


અમદાવાદના ઓઢવ ખાતે ઓઢવ પોલીસ સ્ટેશન દ્વારા સિંગરવા પોલીસ ચીકીની પાછળ આવેલા વૃદ્ધાશ્રમ ખાતે વડીલ ગોષ્ઠી કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઓઢવ પોલીસ સ્ટેશનની હદ માં આવતી જુદી જુદી સોસાયટીના વડીલોએ ભાગ લીધો હતો.પોલીસ દ્વારા સિનિયર સીટીઝન લોકોની સ્વાસ્થ્યની ચિંતા કરી એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યો હતો. જેમાં નાક, કાન, ગળાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો તેમજ જનરલ ફિજિશીયન, આંખોની તપાસ, તેમજ ઈસીજી વગેરે કરી વયોવૃદ્ધ દાદા, દાદીઓની રીપોર્ટ કરી તેમની સારવાર કરી હતી. તેમજ તેમના સ્વાસ્થ્યને લગતી જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ઓઢવ પોલીસ દ્વારા આયોજિત કરાયેલા આ સફળ કાર્યક્રમમાં મેડિકલ કેમ્પ સહીત વૃદ્ધાશ્રમના લોકો માટે તેમજ અરસ પરસની સોસાયટીના સિનિયર સીટીઝન વડીલો માટે, ડીજે મ્યુઝિક સિસ્ટમની વ્યવ્યસ્થા કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે વૃદ્ધ વડીલો સાથે ડીજેના તાલે ગરબા અને અંતાક્ષરી રમ્યા હતા. અને પછી તમામ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ શુભ પ્રસંગે અમદાવાદ ઝોન 5 ના ડીસીપી બળદેવ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમને સંપૂર્ણ રીતે સફળ બનાવવા માટે ઓઢવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે. બી. અગ્રાવતે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ડીસીપી ઝોન 5 બળદેવ દેસાઈના હસ્તે તમામ હાજર વડીલોને ભાગવત ગીતા પુસ્તક ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. પોલીસના માનવીય અભિગમ અને સેવાભાવી કાર્યથી વૃદ્ધાશ્રમના દાદા, દાદીઓ તેમજ કાર્યક્રમમાં હાજર સિનિયર સીટીઝન લોકોમાં એક અલગ જ ખુશી અને આનંદની લાગણી જોવા મળી હતી. તો બીજીતરફ ઓઢવ પોલીસે પણ આ સફળ આયોજન કરી વૃદ્ધ, વડીલોના સ્વાસ્થ્યની કાળજી રાખી મેડિકલ કેમ્પનું આયોજન કરી તેમને ભોજન કરાવી તેમજ ભાગવત ગીતા પુસ્તક ભેટ સ્વરૂપે આપી ધન્યતા અનુભવી હતી.