


રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )
* યુવાને ₹10 ના આપ્યા તો પાડોશીએ ધારીયું મારી હત્યા કરી નાખી
* હત્યારા ફરાર પાડોશીને ઝડપી પાડવા સી ડિવિઝને તપાસ હાથ ધરી
* જોકે હત્યારો ઝડપાયા બાદ જ હકીકત બહાર આવશે કે તેને 10 રૂપિયા શેના માટે જોઈતા હતા
* શહેરના મકતમપુર બોરભાઠા બેટ વિસ્તારની ઘટનાએ લોકોને આઘાતમાં નાખ્યા
કોઈ માત્ર 10 રૂપિયા માટે કોઈનો જીવ કેવી રીતે લઈ શકે. ભરૂચમાં માત્ર 10 રૂપિયા નહિ આપવામાં આવતા પાડોશીને યુવાને ધારીયા મારી મોતને ઘાટ ઉતારી દીધો હોવાની ચોંકાવનારી ઘટના ઘટી છે, જેનાથી સૌ કોઈને અચરજમાં મૂકી વિચારતા કરી દીધા છે.

આજે મોંઘવારીના યુગમાં ₹10 ની કોઈ કિમત રહી નથી. 10 રૂપિયા માટે કોઈ વ્યકિતની હત્યા થાય તે વાત કોઈ માની શકે નહિ. એક દસ રૂપિયા માટે માનવીનો જીવ લેવાનો કિસ્સો ભરૂચ શહેરના મક્તમપુર બોરભાઠા બેટ વિસ્તારમાંથી બહાર આવ્યો છે. માત્ર 10 રૂપિયા જેવી મામૂલી રકમ માટે એક યુવકની હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવતા ખલબલી મચી ગઇ છે. મૃતક યુવાને તેની પાડોશમાં જ રહેતા વ્યકિતને 10 રૂપિયા આપવાનો ઈન્કાર કરતા ઉશ્કેરાયેલા પાડોશીએ ધારિયાનો ઘા મારી હત્યા નિપજાવ્યાની ઘટના પ્રકાશમાં આવી છે.
મકતમપૂર બોરભાઠા બેટ વિસ્તારમાં આવેલ ટેકરા ફળિયામાં રહેતા 45 વર્ષીય સતપાલસિંગ રાઠોડ આજે સવારના સમયે તેમના ઘર પાસે આવેલ ઝાડ પાસે બેઠા હતા. તેમની પાડોશમાં રહેતા દેવન વસાવાએ તેઓને માથાના ભાગે ધારિયાના ઘા મારી દેતા તેઓ લોહી લુહાણ થઈ ઢળી પડ્યા હતા. સ્થાનિકોને આ અંગેની જાણ થતાં તેઓ દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત સતપાલસિંગને ખાનગી વાહનમાં સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જો કે સારવાર મળે એ પૂર્વે જ તેઓનું મોત નીપજયું હતું.
આરોપી દેવેન વસાવાએ મૃતક પાસે 10 રૂપિયાની માગણી કરી હતી. જે ભોગ બનનારે આપવાનો ઈન્કાર કરતા ઉશ્કેરાઈને હત્યા નિપજાવી હતી. બનાવના પગલે સી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.