અમદાવાદ પોલીસ કમિશ્નર નો કડક આદેશ! 6 વર્ષથી એકજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને બદલી વાળી જગ્યાએ 12 કલાક માં છુટા કરવામાં આવે
અહેવાલ – ટાઈમ્સ ઓફ અમદાવાદ
અમદાવાદ શહેરમાં જ્યારથી પોલીસ કમિશ્નર તરીકે જી એસ મલિક સાહેબે ચાર્જ સંભાળ્યો છે ત્યારથી પોલીસ તંત્રમાં સતત બદલીઓ અને ફેરફાર કરવામાં આવી રહ્યા છે. પ્રજાના હિતકારી અને ઈમાનદાર પોલીસ કમિશ્નર તરીકે ની છાપ ધરાવતા જી એસ મલિક દ્વારા અમદાવાદમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓને ડામી દેવા અવનવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં મહત્તમ સફળતા તો મળી છે પરંતુ સંપૂર્ણ રીતે કાબુ મેળવી સકાયો નથી. જો સૂત્રો ની વાત કરીએ તો આની પાછળ ક્યાંકને ક્યાંક અમુક જુના પોલીસકર્મીઓ કે જે એકજ પોલીસ સ્ટેશનમાં 6 કે તેનાથી વધુ વર્ષ સુધી એકજ પોલીસ સ્ટેશનમાં અડિંગો જમાવીને બેઠા હતા.
દારૂ જુગાર જેવી અસામાજિક પ્રવૃતિઓ ચલાવતા બુટલેગરો સાથે આડકતરી રીતે સાંઠ-ગાંઠ કરી અમુક જુના જોગીઓ એટલે કે એકજ પોલીસ સ્ટેશનમાં ઘણા વર્ષો સુધી ફરજ બજાવતા પોલીસકર્મીઓ પૈસા કમાવવાની લાલચમાં કાયદાને ઘોળી પી રહ્યા હતા. આવા પોલીસકર્મીઓની બદલી થોડા દિવસો અગાઉ કરવામાં આવી હતી . પરંતુ બદલી થઈ જવા તેમ છતાં આજદિન સુધી પણ તેઓને છુટા કરવામાં આવ્યા નથી. આ બાબત અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જી એસ મલિક સાહેબના ધ્યાનમાં આવતા આજરોજ એક પરિપત્ર બહાર પાડી બદલી કરાયેલા પોલીસકર્મીઓને 12 કલાકમાં છુટા કરવાનો ફરમાન કરાયો છે.
આપને જણાવી દઈએ કે એકજ પોલીસ સ્ટેશનમાં અડિંગો જમાવીને બેઠેલા પોલીસકર્મીઓ પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ વાકેફ હોવાના કારણે કાયદા ની પરવાહ કર્યા વગર બુટલેગરો સાથે ઘરોબો ધરાવી ખુલ્લેઆમ દારૂ જુગારના અડ્ડાઓ ચલાવવાની છૂટ આપતાં હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે બુટલેગરો અને જુગારના સંચાલકો બેફામ બની ગયા હતા. અને પોલીસ કે કાયદાનો ડર રાખ્યા વગર અસામાજિક પ્રવૃતિઓ આચરી રહ્યા હતા. જેના લીધે અમદાવાદનો યુવાધન પણ બરબાદી તરફ ધકેલાયો હતો. આ સંદર્ભમાં ઘણા સામાજિક સંગઠનો અને આગેવાનો દ્વારા આવા તોડફાડિયા પોલીસકર્મીઓ અને વહીવટદારો વિરૃદ્ધ અનેક વખત પોલીસ તંત્રમાં મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવી રહી હતી. જેની નોંધ અમદાવાદ પોલીસ કમિશ્નર જી એસ મલિક સાહેબે લીધી છે તેવું વિશ્વસનિય સૂત્રો જણાવી રહ્યા છે. આવા પોલીસ કર્મચારીઓની તાત્કાલિક અસરથી બદલી કરી અમદાવાદ પોલીસ કમિશ્નરે પોલીસ તંત્ર અને અમદાવાદના નાગરીકો માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે તેવું પણ સૂત્રો જણાવી રહ્યા છે. બદલીઓ પાછળનો સત્ય કંઈપણ હોય પણ પોલીસ કમિશ્નર શ્રી જી એસ મલીકનો આ કડક નિર્ણય પ્રજાહીત માટે અને પોલીસતંત્રની છબી સુધારવા માટેનો અતિ મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવી રહ્યો છે. આ નિર્ણય ના લીધે અમદાવાદ શહેરમાં ચાલતી અસામાજિક પ્રવૃતિઓ ઉપર નિયંત્રણ મેળવી પ્રજાહિત માટે ખુબજ ઉપયોગી સાબિત થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
2 comments