
અહેવાલ – રીતેશ પરમાર
અંકલેશ્વર GIDC બસ ડેપો સામે આવેલી હોટલ રોયલ ઈનમાંથી ભરૂચ એલસીબીએ જુગારધામનો પર્દાફાશ કર્યો છે. પોલીસે હોટલના ભાગીદાર સહિત 8 જુગારીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે મેનેજર સહિત 4 આરોપીઓ ફરાર છે.
ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સૂચના મુજબ એલસીબીના PI એમ.પી. વાળા અને PSI આર.કે. ટોરાણીની ટીમને બાતમી મળી હતી કે હોટલ રોયલ ઈનના રૂમ નંબર 306માં જુગારધામ ચાલી રહ્યું છે.
હોટલના ભાગીદાર લતીફ અબ્બાસ મલેક બહારથી માણસો બોલાવીને જુગાર રમાડી રહ્યા હતા.
દરોડા દરમિયાન પોલીસે રૂ. 30,000 રોકડા, 6 મોબાઈલ ફોન અને એક બાઈક મળીને કુલ રૂ. 80,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં લતીફ અબ્બાસ મલેક, અઝીમ ઐયુબ બક્સ, નઈમ ઈસ્માઈલ મદાફરીયા, મોહંમદ ઝૈદ મોહંમદ વોરા પટેલ, મોહસીન કમરૂદીન દીવાન, આસિફ ઉસ્માન મલેક, ઝાકીર અબ્બાસ વોરા પટેલ અને સિદીક રાજા મલેકનો સમાવેશ થાય છે. પોલીસે હોટલના મેનેજર સહિત અન્ય 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે પોલીસની કાર્યવાહી ચાલુ છે.