


ક્રાઇમબ્રાન્ચ પોલીસે કિશોરીને શોધી કાઢી
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )
સુરતના અડાજણ પાલ રોડના રાજહંસ રેસિડેન્સી નજીકથી એક કિશોરીને રીક્ષા ચાલક ઉપાડીને સ્ટેશન તરફ લઈ ગયો હોવાનું ઓડિયો મેસેજ વાઇરલ થયા બાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી. દરમિયાન પોલીસે ગણતરીની કલાકોમાં કિશોરીને શોધી કાઢી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આજે અંગ્રેજીની પરિક્ષા ન આપવી હોવાથી કિશોરીએ પોતાના જ અપહરણનું નાટક રચી ઓડિયો વાઇરલ કર્યો હતો.
કિશોરી ઘરેથી સ્ટેશનરી લેવા જવાનું કહીને નીકળી હતી
મળતી માહિતી પ્રમાણે, અડાજણ-પાલ વિસ્તારમાં રહેતી 14 વર્ષીય કિશોરી આજ રોજ સવારે 11 કલાકે ઘરેથી સ્ટેશનરી લેવા જવાનું કહીને નીકળી હતી. ત્યારબાદ પરત ફરી ન હતી. તેના ઓડિયો મેસેજ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા. જેને લઈ પરિવાર ચિંતિત હતું. પોલીસ અધિકારીઓએ પણ ઘટના સ્થળની મુલાકાત લઈ તપાસ હાથ ધરી હતી. તપાસ ઝડપથી થાય અને દીકરી ઝડપથી સુરક્ષિત ઘરે પાછી આવે તે માટેના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.
કિશોરી સ્વામીનારાયણ મંદિર પાસેથી મળી આવી
14 વર્ષીય કિશોરી સ્વામીનારાયણ મંદિર પાસેથી ક્રાઈમ બ્રાન્ચે શોધી અડાજણ પોલીસને સોંપી દીધી છે. આજે અંગ્રેજીની પરિક્ષા ન આપવી હોવાથી કિશોરીએ પોતાના જ અપહરણનું નાટક રચી ઓડિયો વાઇરલ કર્યો હોવાનું સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ મોબાઈલ લોકેશન ટ્રેસ કરી કિશોરીને શોધી હોવાનું હાલ જાણવા મળ્યું છે.