


રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )
ઝૂંપડામાં પરિવારજનો ભરઉંઘમાં હતા ત્યારે મધરાતે મોત ત્રાટક્યું
ઝોકે ચઢેલા ડ્રાઇવરનું રિકવરી વાન પૂરપાટ વેગમાં રોડ ઓળંગી ત્રણ ફૂટ નીચે સરકી જતાં શ્રમિક પરિવારના દંપતી, બે પુત્રી, ચાર મહેમાનોનાં મોત
અમરેલી : અમરેલી જિલ્લાના સાવરકુંડલાથી આઠ કિલોમીટર દૂર ગત મધરાત્રે એક ગમખ્વાર અકસ્માત બન્યો હતો, જેમાં એક જ પરિવારના ચાર વ્યકિત સહિત કુલ આઠ લોકોનાં મોત થયા છે.
સાવરકુંડલાથી પીપાવાવ-જાફરાબાદ તરફ વ્હીકલ ટો કરવા જઈ રહેલો એક ટ્રક (મોડી ફાઈડ ક્રેઈન) બાઢડા નજીક પહોંચ્યો ત્યારે ડ્રાયવરને ઝોકું આવી જતાં ટ્રક પૂરપાટ વેગે જ રોડ ક્રોસ કરી, ત્રણ ફૂટ નીચે સરકીને ત્યાં છાપરાં બાંધીને રહેતા શ્રમિક પરિવારના ખોરડામાં ઘૂસી ગયો હતો.
ભર ઊંઘમાં પોઢેલા લોકો આ ટ્રક હેઠળ કચડાઈ જતાં બે સગા ભાઈ, એક યુવતી, એક યુવાન, શ્રમિક દંપતી અને તેની બે પુત્રીએ સૃથળ પર જ જીવ ગુમાવી દીધો હતો, જયારે તેનાં અન્ય બે બાળકો પણ ગંભીર રીતે ઘવાયા છે.
ગત રાતે જીજે-18 એચ 9168 નંબર વાળો ક્રેન ટ્રક (ટાટા 909) સાવરકુંડલા તરફથી જાફરાબાદ તરફ જતો હતો એવામાં મોડી રાત્રીના અઢી વાગ્યે બાઢડા ગામે રેલ ફાટકથી 200 મીટર દુર પહોંચ્યો ત્યારે ટ્રક ચાલકે કાબુ ગુમાવી દેતા ટ્રક રોડ સાઈડમાં દત્ત હોટલ પાસે ઝુંપડામાં ઘૂસી ગયો હતો.
ત્યાં પતરા બાંધીને રહેતા લુવારીયા પરિવારના સભ્યો અને મહેમાનો ખાટલા પર અને નીચે ગાઢ નિંદ્રામાં સુતા હતા એવામાં તેમના પર ટ્રક ચડી જતાં દસમાંથી આંઠ લોકોના કમકમાટી ભર્યા મોત થયા હતા અને બે બાળકોને ગંભીર ઈજા થઈ હતી. મૃતકોમાં હેમરાજ સોલંકી, તેના પત્ની લક્ષ્મીબેન, બે પુત્રીઓ પુજા અને શુકન, બે સગા ભાઈઓ નરશીભાઈ અને નવઘણભાઈ તેમજ અન્ય બેનો સમાવેશ થતો હતો.
ઈજાગ્રસ્ત અને નજીકમાં રહેતા પરિવારની બુમો છતાં ઘડીકમાં નહી અટકેલો ટ્રક એક દીવાલ સાથે આૃથડાયા બાદ અને 8નાં મોત નિપજાવ્યા બાદ થોભ્યો હતો.મૃતકોની મરણ ચીસો ગાજી ઉઠી હતી અને સૃથળ પર લાશોનો ખડકલો થઈ જતાં હૈયાદ્રાવક દ્રશ્યો ખડા થયા હતાં. ત્યાં સુતેલુ એક શેરી શ્વાન પણ કચડાઈ ગયુ હતું.
બનાવને લઈ સાવરકુંડલા 108 એમ્બ્યુલન્સ તેમજ સાવરકુંડલા રૂરલ પોલીસ ઘટના સૃથળે પહોંચી જઈ મૃતકોને પીએમ માટે તેમજ ઈજા ગ્રસ્ત બે બાળકોને અમરેલી ખસેડયા હતા. આ બનાવમાં મૂળ રાજસૃથાનના વતની લુવારીયા સમાજથી જાણીતા અને વર્ષોથી ચુલા-તગારાં જેવી વસ્તુઓ બનાવી ગામે ગામ વેંચવા નીકળતા શ્રમિક પરિવારનો ભોગ લેવાયો છે.
હેમરાજ સોલંકીનો આ પરિવાર અમરેલીમાં ચિતલ રોડ ઉપર ગાયત્રી મંદિર પાસે રહેતો હતો પરંતુ છેલ્લા થોડા દિવસોથી જ સાવરકુંડલાના બાઢડા ગામે વસ્તુઓ વેંચવા પહોંચીને રોડ સાઈડ ઝુપડું બાંધી રહેતો હતો. ગત રાત્રે 11 વાગ્યા સુધી દશામાનાં વ્રતની ઉજવણી કરીને સુતા ત્યાં આ અકસ્માત નડયો હતો.
આ ઉપરાંત, શ્રાવણ માસ શરૂ થયેલ હોવાથી તેમને ત્યાં અન્ય ચાર લોકો મહેમાન તરીકે આવેલ હતા તેઓ પણ કાળનો કોળિયા બની ગયા હતા. આંઠ લોકોનો ભોગ લેનાર ટ્રક (ક્રેન)નો ચાલક પ્રવિણભાઈ દેવાભાઈ પરમાર, (ઉ.વ.24, ધંધો, ડ્રાઈવીંગ રહે. રાજકોટ, 150 ફૂટ રીંગ રોડ, રામાપીર ચોકડી) ઝબકીને જાગ્યા બાદ લાશો જોઈને દિગ્મુઢ થઈ ગયો હતો.
તે નાસી જાય તે પહેલાં જ તેની સાવરકુંડલા રૂરલ પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. અકસ્માતમાં લુવારીયા સમાજના આંઠ લોકોના મોતથી સમગ્ર લુવારીયા સમાજમાં અને જિલ્લામાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. લુવારિયા સમાજના લોકો સિવિલ હોસ્પિટલે એકત્ર થઈ ગયા હતા અને આક્રંદ મચી ગયું હતું.
અકસ્માતમાં મોતને ભેટનાર કામભાગી મૃતકોની નામાવલિ
(1) પૂજાબેન હેમરાજભાઈ સોલંકી(ઉ.વ.08), (ર)લક્ષ્મીબેન હેમરાજભાઈ સોલંકી (ઉ.વ.30), (3) શુકનબેન હેમરાજભાઈ સોલંકી (ઉ.વ.13), (4) હેમરાજભાઈ રઘાભાઈ સોલંકી (ઉ.વ.37), (5) નરશીભાઈ વસનભાઈ સાંખલા (ઉ.વ.60), (6) નવઘણભાઈ વસનભાઈ સાંખલા (ઉ.વ.65), (7) વિરમભાઈ છગનભાઈ રાઠોડ (ઉ.વ.35), (8) લાલાભાઈ ઉર્ફે દાદુભાઈ ડાયાભાઈ રાઠોડ (ઉ.વ.20)