
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )
દારુના નશામાં ચકચૂર યુવાનો ના કરવાનું કરી બેસતા હોય છે. ત્યારે સુરતમાં પણ કંઈક આવા જ દ્રશ્યો સામે આવ્યા છે. અહીં એક યુવાને એટલો ચિક્કાર દારુ પી લીધો કે તેને પોતાના પર કોઈ જ કાબુ ના રહ્યો અને તે નેશનલ હાઈવે પર રસ્તાની વચ્ચોવચ બિન્દાસ્ત આંટા મારતો રહ્યો અને ગાડીઓને રોકી તેના બોનેટ પર ચઢી ભારે આતંક મચાવ્યો.
શહેરના કિમ-પીપોદરા હાઈવે પર નશામાં ધૂત યુવાને ભારે હંગામો મચાવ્યો હતો.
જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કિમ-પીપોદરા હાઈવે પર નશામાં ધૂત થયેલા યુવકના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, દારૂ પીધેલી હાલતમાં યુવક હાઇવે ઉપર પહોંચ્યો હતો.
યુવક હાઇ વે ઉપર જઈને ગાડીની સામે ઉભો રહી ગયો હતો અને વાહનોને રોકવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તો યુવક એક ગાડીના બોનેટ પર ચઢી ગયો હતો. તો ગાડી ઉપર કૂદવાનું શરૂ કરી દેતો હતો. જેના કારણે ટ્રાફિક જામ થયો હતો. વાહનચાલકો કોઈ સમજી શકે તેવી સ્થિતિ ન હતી યુવકનું વર્તને પ્રકારનું હતું કે, તમામ વાહન ચાલકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. યુવકની આ હરકતથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
જોકે ત્યારબાદ કેટલાક વાહન ચાલકોએ યુવકની આ હરકતથી કંટાળી તેને અહીંથી હટાવવા બરાબરનો મેથીપાક પણ ચખાડ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ વાયરલ થયો છે.