
રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )
અમદાવાદના બોપલ વિસ્તારમાં શાકભાજી ખરીદવા નિકળેલી મહિલાના ગળામાં રહેલો દુપટ્ટો ખેંચ્યા બાદ બિભસ્ત શબ્દો બોલનાર ત્રણ શખસે મહિલાનો પીછો કરી મહિલાને આંતરી તેના ચહેરા પર એસીડ છાંટવાની ધમકી આપવાના કેસમાં કોર્ટે ત્રણ આરોપીને જેલ અને દંડની સજા ફટકારી છે.સરકારી વકિલે રજુ કરેલી ધારદાર રજુઆતો,પુરાવા અને કેસના ફરિયાદી મહિલા તથા સાહેદોના નિવેદનોના આધાર પર કોર્ટે ત્રણ આરોપીને કસુરવાર ઠેરવ્યા હતા.બીજા એડી.જ્યુ. મેજીસ્ટ્રેટ ત્રુપ્તિબેન અમ્રુતલાત ભાડજાની કોર્ટે હુકમ કર્યો હતો.
આ કેસની વિગત એવી છે કે બોપલ વિસ્તારમાં રહેતી ચંન્દ્રીકાબેન હરેન્દ્રસિંહ યાદવ ગત તા.30 મે 2017 ના રોજ સાંજે ઘરેથી નિકળી પોતાના જ્યુપીટર પર બેસી શાકભાજી લેવા માટે જતા હતા.આ દરમિયાન પાછળની બાજુએથી બાઈક પર બેસીને ત્રણ શખસો ચંન્દ્રીકાબેન પાસે આવ્યા હતા.બાઈક ચાલકે જોરથી હોર્ન મારતાં ચંન્દ્રીકાબેન ગભરાઈ ગયા હતા.ચંન્દ્રીકાબેન કઈંપણ સમજે કે વિચારે તે પહેલાં જ બાઈક પર બેઠેલા શખસે તેમના ગળામાં પહેરેલો દુપટ્ટો ખેંચી નીચે પાડવા પ્રયાસ કર્યો હતો.તે સમયે ચંન્દ્રીકાબેને જ્યુપીટર ઉભું રાખતાં શખસોએ તેમને બિભસ્ત શબ્દો કહ્યા હતા.ચંન્દ્રીકાબેને તેમને બિભત્સ શબ્દો ન બોલવા કહ્યું હતું.તે પછી ચંન્દ્રીકાબેન પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવા ગયા હતા.બાઈક પર ત્રણ શખસો ત્યાં આવ્યા હતા.ચંન્દ્રીકાબેન શાકભાજી લેવા ગયા હતા ત્યારે ત્રણ શખસે તેમનો પીછો કરી મા ઉમિયા માતાજી મંદિર પાસે રોક્યા હતા,અને ધમકી આપી હતી કે અમે ગોધાવીના દરબારો છીએ,મોંઢા પર એસીડ છાંટી દઈશું.
અત્યંત ગભરાઈ ગયેલા ચંન્દ્રીકાબેને બોપલ પોલીસ સ્ટેશન પહોંચી ત્રણ અજાણ્યા શખસ સામે ગુનો નોંધાવ્યો હતો.બોપલ પોલીસે તપાસ હાથ ધરીને વિક્રમજી શંકરજી વાઘેલા,હિમાંશું ગણેશજી ઠાકોર અને કિરણ ઉર્ફે સચીન ભરતભાઈ ઠાકોરની આઈપીસી કલમ 354(ડી),504,505 અને 114 હેઠળ ધરપકડ કરી હતી.
જે અંગેનો કેસ બીજા.એડી.જ્યુ.મેજીસ્ટ્રેટ અમદાવાદની કોર્ટમાં ચાલ્યો હતો.આરોપીઓને બચાવવા તેમના વકીલે કોર્ટ સમક્ષ રજુઆતો કરી હતી.જ્યારે સરકારી વકીલ ધીરુભાઈ જે.પરમારે કોર્ટ સમક્ષ ધારદાર દલીલો કરી હતી.કોર્ટે ફરિયાદીના નિવેદન,સાહેદોના નિવેદનો અને રજુ કરાયેલા આરોપીઓ વિરુધ્ધના પુરાવાના આધારે કોર્ટે ત્રણેય આરોપીને દોષિત ઠેરવ્યા હતા.કોર્ટે તમામ ત્રણ આરોપીને દોષિત ઠેરવીને આઈપીસીની કલમ 354(ડી)હેઠળ ત્રણ વર્ષની સાદી કેદની સજા અને 1000 રુપીયાનો દંડ અને દંડ ન ભરેતો વધુ એક માસની સાદી કેદની સજા તથા કલમ 504 હેઠળ ત્રણેય આરોપીને 1 વર્ષની સજાનો હુકમ કર્યો હતો.કોર્ટે સજાના હુકમમાં નોધ કરી હતી કે તમામ ત્રણેય આરોપીઓએ દરેક કલમની સજા અલગ અલગ ભોગવવાની રહેશે.આ ઉપરાંત કોર્ટે તમામ આરોપીને દસ દસ હજાર રુપીયા એટલે કે ત્રીસ હજાર રુપીયા ફરિયાદી બહેનને વળતર પેટે ચુકવવા હુકમ કર્યો હતો.