતમીના આધારે જોવા મળેલી ગાડીનો પીછો કર્યો હતો. દરમિયાન આ ગાડીનું પાયલોટીંગ અન્ય એક કાર કરી રહી હોવાનું સ્થળ પર જોવા મળ્યું હતું.
પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવશે તેમ જણાતા એક નંબર વગરની આઇટેન ગાડીમાં પાયલોટિંગ કરી રહેલા વ્યક્તિ દ્વારા પોલીસની ગાડી આગળ પોતાની ગાડી આડી કરી ફરજમાં અડચણ ઉભી કરી હતી. તેમજ ઇંગ્લિશ દારૂ ભરેલ બોલેરો ગાડીના ચાલકે ગાડીને પૂરપાટ અને બેફિકરાઇથી હંકારી પોલીસની ગાડીને ટક્કર મારી નુકસાન કરી ભાગવાની કોશિશ કરી હતી. પરંતુ ઝાલોદ પોલીસે સમય સુચકતા વાપરી દારૂ ભરેલી ગાડી ઝડપી લઇ તેની તલાસી લેતા ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની પેટીઓ નંગ 27 તથા છુટ્ટી બોટલો નંગ 6 જે અલગ-અલગ કંપનીની સીલ બંધ નાની-મોટી ઇંગ્લિશ દારૂ તથા બિયરની કુલ બોટલો નંગ 596 જેની કિંમત રૂ. 1.54 લાખનો દારૂ પકડી પાડ્યો હતો. તેમજ સંજેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ નરસીંગભાઈ નીનામાના ઓએ દારુનો જથ્થો લઇ જવા માટે મદદ કરવા નંબર વગરની આઈ ટેન ગાડીમાં પાયલોટિંગ કરી બુટલેગરોને ભગાડવાની કોશિશ કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. સમગ્ર કામગીરીમાં કુલ રૂ. 3 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ઝડપાયેલો દારૂ રાજસ્થાનના ભિલકુવા ઠેકા ઉપર થી ભરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. તેમજ આ દારૂનું વહન કરતા રોહિત કુમાર દિનેશભાઈ રાવત (રહે- મોટા હાથીધરા,નિશાળ ફળિયુ તાલુકો, લીમખેડા) તથા બીજો આરોપી પીન્ટુ ઉર્ફે નીતિનભાઈ રયલાભાઈ (રહે-ધામણબારી.તાલુકો, સિંગવડ,જિલ્લો.દાહોદ)ના હોવાનું જાણવા મળે છે. જ્યારે દારૂને સહી સલામત જગ્યાએ પહોંચાડવા પાયલોટિંગ કરનાર સંજેલી પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પ્રકાશભાઈ નારસિંગ ભાઈ નીનામા હાલ સંજેલી પોલીસ સ્ટેશનમાં નોકરી કરે છે. પોલીસે આ તમામ સામે કાયદેસરનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.





Total Users : 113
Total views : 214
Who's Online : 0