
અહેવાલ – રીતેશ પરમાર
ઉતરાયણ નો તહેવાર હવે સાવ નજીક છે. ઘણા લોકોની જેમ તમે પણ પતંગ દોરા ખરીદવાનું પ્લાનિંગ બનાવી લીધું હશે. પરંતુ આ તહેવાર નજીક આવતા જ એવા પણ સમાચાર સાંભળવા મળતા હોય છે કે, અચાનક જ કોઈ પતંગની દોર કોઈના ગળામાં આવી જતા વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવી દીધો. જેથી આ આ ઉતરાયણ તહેવાર સમયે ફરી કોઈ નિર્દોષ વ્યક્તિ ચાઈનીઝ દોરાથી જીવના ગુમાવે તેની તકેદારી રાખી અમદાવાદ ઝોન 6 ACP શ્રી પ્રદિપસિંહ જી. જાડેજાના સચોટ માર્ગદર્શન હેઠળ મણિનગર તેમજ ઇસનપુર પોલીસ દ્વારા આ બંને વિસ્તારમાં વાહન ચાલકોને પોતાના વાહન ઉપર પતંગના દોરાથી બચવા માટે સેફ્ટી રિંગ ગાર્ડ લગાવવા સૂચન કર્યું હતું. તેમજ ઝોન 6 જે ડિવિઝનના ACP શ્રી પ્રદીપસિંહ જી જાડેજા પોતે હાજર રહી વાહન ચાલકોને સેફ્ટી રિંગ ગાર્ડ લગાવ્યા હતા.


આ બાબતે વધુ મળતી માહિતી અનુસાર અમદાવાદ ઝોન 6 જે ડિવિઝનના ACP શ્રી પ્રદિપસિંહ જી જાડેજા, મણિનગરના PI ડી પી ઉનડકટ તેમજ ઈસનપુર પોલીસ સ્ટેશનના PI બી એસ જાડેજા પોતાના પોલીસ સ્ટાફ સહીત વાહન ચાલકોને સમજૂતી આપી હતી કે, ઉત્તરાયણ ના સમયે પતંગના દોરાથી ગળું કપાઈ જવાના ઘણા બધા બનાવો સામે આવતા હોય છે. જેમાં ઘણા લોકો પોતાનો જીવ ગુમાવી બેસે છે. તેથી આ વખતે વાહન ચાલક જ્યારે પોતાનું વાહન લઈને ઘરેથી બહાર નીકળે ત્યારે, વાહન ચલાવતી વખતે પૂરતી સુરક્ષા રાખે, ગળે મફલર કે રૂમાલ વીંટોળો, યુવતીઓ માટે આવા દિવસોમાં દુપટ્ટો આશીર્વાદરૂપ બની જતા હોય છે. ત્યારે પુરુષોએ પણ ગળાને જાડો રૂમાલ અથવા મફલર બાંધીને જ વાહન ચલાવવું જોઈએ. ગળું અને નાક બિલકુલ ખુલ્લું ન રાખો, બને ત્યાં સુધી આખું મોઢું ઢાંકીને બહાર નીકળવું, ટુવિલર પર નાના બાળકને આગળ ઊભું રાખવાની ભૂલ ના કરશો. નાના બાળકોનું પણ મોઢું અને ગળું ઢાંકીને બેસાડો. આવી તમામ પ્રકારની જરૂરી જાણકારી આપી મકરસંક્રાતિ ના તહેવાર માં લોકોને પતંગની દોરી થી સલામતી માટે મણિનગર પોલીસ તથા ઈસનપુર પોલીસ દ્વારા મોટર સાયકલમાં સ્પેશિયલ ગાર્ડ લગાવી, લોકોની સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરી અમદાવાદ શહેર ઝોન 6 પોલીસે પોતાની જવાબદારી નિભાવી હતી.