
વડોદરામાં દુષ્કર્મનો ભોગ બનેલી મહિલા જ્યોતિષ પાસેથી મહિલા પીએસઆઈએ 1.50 લાખનો તોડ કર્યાનો આક્ષેપ થયો છે. પીડિત મહિલાએ પોલીસ કમિશનર અને ACBમાં પુરાવા સાથે ફરિયાદ કરી કે, માંજલપુર પોલીસ સ્ટેશનના મહિલા PSI રસિકા ચુડાસમાએ તેની પાસેથી રૂપિયા લીધા છે.
પીડિતાએ જણાવ્યું કે, તે પશ્ચિમ બંગાળમાં રહેતા પ્રણવ ઉર્ફે રાહુલ મંડલ નામના શખ્સના સંપર્કમાં આવી હતી. પીડિત મહિલા આરોપી સાથે એસ્ટ્રોલોજિસ્ટના ઓનલાઈન ક્લાસ મારફતે સંપર્કમાં આવી હતી. તેણે મારી સાથે અવારનવાર લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહિ, હવસખોર આરોપીએ જ્યોતિષ મહિલાની બે સગીર પુત્રીઓ સાથે પણ ખરાબ કૃત્ય કર્યું હતું. આરોપી પ્રણવ ઉર્ફે રાહુલ મંડલે પીડિત મહિલાના અંગત પળના ફોટો વીડિયો પણ વાયરલ કર્યા હતા.
આ બાદ પીડિતાએ પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી હતી. આરોપીને પકડવા પશ્ચિમ બંગાળ જવા માટે પીડિતાએ પોલીસને ફલાઇટની ટીકીટ બુક કરી આપી. મહિલાએ પોતાના દાગીના વેચીને પોલીસને દોઢ લાખ આપ્યાનો મહિલાએ દાવો કર્યો છે. જોકે, બીજી તરફ પોલીસ આરોપી પ્રણવ ઉર્ફે રાહુલ મંડલને પકડી લાવી, પરંતુ આરોપી 9 દિવસમાં જ જામીન પર છૂટી ગયો હતો. જેથી માંજલપુર પોલીસ આરોપીને બચાવતી હોવાનો મહિલાએ આરોપ મૂક્યો છે. પીડિત મહિલાએ કહ્યું કે, માંજલપુર પોલીસે આરોપીને બચાવ્યો છે.

તોડકાંડ મામલે પીડિતાએ કોલ ડિટેલ્સ અને મેસેજ આધારે પોલીસ કમિશનર અને ACBને ફરિયાદ કરી છે. સાથે જ પોલીસે યોગ્ય કલમ ના લગાવતા આરોપી જામીન છૂટી ગયો હોવાની પીડિત મહિલાએ રજૂઆત કરી છે. મહિલાની ફરિયાદના આધારે પોલીસ કમિશનરે ડીસીપી લીના પાટીલને તપાસ સોંપી તાત્કાલિક રિપોર્ટ માંગ્યો છે. આરોપીઓનો કેસ માંજલપુર પોલીસ સ્ટેશનના પૂર્વ PI પાંડોરના સગા સંબંધીએ જ લડ્યો હતો.