રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )
અમદાવાદ શહેરમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ હવે બેફામ રીતે વધી ગઈ છે. છેલ્લા બે અઠવાડિયામાં ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ દ્વારા અમદાવાદ શહેરમાં ચાલતી દારૂ અને જુગારના અડ્ડા પર દરોડા પાડવામાં આવી રહ્યાં છે. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સરખેજમાં ચાલતા જુગારધામને ઝડપયા બાદ ઓઢવ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં CMC કેનાલ નજીક ખુલ્લી જગ્યામાં જાહેરમાં બુટેલગર રંગીલા જગરૂપ યાદવના દેશી દારૂના અડ્ડા પર મોડી સાંજે દરોડો પાડી અને 130 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.
પોલીસે બુટલેગર રંગીલાના માણસ પ્રવીણ રાજપૂતની ધરપકડ કરી હતી. છેલ્લા ત્રણ મહિનાથી આ દેશી દારૂનો અડ્ડા પર કામ કરતો અને દારૂ ખૂટે તો તાત્કાલિક પહોંચાડી પણ દેવાતો હતો. પોલીસે 130 લીટર દારૂ કબ્જે કરી બૂટલેગર રંગીલા યાદવની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.
બુટલેગર રંગીલા યાદવના ચાલતા દારૂના અડ્ડાની જાણ સેક્ટર 2 અને DCP ઝોન 5 ને કરાઈ હતી
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ચાલતા દારૂ -જુગાર અને કુટણખાનાની નામ સહીતની સંપૂર્ણ માહિતી ઝોન 5 ના ડીસીપી અચલ ત્યાગીને વોટ્સએપ મેસેજ કરીને કરાઈ હતી. પરંતુ ડીસીપી અચલ ત્યાગીનો કોઈ સંતોષકારક રીપ્લાય કે કોઈપણ કાર્યવાહી કરી હોય એવી કોઈ કામગીરી ના દેખાતા તેમનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો. ફોન ઉપાડતાજ જયારે ડીસીપી ઝોન 5 ને પૂછવામાં આવ્યું કે સાહેબ આપને મોકલેલ યાદી પ્રમાણે દારૂ જુગાર અને કુટણખાના ચલાવતા સંચાલકો સામે આજદિન સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. આટલુ સાંભળતાજ ઝોન 5 ડીસીપી અચલ ત્યાગીએ કહ્યું કે હા હું જોવડાઈ લઉ છું અને તાત્કાલિક ફોન કટ કરી દીધો હતો. ત્યારબાદ પણ તેમણે કોઈપણ જાતની કાર્યવાહી કરી ન હતી. તે જોતા સ્પષ્ટ દેખાઈ આવ્યું હતું કે ઉચ્ચ અધિકારીને ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં કોઈ રસ નથી.
સેક્ટર 2 ગૌતમ પરમારને પણ વોટ્સએપ ઉપર મેસેજ મોકલી સમગ્ર બાબતે માહિતગાર કરાયા હતા
જયારે ઝોન 5 ડીસીપી અચલ ત્યાગીએ કોઈ કાર્યવાહી ના કરી ત્યારે તાત્કાલિક સેક્ટર 2 ગૌતમ પરમારનો વોટ્સએપ ઉપર સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમજ માહિતી આપનારે સેક્ટર 2 સાહેબને ડીસીપી અચલ ત્યાગીએ બુટલેગરો વિરૃદ્ધ કોઈ કાર્યવાહી નથી કરી તેની જાણ કરવામાં આવી હતી. સેક્ટર 2 સાહેબે મેસેજ રીડ કર્યા હોવા છતાં તેમનો કોઈ રીપ્લાય ના મળ્યો હતો, જેથી 5 દિવસ પછી ફરી એક વખત સેક્ટર 2 ગૌતમ પરમાર સાહેબને કરેલા મેસેજ ઉપર ટેગ કરી પૂછવામાં આવ્યું કે સાહેબ આ માહિતી અનુંસંધાન કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ મેસેજ પણ સેક્ટર 2 સાહેબે વાંચી લીધો હતો પણ માહિતી આપનાર સાથે કોઈ વાતચીત કે મેસેજનો રીપ્લાય આપ્યો ન હતો. જયારે બીજા દિવસે સેક્ટર 2 નો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે જોવા મળ્યું કે માહિતી આપનાર વ્યક્તિને સેક્ટર 2 ગૌતમ પરમારે બ્લોક કરી દીધા હતા.
સેક્ટર 2 અને ડીસીપી ઝોન 5 માં ચાલતા દારૂ જુગારના અડ્ડાઓ અને કુટણખાનાઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, એવુ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. તેનો મુખ્ય કારણ પોલીસ અને ગુનેગારોની મીલીભગત અને પોલીસની ભ્રષ્ટનીતિ હોવાનું પણ લોકો જણાવી રહ્યા છે.સંપૂર્ણ માહિતી હોવા છતાં કસૂરવારો સામે આવા ઉચ્ચ અધિકારીઓએ કાર્યવાહી કેમ ના કરી તે તપાસનો વિષય છે.
13 પ્લાસ્ટિકના થેલામાંથી દારૂ મળ્યો
ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમને વોટ્સએપ પર માહિતી મળી હતી કે અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશનનો હદમાં CMC કેનાલ નજીક જાહેરમાં દેશી દારૂનું વેચાણ થાય છે. જેના આધારે પોલીસે તપાસ કરતા રંગીલા યાદવ નામના શખ્સનો દારૂનો અડ્ડો ચાલતો હોવાની હકીકત જણાતાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે શનિવારે સાંજે અડ્ડા પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમ્યાન પોલીસે પ્રવીણ રાજપૂત નામના શખ્સને એક કોથળામાં દેશી દારૂ વેચતા ઝડપી લીધો હતો. આરોપીની પૂછપરછ કરતા વધુ દેશી દારૂનો જથ્થો કચરાના ઢગલામાં સંતાડી રાખ્યા હોવાનુ જણાવ્યું હતું જેથી તપાસ કરતા 13 પ્લાસ્ટિકના થેલામાં કુલ 130 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.