આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનું દારૂબંધીને લઈ સ્ફોટક નિવેદન હાલ તો સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેંદ્ર બન્યું છે. ચૈતર વસાવાએ કહ્યું કે, ઈન્જેકશન વાળો દેશી દારૂ તેમજ ડી ક્વોલિટીનો ઇંગલિશ દારૂ વેચવામાં આવે છે અને યુવાધનને ખલાસ કરવામા આવી રહ્યો છે.અંકલેશ્વર ઇન્ડિયા ગઠબંધન કાર્યાલય પરથી AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચ જિલ્લામાં દેશી દારૂ ઇન્જેક્શનવાળો અને ડી ક્વોલીટીનો ઇંગ્લિશ દારૂ ખુલ્લેઆમ વેચાય છે નું નિવેદન આપ્યું હતું.
સાથે જ તેઓએ ભરૂચના યુવાનો તેમને દારૂના અડ્ડા પર પોલીસ હપ્તા લેવા જતી હોવાના આપી ગયેલા 35 વિડીયો પણ શેર કર્યા હતા. વધુમાં ભરૂચ જિલ્લા પોલીસ અને રાજ્ય સરકારને પણ હપ્તાનો એક હિસ્સો મળતો હોવાના ગંભીર આક્ષેપો લગાવ્યા હતા.
આ સમગ્ર મામલે ભરૂચના એસપી મયુર ચાવડાને રજુઆત કરવામાં આવતા તેમણે DYSP સી કે પટેલને તથ્ય તપાસવા પ્રાથમિક તપાસ સોંપી દીધી છે. જો કોઈપણ પોલીસની સંડોવણી જણાઈ આવશે તો તેમની સામે અસરકારક કાર્યવાહી કરવામાં આવશે.
ખુલ્લેઆમ દારૂના વેચાણ તેમજ દારૂના અડ્ડાઓથી ખુદ પોલીસ હપ્તા ઉઘરાવતી હોવાના ઘણા બધા વીડિયો ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પાસે પહોંચતા પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઉભા થયા છે કે શું પોલીસની હપ્તાખોરીને કારણે દારૂનું વેચાણ થઇ રહ્યું છે. શું પોલીસ અને બુટલેગરની મિલિભગતથી ખુલ્લેઆમ દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે.જે દારૂના અડ્ડા સામાન્ય લોકોને પણ ખબર હોય તેનાથી પોલીસ કેવીરીતે અજાણ હોઇ શકે. પોલીસની મિલિભગત વિના ગુજરાતમાં આ પ્રકારના દ્રશ્યો સંભવ જ નથી.
LCB, SOG અને બી ડિવિઝનના પોલીસ અધિકારીઓ હપ્તા લેતા ફૂટેજ હોવાનો MLA નો આક્ષેપ છે.
દારૂબંધીના નામે કરોડોનો ખર્ચો તેમ છતાં બુટલેગરો સાથે અમુક ભ્રષ્ટ પોલીસઅધિકારીઓ/કર્મીઓની મિલીભગત દારૂબંધીના ધજાગરા ઉડાડી રહ્યા છે.
યુવા અને લડાયક નેતા ચૈતર વસાવાએ આક્રોશ સાથે કહ્યું હતું કે ગાંધીના ગુજરાતમાં મોટા મોટા ફાંકા ફોજદારી કરનારી સરકાર અને પોલીસ તંત્ર જો આ ઠેકા અને હપ્તાખોરી કરનાર પર કાર્યવાહી નહિ કરે તો સાત દિવસ બાદ જનતા રેડ કરીશુ.
ભરૂચ જિલ્લામાં મોટા પાયે ઇંગ્લિશ અને દેશી દારૂના ઠેકા ઉચ્ચ અધિકારીઓ અને ભાજપના કમલમ સુધી એક હિસ્સો જતો હોય તો જ આટલા મોટા પ્રમાણમાં ચાલે તેવા નિવેદન સાથે AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ દારૂના ઠેકા પરથી હપ્તા લેતી પોલીસના 35 વિડીયો જારી કરી ખળભળાટ મચાવી દીધો છે.
AAP આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિદેશી અને દેશી દારૂ મુદ્દે એક મોટો ખુલાસો કર્યો છે. ભરૂચ શહેરના કેટલાક યુવાનોએ તેમની સમક્ષ આવીને ફરિયાદ કરી છે કે, ભરૂચ શહેરમાં ખુલ્લેઆમ ડી ક્વોલિટીનો ઇંગ્લિશ દારૂ વેચાય છે અને દેશી દારૂને કેમિકલવાળા ઇન્જેક્શનો દ્વારા તૈયાર કરીને દેશી દારૂ વેચાય છે.
દારુબંધીને નિષ્ફળ બનાવવા માટે પોલીસની હપ્તાખોરી જ જવાબદાર છે. અને ક્યાંકને ક્યાંક ગૃહખાતા તથા સરકારથી પણ કાચું કપાઈ જાય છે. જેના લીધે પોલીસ આટલી હદે હપ્તાખોરી કરી બુટલેગરોને સાચવી રહી છે. પોલીસની મીઠી નજર હેઠળ જ અહીંયા બુટલેગરરાજ વિકાસ પામ્યું છે. બુટલેગરો પોલીસની ઈમાનદારી જાળવી રાખવા માટે મોઢે માંગ્યા હપ્તા આપતા હતા અને આપી રહ્યા છે અને આપતા રહેશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે.
આ મલાઈ માણવામાં માત્ર પોલીસખાતું જ નહિ ગૃહખાતું પણ તેમાં સામેલ છે તેવા આક્ષેપો ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યા છે.
પણ કમનસીબે ગૃહખાતું કહેવાતા કમિશનની રચના કરી ભૂલકણી પ્રજાને ભૂલાવી દે છે અને પોલીસ ઈન્સ્પેકટર કક્ષાના અધિકારીઓને સસ્પેન્ડ કરી કડક કાર્યવાહીનું નાટક પણ ભજવે છે, માટે આપણને માત્ર પોલીસનો વાંક જ દેખાય છે.
અને આપણી ગુજરાતની જનતા પણ હવે દારૂબંધી વિશે ખુલ્લીને બોલવા લાગી છે, કે આમ ચોરી-છૂપીથી ગુજરાતમાં કરોડોનો દારૂ બનાવાય છે, વેંચાય અને પીવાય પણ છે, તો શા માટે દારૂબંધીના કાયદા જેવા નાટકો કરવા? તેવા અનેક સવાલો ગુજરાતના જાગૃત લોકોના મનમાં ઉઠવા પામ્યા છે.