સુરત :11/11/23
સુરત રેલવે સ્ટેશન પર ભાગદોડ ની ઘટના બની હતી. હજારોની સંખ્યામાં પ્રવાસીઓએ ટ્રેનમાં બેસવા માટે ભાગદોડ સાથે ધક્કા મૂકી કરી હતી. વધુ પડતી ભીડના ઘસારાના કારણે એક યાત્રીને હાર્ટએટેક આવતા તેનું મોત નીપજ્યું હતું. ત્યારે કેટલાક મુસાફરો બેભાન થઈને જમીન ઉપર ઢળી પડ્યા હતા. જેમણે સુરતની સ્મિમેર હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આ ઘટનાની જાણ થતા રાજ્યના રેલ મંત્રી દર્શનાબેન જરદોશ પણ તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા.
આ ઘટના બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના લડાયક અને ઝૂઝારું નેતા તેમજ દક્ષિણ ગુજરાતના ખેડૂત આગેવાન શ્રી દર્શન નાયકે નાગરિકોની ચિંતા વ્યક્ત કરતા રાજ્ય સરકારના વિકાસના દાવાઓનો જોરદાર વિરોધ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સુરત રેલ્વે સ્ટેશન પર યાત્રીઓ માટે સુવિધાઓનો ઘણો અભાવ છે. અપૂરતી ટ્રેનોના લીધે દર વર્ષે આવી ભાગદોડની ઘટનાઓ બનતી હોય છે તેમ છતાં રાજ્ય સરકારને આ ઘટનાઓ ધ્યાનમાં આવતી નથી. ત્યારે બીજીતરફ આ બનાવ બાદ સુરત રેલવે સ્ટેશન ઉપર સુરક્ષા વધારી દેવામાં આવી છે. દિવાળીના તહેવાર સમયે આવી ઘટના બની હોય તે આ કોઈ પ્રથમ કિસ્સો નથી. પરપ્રાંતીઓ રોજગાર માટે બહારગામ થી આવી સુરતમાં રહી મજૂરી કરતા હોય છે. અને દિવાળીના તહેવારે કે કોઈ અન્ય તહેવાર ટાણે પોતાના વતનમાં જતા હોય છે. પરંતુ રેલવે સ્ટેશનથી પરપ્રાંતીયોને પોતાના વતન જવા માટે પૂરતી ટ્રેનોની વ્યવસ્થા નથી મળતી. જેના લીધે દર વર્ષે સુરત રેલ્વે સ્ટેશન ઉપર લાખોની સંખ્યામાં મુસાફરોનો ઘસારો જોવા મળે છે. તહેવારની ઉજવણી કરવા પોતાના વતન તરફ જતી ટ્રેનમાં બેસવા પરપ્રાંતિય યાત્રીઓ પડાપડી અને ભાગદોડ કરે છે. જેના લીધે યાત્રીઓમાં ભાગદોડ મચી જાય છે. અને પરિણામ સ્વરૂપ આવી ઘટનાઓ બનતી હોય છે.
દર્શન નાયકે ગુજરાતની રાજ્ય સરકાર ઉપર આક્ષેપ અને વિરોધ કરતા જણાવ્યું હતું કે, સુરત માં છેલ્લા ૪૫ વર્ષ કરતા વધુ સમય થી સાંસદ, ગુજરાત માં ૨૭ વર્ષ કરતા વધુ સમય અને કેન્દ્રમાં ૯ વર્ષ કરતા વધુ સમય થી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવા છતાં સુરત રેલ્વે સ્ટેશન સુવિધાઓ અને જરૂરિયાત મુજબ પૂરતી ટ્રેનો માટે ઝઝુમી રહ્યું છે. “સૌનો સાથ સૌ નો વિકાસ” ની વાતો કરતી સરકાર લોકોની લાગણીઓનો ઉપયોગ માત્ર મતો મેળવવા માટે જ કરતી આવી હોય એવું લાગી રહ્યું છે,સમગ્ર દેશના અનેક રાજ્યના લોકો સુરતમાં રોજગારી માટે વસતા હોવાથી સુરત રેલ્વે સ્ટેશન ને સ્માર્ટ બનાવવાની જાહેર તો થઈ પરંતુ સામાન્ય મુસાફરો માટે સતત નિરીક્ષણ કરી જે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની હોય તે સુવિધાઓ સરકાર દ્વારા પૂરતી ઉપલબ્ધ કરી અપાઈ નથી.મીની ભારત તરીકે ઓળખાતા સુરત માંથી તહેવારો દરમ્યાન જ્યારે સામાન્ય મુસાફરો ને પોતાના વતન જવા માટે પૂરતી ટ્રેન ની જરૂર હોય છે,તે હકીકત થી વાકેફ હોવા છતાં સરકાર દ્વારા કેમ કોઈ સ્પેશિયલ ટ્રેન શરૂ ન કરવામાં આવી.
છેલ્લા કેટલાય વર્ષો થી સુરત રેલ્વે સ્ટેશન ખાતે તહેવારોમાં આવી સ્થિતિ સર્જાઈ રહી છે .જેને કારણે હજારો મુસાફરો એ તકલીફ નો સામનો કરવો પડી રહ્યો છે. આજરોજ રેલવે વિભાગની બેદરકારીને કારણે એક યાત્રીનું દુઃખદ નિધન થયું છે આવી ઘટના વારંવાર ના બને અને કોઈ પરિવારે પોતાનું સ્વજન ગુમાવવાનો વારો ના આવે તે માટે સરકારે અને રેલવે વિભાગે સદર બાબતે વિચાર કરવો જોઈએ અને સુરતમાંથી વતન જતા સામાન્ય મુસાફરો ને તકલીફનો સામનો ન કરવો પડે એવી યોગ્ય વ્યવસ્થા રેલ્વે વિભાગે કરી આપવી જોઈએ.